Fri Oct 02 2026

Logo

આવતીકાલે અજય દેવગનની ‘દૃશ્યમ 3’ નવો રેકોર્ડ બનાવશે? રિતિક રોશનની ‘વૉર’નો રેકોર્ડ જોખમમાં

2026-10-01 18:49:44
Author: Mumbai Samachar Team
આવતીકાલે અજય દેવગનની ‘દૃશ્યમ 3’ નવો રેકોર્ડ બનાવશે? રિતિક રોશનની ‘વૉર’નો રેકોર્ડ જોખમમાં

મુંબઈ: બોલીવુડ સુપરસ્ટાર અજય દેવગનની બહુચર્ચિત ફિલ્મ ‘દૃશ્યમ 3: ધ કન્ક્લૂઝન’ 2 ઓક્ટોબર, ગાંધી જયંતીના દિવસે સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. ફિલ્મની રિલીઝ પહેલાં જ તેની એડવાન્સ બુકિંગે બોક્સ ઓફિસ પર ભારે ચર્ચા જગાવી છે. ખાસ વાત એ છે કે ફિલ્મ પાસે 2 ઓક્ટોબરે રિલીઝ થયેલી ફિલ્મોમાં સૌથી મોટી ઓપનિંગનો રેકોર્ડ પોતાના નામે કરવાની તક છે. હાલ આ રેકોર્ડ રિતિક રોશન અને ટાઇગર શ્રોફની 2019માં આવેલી ફિલ્મ ‘વૉર’ના નામે છે. 

‘વૉર’નો રેકોર્ડ શું છે? 

ઋતિક રોશન અને ટાઇગર શ્રોફની ‘વૉર’ બીજી ઓક્ટોબર 2019ના રિલીઝ થઈ હતી. ફિલ્મે પોતાના પહેલા જ દિવસે ભારતીય બોક્સ ઓફિસ પર 53.35 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. આ સાથે ‘વૉર’ 2 ઓક્ટોબરે રિલીઝ થયેલી ફિલ્મોમાં સૌથી મોટી ઓપનિંગ મેળવનારી ફિલ્મ બની હતી. ફિલ્મનું વર્લ્ડવાઇડ કલેક્શન આશરે 471 કરોડ રૂપિયા રહ્યું હતું. હવે સાત વર્ષ બાદ અજય દેવગનની ‘દૃશ્યમ 3’ આ રેકોર્ડની નજીક પહોંચી રહી છે. 

એડવાન્સ બુકિંગમાં કમાણી

‘દૃશ્યમ 3’ની એડવાન્સ બુકિંગને જોતા ફિલ્મની શરૂઆત મજબૂત રહેવાની શક્યતા છે. એક અહેવાલ મુજબ, આ ફિલ્મે બ્લોક સીટ્સ વગર 28.80 કરોડ રૂપિયાનું ગ્રોસ કલેક્શન નોંધાયું હતું. આ સાથે જ બ્લોક સીટ સહિત 36.25 કરોડ રૂપિયાના ગ્રોસ કલેક્શન સુધી પહોંચી છે. રિપોર્ટ્સ અનુસાર ‘દૃશ્યમ 3’ ભારતમાં પહેલા દિવસે 40 કરોડ રૂપિયાથી વધુ કમાણી કરી શકે છે. કેટલાક અંદાજો ફિલ્મની ઓપનિંગને 50થી 60 કરોડ રૂપિયા ની રેન્જમાં પણ મૂકે છે.

‘દૃશ્યમ 3: ધ કન્ક્લૂઝન’નું દિગ્દર્શન અભિષેક પાઠકે કર્યું છે. ફિલ્મમાં અજય દેવગન ફરી વિજય સલગાંવકરની ભૂમિકામાં જોવા મળશે. તેમની સાથે તબુ, શ્રિયા સરન, ઇશિતા દત્તા, મૃણાલ જાધવ, રજત કપૂર, પ્રકાશ રાજ અને જયદીપ અહલાવત મહત્વની ભૂમિકામાં છે. આ ફિલ્મ ‘દૃશ્યમ’ ફ્રેન્ચાઇઝીનો ત્રીજો અને અંતિમ ભાગ હોવાનું જણાવાયું છે. ગાંધી જયંતીની રજાનો ફાયદો અને ફિલ્મ પ્રત્યેની ઉત્સુકતા તેના શરૂઆતના બિઝનેસ માટે મહત્વપૂર્ણ બની શકે છે.