Mon Oct 05 2026

Logo

એશિયન ગેમ્સમાં ભારતનો ડંકો: લવલીનાનો ગોલ્ડન પંચ, તો તીરંદાજીમાં મહિલા ટીમે કોરિયાનું 50 વર્ષનું વર્ચસ્વ તોડ્યું

Nagoya   2026-10-02 11:20:00
Author: Devayat Khatana
એશિયન ગેમ્સમાં ભારતનો ડંકો: લવલીનાનો ગોલ્ડન પંચ, તો તીરંદાજીમાં મહિલા ટીમે કોરિયાનું 50 વર્ષનું વર્ચસ્વ તોડ્યું

નાગોયાઃ એશિયન ગેમ્સમાં ભારતીય ખેલાડીઓએ પોતાનો દબદબો જાળવી રાખતા દેશને મોટી સફળતા અપાવી છે. ટોક્યો ઓલિમ્પિકની મેડલ વિજેતા અને ભારતીય સ્ટાર મહિલા બોક્સર લવલીના બોરગોહેને મહિલાઓની 75 કિગ્રા વર્ગની ફાઇનલમાં કમાલનું પ્રદર્શન કર્યું છે. તેણે ચીનની બોક્સર બાઉ જીઈને એકતરફી મુકાબલામાં 5-0 થી પરાજય આપીને શાનદાર ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો છે. જજોના સર્વસંમત નિર્ણયથી લવલીનાએ મેળવેલી આ ભવ્ય જીતથી ભારતીય છાવણીમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે.

ફાઇનલ મુકાબલામાં ચીનની બોક્સરે શરૂઆતથી આક્રમક રમત દાખવી હોવા છતાં, લવલીનાએ ધૈર્યપૂર્વક રમીને પહેલો રાઉન્ડ 3-2થી પોતાના નામે કર્યો હતો. ત્યારબાદ બીજા રાઉન્ડમાં લવલીનાએ અત્યંત પ્રભાવશાળી પંચ લગાવી વિરોધી ખેલાડી પર સંપૂર્ણ પ્રભુત્વ જમાવી 4-1થી સરસાઈ મેળવી હતી. અંતિમ રાઉન્ડમાં લવલીનાએ જબરદસ્ત પ્રદર્શન કર્યું હતું, જેના પરિણામે જજોએ તેના પક્ષમાં જાહેર કર્યું હતું. આ અગાઉ સેમિફાઇનલમાં લવલીનાએ કઝાકિસ્તાનની નતાલિયા બોગદાનોવાને કડાકાભરી ટક્કરમાં 3-2થી હરાવી ગોલ્ડ મેડલ મેચમાં પ્રવેશ કર્યો હતો. વળી આજે લવલીનાનો બર્થડે પણ છે અને જન્મ દિવસે જ ગોલ્ડ મેડલ જીતીને દેશને ગૌરવ તો અપાવ્યું છે પણ આ સાથે જ જન્મ દિવસે જીવનમાં ક્યારેય ન વિસરાય તેવી સ્મૃતિ હાંસલ કરી છે.  

 

બોક્સિંગ ઉપરાંત તીરંદાજીમાં ભારતીય મહિલા ટીમે ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. અંકિતા ભક્ત, કુમકુમ અનિલ મોહોડ અને કીર્તિ શર્માની ભારતીય મહિલા રિકર્વ આર્ચરી ટીમે 10 વખતની ઓલિમ્પિક અને એશિયન ગેમ્સ ચેમ્પિયન એવી મજબૂત દક્ષિણ કોરિયાની ટીમને હરાવી પ્રથમ વખત ગોલ્ડ મેડલ જીતીને નવો ઈતિહાસ રચ્યો છે. કોરિયાની ટીમ 1970ના દાયકા પછી એશિયન ગેમ્સની ફાઇનલમાં ક્યારેય હારી નહોતી. આ ઐતિહાસિક જીત બાદ, કુમકુમ મોહોડ અને ધીરજ બોમ્માદેવરાની જોડીએ મિક્સ્ડ રિકર્વ સ્પર્ધામાં ભારત માટે સિલ્વર મેડલ હાંસલ કર્યો હતો.

સ્પર્ધાના 14મા દિવસે ભારત માટે મેડલ જીતવાની તકો વધુ મજબૂત બની છે. હવે ભારતીય મહિલા હોકી ટીમ ચીન સામે ગોલ્ડ મેડલ માટે ફાઇનલમાં ટકરાશે, જેનાથી ભારતની ઝોળીમાં વધુ એક ગોલ્ડ આવે તેવી પૂરી શક્યતા છે. આ ઉપરાંત પરવીન અને અંકુશ સહિતના બોક્સરો પણ પોતાની ગોલ્ડ મેડલ બાઉટમાં ઊતરશે, જ્યારે ભારતીય કુસ્તીબાજો પણ મેડલ પોઝિશન સુધી પહોંચવા માટે મેદાનમાં ઉતરી ચૂક્યા છે.