Wed Oct 07 2026

Logo

સુરત, ડીસા બાદ ગાંધીનગરમાંથી પકડાઈ નકલી દેશી ઘી બનાવતી ફેક્ટરી, 6,500 કિલો વેજિટેબલ ફેટ જપ્ત

2026-10-07 17:46:58
Author: Mayur Patel
સુરત, ડીસા બાદ ગાંધીનગરમાંથી પકડાઈ નકલી દેશી ઘી બનાવતી ફેક્ટરી, 6,500 કિલો વેજિટેબલ ફેટ જપ્ત

ગાંધીનગરઃ રાજ્યમાં નકલી વસ્તુઓ બનાવવાનો કારોબાર ધમધોકાર ચાલતો હોય તેમ એક બાદ એક નકલી વસ્તુ બનાવતી ફેક્ટરીઓ ઝડપાઈ રહી છે. ગાંધીનગર પોલીસે મંગળવારે રાત્રે મોટી કાર્યવાહી હાથ ધરીને સાંતેજ GIDCના રકનપુર ગામમાં નકલી દેશી ઘી બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ કર્યો હતો. 
પોલીસે ગજાનન ફૂડ પ્રોડક્ટ્સ નામની ફેક્ટરી પર દરોડો પાડીને મોટા પ્રમાણમાં વેજીટેબલ ફેટ, કેમિકલ અને જાણીતી બ્રાન્ડ્સના નકલી લેબલ કબજે કર્યા હતા. આ કાર્યવાહીમાં ફૂડ સેફ્ટી વિભાગની ટીમ પણ જોડાઈ હતી.

6500 કિલો વેજિટેબલ ફેટ મળ્યું

દરોડા દરમિયાન ફેક્ટરી પરિસરમાંથી આશરે 6,500 કિલોગ્રામ વેજિટેબલ ફેટ મળી આવ્યું હતું, જેને તપાસ ટીમે જપ્ત કર્યું હતું. આ ઉપરાંત સ્થળ પરથી RM વેલ્યુ એન્હાન્સર પણ મળ્યું હતું. પોલીસના જણાવ્યા મુજબ આવા પદાર્થોનો ઉપયોગ ફેટના ગુણધર્મો બદલીને તેને ઘી જેવું દેખાડવા કે બનાવવા માટે થઈ શકે છે. જપ્ત કરાયેલી સામગ્રીના નમૂના તપાસ અર્થે મોકલી આપવામાં આવ્યા હતા.

બીજા ગોડાઉનમાંથી લાખો નકલી લેબલ મળ્યા

તપાસ દરમિયાન ફેક્ટરી પાસે આવેલા અન્ય એક ગોડાઉનની પણ તલાશી લેવામાં આવી હતી. ત્યાં વિવિધ પ્રતિષ્ઠિત બ્રાન્ડ્સના લાખો નકલી લેબલ હોવાની વિગત સામે આવી હતા. આ લેબલ અલગ-અલગ વજન/જથ્થા ધરાવતા પેકેટો માટે તૈયાર કરવામાં આવ્યા હતા. તપાસ એજન્સીના જણાવ્યા મુજબ, ફેક્ટરીમાં વેજિટેબલ ફેટ સંબંધિત બહુ ઓછા લેબલ હાજર હતા, જ્યારે બીજા ગોડાઉનમાંથી જાણીતી દેશી ઘી બ્રાન્ડ્સના મોટા પ્રમાણમાં લેબલ મળી આવ્યા હતા.  

વેજિટેબલ ફેટનું લાઇસન્સ, પરંતુ બ્રાન્ડ્સના લેબલ જપ્ત

પ્રાથમિક તપાસમાં એ પણ સામે આવ્યું કે ફેક્ટરી સંચાલકો પાસે FSSAIનું લાઇસન્સ વેજિટેબલ ફેટ બનાવવા માટેનું હતું. તેમ છતાં, તપાસ ટીમને એવી બ્રાન્ડ્સના મોટા પાયે લેબલ મળ્યા, જેના ઉત્પાદનો સાથે ફેક્ટરી સંચાલકોએ કોઈ સંબંધ હોવાનો ઇનકાર કર્યો હતો. પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે આ લેબલ્સનો ઉપયોગ ક્યાં અને કેવી રીતે થવાનો હતો તેમ જ તૈયાર માલ કયા બજારોમાં સપ્લાય કરવામાં આવતો હતો.

FDCA અને FSL દ્વારા સેમ્પલ લેવાયા

મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ખોરાક અને ઔષધ નિયમન તંત્ર  અને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીની ટીમોને સ્થળ પર બોલાવવામાં આવી હતી. અધિકારીઓએ વેજીટેબલ ફેટ, કેમિકલ અને તૈયાર પ્રોડક્ટના નમૂના લીધા છે, જેને વિગતવાર લેબોરેટરી ટેસ્ટિંગ માટે મોકલવામાં આવ્યા છે. અગાઉ સુરતના કામરેજ અને બનાસકાંઠાના ડીસામાંથી 6000 લિટર નકલી અને ભેળસેળિયું ઘી ઝડપાયું હતું.

સ્ટોક અને લેબલ જપ્ત, તપાસ ચાલુ

પોલીસે ફેક્ટરીમાં રહેલો સ્ટોક અને જપ્ત કરાયેલા નકલી લેબલ પોતાના કબજામાં લીધા છે. તપાસ એજન્સી હવે એ શોધવામાં લાગી છે કે કથિત ભેળસેળિયું ઉત્પાદન કેટલા પ્રમાણમાં તૈયાર કરવામાં આવ્યું હતું, તેની સપ્લાય ક્યાં-ક્યાં થઈ હતી અને આ સમગ્ર નેટવર્કમાં કોણ-કોણ સામેલ છે. સેમ્પલના લેબ રિપોર્ટ અને તપાસના આધારે આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.