Wed Oct 07 2026

Logo

દહિસર-ગોરેગામમાંથી ગેરકાયદે 132 લિટર ઍસિડ જપ્ત...

2026-10-07 19:11:56
Author: Yogesh C. Patel
દહિસર-ગોરેગામમાંથી ગેરકાયદે 132 લિટર ઍસિડ જપ્ત...

AI પ્રતીકાત્મક તસવીર


(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: જ્વલનશીલ અને અત્યંત જોખમી ઍસિડની ગેરકાયદે હેરફેર અને સંગ્રહ કરનારાઓ સામે દહિસર અને વનરાઈ પોલીસે કાર્યવાહી કરી 132 લિટરથી વધુ ઍસિડ જપ્ત કર્યું હતું.
પોલીસના જણાવ્યા મુજબ દહિસર પૂર્વમાં રત્નનગર પરિસરના ઘનશ્યામ દુબે પાર્કિંગ નજીક એક વાહનમાં ઍસિડનાં કૅન હોવાની માહિતી પોલીસને ગયા સપ્તાહે મળી હતી. માહિતીને આધારે પોલીસની ટીમે શંકાસ્પદ વાહનની તપાસ કરી હતી. 

વાહનમાંથી પ્લાસ્ટિકનાં 10 કૅન મળી આવ્યાં હતાં. તપાસ કરતાં કૅનમાં હાઈડ્રોક્લોરિક ઍસિડ હોવાનું જણાયું હતું. વાહન પાસે હાજર અજય જીતનારાયણ સિંહ (49) પાસે ઍસિડ વહન કરવા સંબંધી દસ્તાવેજો અને લાઈસન્સ તપાસવા માગ્યા હતા. જોકે તેની પાસે કોઈ અધિકૃત દસ્તાવેજો ન હોવાનું જણાયું હતું.આ મામલે દહિસર પોલીસે સિંહ વિરુદ્ધ ગુનો નોંધી બાવન લિટર ઍસિડ જપ્ત કર્યું હતું. ગેરકાયદે ઍસિડની હેરફેર કરનારા સિંહને પોલીસે નોટિસ આપીને છોડ્યો હતો.

દરમિયાન મંગળવારે વનરાઈ પોલીસે મળેલી માહિતીને આધારે ગોરેગામ પૂર્વમાં વાલભાટ રોડ પર કામા એસ્ટેટ ખાતેના અણ્ણા નગરમાં આવેલા કારખાના પર કાર્યવાહી કરી હતી. કારખાનામાં પ્લૅટિંગ અને પૉલિશિંગનું કામ ચાલતું હતું. જોકે કારખાનામાં ઍસિડ જેવું જ્વલનશીલ પ્રવાહી રાખવા માટે જરૂરી મહાપાલિકાનું લાઈસન્સ કે અન્ય કોઈ પરવાના ન હોવાનું તપાસમાં જણાયું હતું. આ મામલે નીતિન સિંહ (27) વિરુદ્ધ ગુનો નોંધી આશરે 80 લિટર ઍસિડ ભરેલાં પ્લાસ્ટિકનાં બે કૅન જપ્ત કરવામાં આવ્યાં હતાં.