Mon Aug 24 2026

Logo

ખાંડના ભાવ વધતા હવે ચાની ચુસ્કીએ સ્વાદ બગાડ્યો, કટિંગના 18 રૂપિયા તો આખી ચાના 30

2026-08-23 19:42:27
Author: Mumbai Samachar Team
Article Image

અમદાવાદઃ પહેલા પેટ્રોલ-ડીઝલ, પછી દૂધ,ગેસ અને હવે ખાંડના ભાવમાં વધારો થતા મધ્યમવર્ગનું બજેટ બધી રીતે ખોરવાઈ રહ્યું છે. અધુરામાં બાકી હતું તો તેલના ભાવમાં પણ વધારો થતા તહેવાર ટાણે ખર્ચાએ લોકોના ખિસ્સા પર અણધારી સ્ટ્રાઈક કરી દીધી હોય એવું ચિત્ર છે. આ તમામ એવી જીવનજરૂરી વસ્તુઓ છે જેના પર ડાયરેક્ટ કોઈ રીતે બ્રેક મારી શકાય એમ નથી.ખાંડમાં થયેલા નોંધપાત્ર ભાવ વધારાથી ચાની ચુસ્કીનો સ્વાદ બગડી શકે એમ છે. એક મહિનામાં ખાંડના ભાવમાં 20થી 25 રૂપિયાનો ભાવ વધારો થતા હવે મીઠાઈની સાથે ચા પણ મોંઘી બની શકે છે. 

કટિંગ ચાનો સ્વાદ બગડ્યો
અમદાવાદ, રાજકોટ, વડોદરા, ભાવનગર તથા જામનગરમાં ચાના ભાવમાં થયેલા વધારાની અસર જોવા મળી શકે છે. ચાની કિટલીએ ચાના ભાવમાં વધારો થવાની પૂરી તૈયારીઓ છે. જ્યારે મોટા કાફે કહેવાતા મિની રેસ્ટોરાંમાં પણ સીધા 10થી 15 રૂપિયા વધે એવી તૈયારી છે. નાના વેપારીઓ 5થી 10 રૂપિયા વધારશે જ્યારે કાફે સાઈઝના રેસ્ટોરાં કે કિટલી પર 10થી 15 રૂપિયા વધે એવી પૂરી શક્યતાઓ છે. આ કટિંગના ભાવમાં થતો ભાવ વધારો છે.

અમદાવાદમાં ચાની કિટલી ધરાવતા એક વેપારીએ કહ્યું હતું કે, ખાંડના ભાવમાં વધારો થતા ચાની ચુસ્કી હવે લોકોને મોંઘી પડી રહી છે. અગાઉ જે 15 રૂપિયાની કટિંગ હતી એ 18 રૂપિયા થઈ. અમુક જગ્યાએ 20 રૂપિયા પણ લઈ રહ્યા છે. પણ આમાં કપની સાઈઝ અમુક લોકોએ ફિક્સ રાખી છે તો કેટલાક વેપારીઓએ થોડી વધારી છે. અગાઉ જે નાના કપ હતા એના કરતા હવે કેટલાક વેપારીઓ સારી ચા સાથે મીડિયમ સાઈઝના કપ આપતા થયા છે. માત્ર ખાંડની વાત નથી અગાઉ ગેસના ભાવમાં વધારો થયો હતો. એ સમયે કોઈએ વધાર્યા ન હતા. ખાંડ કિંટલી પર સૌથી વધારે વપરાતી વસ્તુ છે. 

સ્ટોક કરીને રાખવો પોસાય એમ નથી
અત્યારે સ્ટોક આખો 3600 રૂપિયામાં પડે છે અગાઉ 2300 રૂપિયામાં પડતો. હાલમાં ચોમાસું છે એટલે વધારે પડતો સ્ટોક રખાવો પોસાય એમ નથી. ભેજ લાગી જાય તો ખાંડ તરત બગડી જાય છે. અત્યારે તો જેટલો ઉપયોગ એટલી ખરીદવામાં આવી રહી છે. કાફે સાઈઝ જે વેપારીઓ છે એ લોકોએ તો 15 રૂપિયા વધાર્યા છે. ખાંડ ઉપરાંત જે તે વ્યક્તિ જે ચા આપવા માટે જાય છે એનો પગાર, ભાડુ, ચાના મસાલા અને આદુનો ભાવ પણ અસર કરે છે. ચોમાસુ સીઝનમાં કોઈ મોટો સ્ટોક કરતું નથી કારણ કે ભેજના કારણે બગડી જાય છે.

અગાઉના જે 10 રૂપિયા હતા એ ભાવમાં હવે પોસાય એમ નથી. રાજકોટ ટી એસો.ના પ્રમુખ રાજુ ઠુંગાએ જણાવ્યું હતું કે, અમે આગામી મહિનાથી ભાવ વધારો કરવાનું વિચારી રહ્યા છીએ. ફ્યૂલથી લઈને હવે ખાંડ સુધીની દરેક કોમોડિટીમાં ભાવ વધ્યા છે. હાલમાં રાજકોટમાં અડધી ચાના 12 કે 13 રૂપિયા છે. આ 15 થી 16 સુધી પહોંચી શકે.જ્યારે આખી ચા 30 રૂપિયા સુધી પહોંચી શકે.સુરતમાંથી 5થી 10 રૂપિયાનો ભાવ વધારો છે. સુરતના વેપારીએ કહ્યું કે, અગાઉ જે ભાવે અમે ખાંડની ખરીદી કરતા એ ખરીદી અમને અત્યારે મોંઘી પડે છે. અત્યારે સ્ટોક રખાય એમ નથી.બીજી તરફ જ્યારે દૂધના ભાવ વધ્યા એ સમયે અમે વધારો કર્યો ન હતો.