Wed Oct 07 2026

Logo

UPI ટ્રાન્ઝેક્શનમાં ઘટાડો થયો કે વધારો? ઓગસ્ટ-સપ્ટેમ્બરના આંકડાએ ચોંકાવ્યા!

2026-10-02 16:54:52
Author: Mumbai Samachar Team
UPI ટ્રાન્ઝેક્શનમાં ઘટાડો થયો કે વધારો? ઓગસ્ટ-સપ્ટેમ્બરના આંકડાએ ચોંકાવ્યા!

નવી દિલ્હીઃ UPI પર વધારાના ચાર્જની વસુલીને લઈને દેશભરમાં અનેક પ્રકારની ચર્ચા શરૂ થઈ હતી. આ ટેકનિકલ મુદ્દાને વિપક્ષે રાજકીય રંગ આપી દીધો હતો. હવે હકીકત એવી છે કે UPIના ટ્રાન્ઝેક્શનમાં ઘટાડો થયો નથી પણ વધારો થયો છે. દૈનિક ધોરણે થતા ટ્રાંઝેક્શનમાં વધારો થયો છે. યુપીઆઈના ઉપયોગમાં કોઈ પ્રકારનો ઘટાડો થયો નથી. એક મહિનામાં જે પરિણામ આવ્યું એના આંકડા પરથી આ વાત કહી શકાય છે. સોશિયલ મીડિયા પર થઈ રહેલી કેટલીક પાયાવિહોણી વાતને લઈને ચર્ચા થઈ રહી હતી કે, ટ્રાન્ઝેક્શન ઘટી રહ્યા છે. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેટશન ઓફ ઈન્ડિયા (NPCI)ના રિપોર્ટ પર નજર કરવામાં આવે તો ઓગસ્ટ મહિનામાં 24.51 અબજ ટ્રાન્ઝેક્શન થયા છે. 

આંકડાકીય આંકડાનું વિશ્લેષણ
ઓગસ્ટ મહિનામાં કુલ 31 દિવસ હોય છે. દરરોજ સરેરાશ 791 મિલિયન જેટલા ટ્રાન્ઝેક્શન થયા છે. આ લેવડદેવળ એક જ દિવસની છે. જ્યારે સપ્ટેમ્બર મહિનામાં ટોટલ ટ્રાન્ઝેક્શન 24.07 અબજ થયા છે, જ્યારે સપ્ટેમ્બર મહિનામાં કુલ 30 દિવસ હોય છે. દૈનિક ધોરણે 802 મિલિયન ટ્રાંઝેક્શન થયા છે. આના પરથી સ્પષ્ટ થાય છે કે, ઓગસ્ટ મહિના કરતા સપ્ટેમ્બર મહિનામાં ટ્રાન્ઝેક્શનની સંખ્યા વધી ગઈ છે. માત્ર ટ્રાન્ઝેક્શન જ નહીં ટ્રાન્ઝેક્શન સાથેની વેલ્યુમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. 

ઓગસ્ટ મહિનામાં દૈનિક ધોરણે કુલ ₹ 96,205 કરોડની લેવડદેવડ થઈ, જ્યારે સપ્ટેમ્બરમાં આ આંકડો વધીને ₹97,913 સુધી પહોંચી ગયો. આ પરથી એક વાત તો સ્પષ્ટ થઈ ગઈ છે કે, વેલ્યુ પણ વધી છે અને ટ્રાન્ઝેક્શન પણ વધી ગયા છે. જે દોઢ ટકાની વેલ્યુમાં ઘટાડો જોવા મળી રહ્યો છે એ એક દિવસ ઓછો હોવાને કારણે સ્પષ્ટ વર્તાય છે. વાર્ષિક ધોરણે જોઈએ તો સપ્ટેમ્બર મહિનામાં જ વોલ્યુમ 23 ટકા જ્યારે વેલ્યુમાં 18 ટકાનો ગ્રોથ થયો છે. 

નવો નિયમ લાગુ પડશે
કેન્દ્ર સરકારે UPIના નવા નિયમ અંતર્ગત ₹ 2000થી વધારે રકમના ટ્રાન્ઝેક્શન પર મર્ચેન્ટ ડિસ્કાઉન્ટ રેટ સ્ટ્રક્ચર લાગુ કર્યું છે. 15 ઑક્ટોબરથી તે લાગુ થવા જઈ રહ્યું છે. આ નવા નિયમ અંતર્ગત જો ટ્રાન્ઝેક્શન 75000 થી વધારે થાય તો મહત્તમ ચાર્જ ₹300 સુધી જ સિમિત રહેશે. જ્યારે કોઈ વ્યક્તિ બીજી વ્યક્તિને કોઈ રકમ ટ્રાન્સફર કરે છે તો એના પર કોઈ પ્રકારનો ચાર્જ લાગુ કરવામાં આવ્યો નથી. માત્ર ભારતમાં જ નહીં દુનિયાભરમાં UPIનો ડંકો વાગી રહ્યો છે. 

આ એક ભારતીય ટેક્નોલોજી આધારિત પેમેન્ટ સિસ્ટમ છે. જુલાઈ મહિનામાં ટ્રાન્ઝેક્શન વેલ્યુ ₹ 29.9 લાખ કરોડ સુધી પહોંચી હતી. આ પણ એક મોટો રેકોર્ડ છે. સિંગાપોર, ભુતાન, નેપાળ, શ્રીલંકા, ફ્રાંસ, મોરેશિયસથી લઈ કતાર સુધી 11 દેશમાં UPI સ્વીકાર્ય છે. ગ્લોબલ લેવલ પર મળી રહેલી સ્વીકૃતિને લઈ લોકોમાં પણ તેની ઉપયોગીતા વધી રહી છે.