મુંબઈ: ઘરના કિચનમાં સર્પદંશને કારણે મહિલાએ જીવ ગુમાવ્યો હોવાની ઘટના વિરારમાં બની હતી. સાપે ડંખ મારવાને કારણે મહિલાનું સ્વાસ્થ્ય ઘણું બગડ્યું હતું, જેને પગલે ત્રણ-ત્રણ હૉસ્પિટલમાં ખસેડ્યા પછી આખરે મધરાતે તેનું મૃત્યુ થયું હતું.હૉસ્પિટલનાં સૂત્રોના જણાવ્યા મુજબ સર્પદંશને કારણે મૃત્યુ પામેલી મહિલાની ઓળખ શૈલા ઉર્ફે ચાર્લેટ ગોન્સાલ્વિસ (51) તરીકે થઈ હતી. પતિ અને બે દીકરી સાથે મહિલા વિરાર પશ્ર્ચિમમાં અગાશી પરિસરના સોમાડી ખાતે રહેતી હતી.
મંગળવારની વહેલી સવારે પાંચ વાગ્યાની આસપાસ મહિલા રસોડામાં ગઈ ત્યારે તેને સાપે ડંખ માર્યો હતો. ઘરમાં પ્રથમોપચાર પછી તેને અગાશી ખાતેની જ ખાનગી હૉસ્પિટલમાં લઈ જવાઈ હતી. પછી તેને બોલિંજમાં આવેલી વસઈ-વિરાર મહાનગરપાલિકાની હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જોકે મહિલાનું સ્વાસ્થ્ય વધુ કથળતાં તેને બાદમાં વિરારની સંજીવની હૉસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.
જ્યાં સારવાર દરમિયાન મંગળવારની મધરાતે દોઢ વાગ્યાની આસપાસ તેણે છેલ્લા શ્વાસ લીધા હતા.ગોન્સાલ્વિસ અંધેરીના એક મેડિકલ સેન્ટરમાં કામ કરતી હતી. શિપ્સ પર કામ કરનારાઓ માટે મેડિકલ ઈન્સ્યોરન્સની વ્યવસ્થા કરી આપવામાં તે સામેલ હતી.