તરનતારન (પંજાબ): ભારતની સરહદે દેશની સુરક્ષા માટે તૈનાત બીએસએફના જવાનો દ્વારા બે પાકિસ્તાનીને ઠાર મારવામાં આવ્યા હતા. ભારતીય સીમા પર ગેરકાયદે પ્રવેશ કરવાનો પ્રયત્નો કરી રહ્યાં હતા ત્યારે બોર્ડર સિક્યોરિટી ફોર્સ (બીએસએફ) દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. જોકે, આ બંને ઘૂસણખોર પાસેથી શું મળી આવ્યું તે અંગે અધિકારીઓ દ્વારા હજી કોઈ જાણકારી શેર કરવામાં આવી નથી. પંજાબ બોર્ડર પર આ ઘટના રાત્રે 12:30 વાગ્યે બની હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.
પાકિસ્તાનીએ સીમા પાર કરવાનો પ્રયત્ન કર્યો
મળતી વિગતો પ્રમાણે આ ઘટના પંજાબ બોર્ડર આવેલા તરનતારન વિસ્તારના રાજોકે ખાતે બની હતી. ગત રાત્રે સરહદ પર ભારતીય સેના પેટ્રોલિંગ કરી રહી હતી. આ દરમિયાન ભારતીય જવાનોએ સીમા પાર મોટી હિલચાલ જોવા મળી હતી. ત્રણ પાકિસ્તાનીઓ અહીંથી ભારતમાં આવવાનો પ્રયત્ન કરી રહ્યાં હતાં. જો કે, બીએસએફના જવાનોને જાણ થતા તેમને ઠાર માર્યાં હતાં.
ઘૂસણખોરો પહેલા ચેતવણી આપી હતી
સુરક્ષાના કારણોસર તૈનાત જવાનોએ થર્મલ ઇમેજિંગ અને દૂરબીનનો ઉપયોગ કરીને શંકાસ્પદ વ્યક્તિઓની હિલચાલ પર નજર રાખી હતી. જોકે, તેઓ ત્યાં સુધીમાં ભારતીય સરહદમાં પ્રવેશી ચૂક્યા હતા. જેથી ભારતીય સેનાએ આ લોકોને પાછા જવા માટે ચેતવણી આપી હતી, પરંતુ આ ઘૂસણખોરો પાછા જવાની જગ્યાએ છુપાવાનો પ્રયત્ન કરી રહ્યાં હતાં. વારંવાર ચેતવણી આપવા છતાં પણ તેઓ પાછા ના ગયા જેથી જવાનોએ ફાયરિંગ શરૂ કરી દીધું હતું. જેમાં બે ઘૂસણખોરોને ઠાર કરવામાં આવ્યાં હતાં.
આ ઘૂસણખોરો તસ્કરો હતા, જેઓ ભારતીય સરહદની પેલે પાર માલની ખેપ પહોંચાડવાના ઉદ્દેશ્યથી આવ્યા હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. જો કે, આ ઘૂસણખોરો પાસેથી શું મળી આવ્યું તે અંગે કોઈ વિગતો જાહેર કરવામાં આવી નથી. આ ઘટના બાદ આસપાસના વિસ્તારને સીલ કરી દેવામાં આવ્યો છે અને બીએસએફ દ્વારા સમગ્ર વિસ્તારમાં તપાસ પણ શરૂ કરી દેવામાં આવી છે.