(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈ શહેરના ફોર્ટ વિસ્તારમાં ક્રોસ મેદાન નજીક ઓલ્ડ સેક્રેટરીએટ અને સિવિલ ડિફેન્સ કોલેજની ઇમારતો પર લગાવવામાં આવેલા સાયરનનું પરીક્ષણ આઠ અને નવ ઑક્ટોબર ૨૦૨૬ના રોજ કરવામાં આવવાનું છે. આ સમય દરમ્યાન સાયરન વગાડવામાં આવશે ત્યારે નાગરિકોએ તેનો અવાજ સાંભળીને ગભરાઈ જવું નહીં એવી અપીલ મુંબઈ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી છે.
માનનીય ડિરેક્ટર જનરલ (સિવિલ ડિફેન્સ, નવી દિલ્હી) ના માર્ગદર્શન હેઠળ સેન્ટર ફોર ડેવલપમેન્ટ ઓફ ટેલિમેટિક્સ (સી-ડોટ) ની ટીમ દ્વારા પ્રોટોટાઇપ સાયરન ડિવાઇસ તૈયાર કરવામાં આવ્યું છે. મુંબઈ શહેરમાં ઓલ્ડ સેક્રેટરીએટ, એનેક્સ બિલ્ડીંગ, ફોર્ટ, મુંબઈ અને સિવિલ ડિફેન્સ કોલેજ, ક્રોસ મેદાન, મુંબઈની ઇમારતો પર ઉપરોક્ત સાયરન લગાવવામાં આવ્યા છે.
આ બે દિવસ સાયરન પરીક્ષણ પૂર્વ-આયોજિત છે અને કોઈ વાસ્તવિક કટોકટી કે ભય ઊભો થયો નથી. તેથી જો સાયરન સંભળાય તો સ્થાનિક નાગરિકોએ ગભરાવું જોઈએ નહીં અથવા કોઈ ગેરસમજ ન કરવી જોઈએ એવી અપીલ પાલિકા દ્વારા નાગરિકોને કરવામાં આવી છે. તેમ જ કોેઈપણ અનધિકૃત માહિતી કે અફવાઓ પર વિશ્ર્વાસ કરવો નહીં એવી અપીલ પણ કરવામાં આવી છે.