Wed Oct 07 2026

Logo

મધ્ય રેલવેના કરોડો પ્રવાસીઓ માટે આવ્યા મહત્વના સમાચાર, 18 ઓક્ટોબર સુધી આ કારણે કસરા સુધી ટ્રેન નહીં દોડે...

2026-10-07 17:39:18
Author: Darshana Visaria
મધ્ય રેલવેના કરોડો પ્રવાસીઓ માટે આવ્યા મહત્વના સમાચાર, 18 ઓક્ટોબર સુધી આ કારણે કસરા સુધી ટ્રેન નહીં દોડે...

મુંબઈઃ મુંબઈની લાઈફલાઈન ગણાતી લોકલ ટ્રેનના કરોડો પ્રવાસીઓ માટે મહત્ત્વના સમાતાર આવ્યા છે. મળતી માહિતી પ્રમાણે મધ્ય રેલવે (Central Railway)ના રૂટ પરથી દરરોજ મુસાફરી કરતા હજારો દૈનિક મુસાફરો અને નોકરિયાત વર્ગ માટે અત્યંત મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. કલ્યાણથી કસરા વચ્ચે ત્રીજી રેલવે લાઇન (Third Railway Line)ના નિર્માણ કાર્ય માટે આજથી એટલે કે સાતથી ઓક્ટોબરથી 18 ઓક્ટોબર સુધી સતત 12 દિવસનો વિશેષ મેગાબ્લોક જાહેર કરવામાં આવ્યો છે.

આ લાંબા મેગાબ્લોકને કારણે આસનગાંવથી કસરા વચ્ચે તમામ લોકલ સેવાઓ સંપૂર્ણપણે બંધ રહેશે. CSMT પરથી ઉપડતી લોકલ ટ્રેનો માત્ર આસનગાંવ સુધી જ દોડશે, જેના લીધે કસરા, ઈગતપુરી, નાસિક અને ઉત્તર મહારાષ્ટ્ર તરફ અવરજવર કરતા પ્રવાસીઓને ભારે હાલાકી ભોગવવી પડશે.

વાત કરીએ મેગાબ્લોકના શેડ્યૂલ અને લોકલ ટ્રેન સેવા પર થનારી અસર વિશે તો સાતમી ઓક્ટોબરથી લઈને 18મી ઓક્ટોબર સુધી એટલે કે સતત બાર દિવસ સુધી આ બ્લોક હાથ ધરવામાં આવશે. છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT)થી ઉપડતી તમામ કસરા લોકલ ટ્રેનો આસનગાંવ સ્ટેશન સુધી જ દોડાવવામાં આવશે. આસનગાંવથી કસરા વચ્ચે કોઈપણ લોકલ ટ્રેન દોડશે નહીં. કસરા, શહાપુર અને આસપાસના ગ્રામીણ વિસ્તારોમાંથી મુંબઈ ઓફિસ કે કોલેજ આવતા મુસાફરો માટે આ 12 દિવસ મુશ્કેલીભર્યા સાબિત થશે.

વંદે ભારત સહિત છ મહત્વપૂર્ણ એક્સપ્રેસ ટ્રેનો રદ:

આ બ્લોકને કારણે લાંબા અંતરની ટ્રેનોના શિડ્યુલ પણ ખોરવાયા છે. નાસિક અને ઉત્તર મહારાષ્ટ્રને જોડતી ૬ પ્રમુખ ટ્રેનો રદ કરવામાં આવી છે અને કેટલીકના રૂટ ટૂંકાવી દેવામાં આવ્યા છે. 

રદ કરાયેલી મુખ્ય ટ્રેનો:

- મુંબઈ-શિરડી વંદે ભારત એક્સપ્રેસ 
- મનમાડ-મુંબઈ એક્સપ્રેસ
- મુંબઈ-ધૂળે એક્સપ્રેસ

રૂટ શોર્ટ ટર્મિનેટ: 

નાંદેડ-મુંબઈ વંદે ભારત એક્સપ્રેસ મુંબઈ સુધી જવાને બદલે નાસિક રોડ સ્ટેશને જ ટર્મિનેટ (સમાપ્ત) કરવામાં આવશે. ઉપરાંત અન્ય અનેક લાંબા અંતરની એક્સપ્રેસ ટ્રેનોને વૈકલ્પિક રૂટ પર ડાયવર્ટ કરવામાં આવી છે.

મુસાફરો માટે વધારાની MSRTC બસોની વ્યવસ્થા:

મુસાફરોની અગવડતા નિવારવા માટે મહારાષ્ટ્ર રાજ્ય માર્ગ પરિવહન નિગમ (MSRTC) દ્વારા વિશેષ બસ સેવાનું આયોજન કરવામાં આવ્યું છે. શહાપુર, કલ્યાણ અને ઈગતપુરી ડેપોમાંથી સંચાલન: આસનગાંવ રેલવે સ્ટેશનથી કસરા અને કસરાથી ઇગતપુરી-નાસિક વચ્ચે સતત વધારાની એસટી બસો દોડાવવામાં આવશે. રેલવે પ્રશાસને નાગરિકોને અપીલ કરી છે કે તેઓ આ 12 દિવસ દરમિયાન મુસાફરી કરતા પહેલા ટ્રેનનું સ્ટેટસ ચકાસી લે અથવા વૈકલ્પિક રોડ માર્ગનો ઉપયોગ કરવાની અપીલ રેલવે પ્રશાસન દ્વારા કરવામાં આવી છે.