Wed Oct 07 2026

Logo

રાજ્યના તમામ અભયારણ્ય અને નેશનલ પાર્ક શુક્રવારથી પર્યટકો માટે ખુલ્લા મુકાશે...

2026-10-07 17:30:21
Author: Pooja Shah
રાજ્યના તમામ અભયારણ્ય અને નેશનલ પાર્ક શુક્રવારથી પર્યટકો માટે ખુલ્લા મુકાશે...

અમદાવાદઃ આગામી સમયમાં નવરાત્રી,દિવાળી જેવા તહેવારોને ધ્યાનમાં રાખીને દેશ-વિદેશના પ્રવાસીઓ- સહેલાણીઓ માટે રાજ્યના વન વિભાગે મહત્વનો નિર્ણય કર્યો છે. ગુજરાતના તમામ અભયારણ્ય અને નેશનલ પાર્ક આગામી તા. ૯ ઓક્ટોબર ૨૦૨૬થી સહેલાણીઓ માટે ખુલ્લા મુકવામાં આવશે. વન વિભાગની માર્ગદર્શિકા મુજબ વન્ય પ્રાણીઓને ખલેલ ના પહોંચે તે પ્રકારે પ્રવાસીઓને પ્રવેશ આપવામાં આવશે તેમ, વન વિભાગ દ્વારા જણાવ્યું હતું. 

વધુમાં જણાવ્યું છે કે,હાલમાં રાજ્યમાં વરસાદની સિઝન પૂર્ણ થતાં તેમજ અભયારણ્ય- નેશનલ પાર્કમાં રોડ- રસ્તાની અનૂકુળતા બનતા પ્રવાસીઓ સહેલાઈથી પ્રવાસ કરી શકશે. આ નિર્ણયથી આ વિસ્તારમાં નાના -મોટા રોજગાર સાથે જોડાયેલા સ્થાનિકોને રોજગારી પણ મળી રહેશે. આ જાહેરાત સાથે સાસણ ગીર સહિતના સ્થળોએ લોકોની ભીડ વધશે. ખાસ તો દિવાળીના વેકેશન દરમિયાન પર્યટકો મોટી સંખ્યામાં અહીં એશિયાટિક સિંહને જોવા આવતા હોય છે. 

અત્રે નોંધનીય છે કે, ગુજરાત સિવાય દેશના વિવિધ પ્રતિષ્ઠિત રણથંભોર ટાઇગર રિઝર્વ- રાજસ્થાન,સતપુરા ટાઈગર રિઝર્વ- મધ્યપ્રદેશ,બંદિપુર ટાઈગર અને નાગરહોલ ટાઈગર રિઝર્વ- કર્ણાટક, સરિસ્કા ટાઈગર રિઝર્વ- રાજસ્થાન,પેન્ચ ટાઈગર રિઝર્વ અને તડોબા- અંધારી ટાઈગર રિઝર્વ-મહારાષ્ટ્ર સહિત ૯ જેટલા અભયારણ્ય- નેશનલ પાર્ક ગત  તા. ૦૧ ઓક્ટોબર ૨૦૨૬થી પ્રવાસીઓ માટે ખુલ્લા મુકવામાં આવ્યા છે.