Wed Oct 07 2026

Logo

‘સુપર કૉપ’ની છાપ ઊભી કરવા વાઝેએ એન્ટિલિયા નજીક વિસ્ફોટકો સાથેની એસયુવી રાખી: એનઆઇએ

2026-10-07 20:13:58
Author: Yogesh D. Patel
‘સુપર કૉપ’ની છાપ ઊભી કરવા વાઝેએ એન્ટિલિયા નજીક વિસ્ફોટકો સાથેની એસયુવી રાખી: એનઆઇએ

કાવતરું ઉઘાડું પડી જશે એવા ભયથી મનસુખ હિરેનની તેણે હત્યા કરી

મુંબઈ: બરતરફ પોલીસ અધિકારી સચિન વાઝેએ પોતાનું નામ રોશન કરવા માટે અને કેસ ઉકેલીને ‘સુપર કૉપ’ તરીકે પોતાની છાપ ઊભી કરવા માટે 2021માં ઉદ્યોગપતિ મૂકેશ અંબાણીના દક્ષિણ મુંબઈમાં આવેલા નિવાસસ્થાનની નજીક વિસ્ફોટકો સાથેની એસયુવી પાર્ક કરી હતી, એમ નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઇએ)એ બોમ્બે હાઇ કોર્ટને બુધવારે કહ્યું હતું.

એનઆઇએએ કોર્ટને જણાવ્યું હતું કે એસયુવી વાઝેના થાણેના બિઝનેસમૅન મિત્ર મનસુખ હિરેન પાસે હતી, જે એન્ટિલિયા નજીક પાર્ક કરાઇ હતી. હિરેન એક નબળી કડી છે અને પોતાના કાવતરાને તે ઉઘાડું પાડી શકે છે, એવા ભયથી વાઝેએ વાઝેએ તેની હત્યા કરી હતી.

જસ્ટિસ જી.એસ. કુલકર્ણી અને નીલા ગોખલેની ડિવિઝન બેન્ચે વિશેષ કોર્ટ દ્વારા ગયા અઠવાડિયે વાઝેને જામીન અપાયા તેની સામે વચગાળાનો સ્ટૅ આપ્યો છે. બુધવારે એડિશનલ સોલિસિટર જનરલ અનિલ સિંહે એનઆઇએ વતી હાજર રહીને કોર્ટને જણાવ્યું હતું કે વાઝે અગાઉ નકલી એન્કાઉન્ટર કેસમાં સસ્પેન્ડ થયો હતો, પરંતુ પછીથી તેને ફરી સેવામાં લઇને મુંબઈ પોલીસની ક્રાઇમ બ્રાન્ચના ક્રાઇમ ઇન્ટેલિજન્સ યુનિટ (સીઆઇયુ)નો પ્રમુખ બનાવી દેવામાં આવ્યો હતો.

અંબાણીના નિવાસસ્થાન નજીક એસયુવી રાખ્યા બાદ આ કેસની તપાસ પોતાને સોંપવામાં આવે એવી ગોઠવણ તેણે કરી હતી. આ કેસ ઉકેલીને તે સુપર કૉપની છાપ ઊભી કરવા માગતો હતો, એમ અનિલ સિંહે જણાવ્યું હતું.
ઉદ્યોગપતિના મનમાં ભય પેદા કરવા સાથે તેમના પરિવાર તેમ જ આખા સમાજમાં આતંક ફેલાવવા માટે તેણા આ કૃત્ય કર્યું હતું.

તેનું કાવતરું ઉઘાડું પડી જશે એવા ભયથી બાદમાં તેણે મનસુખ હિરેનની પણ હત્યા કરી હતી. કોર્ટે ગુરુવારે સુનાવણી ચાલુ રખાશે એમ જણાવી જામીન સામે સ્ટૅ વધારી દીધો હતો. નોંધનીય છે કે 25 ફેબ્રુઆરી, 2021ના રોજ એન્ટિલિયા નજીક વિસ્ફોકટો સાથેની એસયુવી મળી આવી હતી. એસયુવી ચોરાઇ એ પહેલા તે મનસુખ હિરેન પાસે હતી. હિરેનનો મૃતદેહ પાંચમી માર્ચ, 2021ના રોજ મુંબ્રા રેતીબંદર ખાડી નજીક મળી આવ્યો હતો.

ન્ટિલિયા નજીક વિસ્ફોટકો અને હિરેનની હત્યાના કેસમાં એનઆઇએએ 13 માર્ચ, 2021ના રોજ વાઝેની ધરપકડ કરી હતી. તેને ભ્રષ્ટાચારના કેસમાં પણ આરોપી બનાવવામાં આવ્યો હતો, જેની તપાસ સીબીઆઇ (સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન) અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ દ્વારા હાથ ધરાઇ હતી. (પીટીઆઇ)