મુંબઈ: મહારાષ્ટ્ર ભાજપના મુખ્ય પ્રવક્તા નવનાથ બનએ આરોપ કર્યો હતો કે એમપીએસસી ઉમેદવારો સાથે પુણેમાં વિરોધ કરી રહેલા યુથ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શિવરાજ મોરેએ શરાબ પીને ખરાબ વર્તન કર્યું હતું. જોકે. વિપક્ષે આ આરોપોને સાફ સાફ રદિયો આપ્યો હતો. એમપીએસી (મહારાષ્ટ્ર પબ્લિક સર્વિસ કમિશન)ના ઉમેદવારોનો વિરોધ રાજકીય રીતે પ્રેરિત હોવાનો પણ આરોપ બનએ કર્યો છે.
એમપીએસસીની કામગીરીમાં કથિત ગેરરીતિઓ, પરીક્ષા સંબંધિત વિવાદો અને અન્ય સંબંધિત મુદ્દાઓને લઈને વિદ્યાર્થીઓ દ્વારા ચાલી રહેલા આંદોલનમાં મોરે અને એનસીપી (એસપી)ના વિધાન સભ્ય રોહિત પવાર જોડાયા છે. બનએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે 'શિવરાજ મોરે ત્રીજી અને ચોથી ઓક્ટોબરે મધરાત પછી લગભગ દોઢ વાગ્યા સુધી વિરોધ સ્થળ પર હતા. ત્યારબાદ કોરેગાંવ પાર્ક વિસ્તારમાં જઈ યુથ કોંગ્રેસના બે કાર્યકરો સાથે દારૂ પીવા બેસી ગયા હતા.'
રાત્રિ દરમિયાન બનેલી ઘટનાઓના એક કથિત વિડીયોનો ઉલ્લેખ કરી બનએ દાવો કર્યો હતો કે મોરે અને બે અન્ય યુથ કોંગ્રેસના કાર્યકરો દારૂ પીવા ગયા હતા અને બાદમાં રસ્તા પર એક મહિલા સાથે ઝઘડો થયો હતો. રોહિત પવારે ખુલાસો કરવો જોઈએ કે આ નાઇટલાઇફ શું છે અને મોરે તેમજ સંડોવાયેલી મહિલા દરમિયાન શું થયું હતું.
એમપીએસસી વિરોધમાં ભાગ લેનારાઓમાંથી માત્ર 20 ટકા જ સાચા વિદ્યાર્થીઓ હતા, જ્યારે બાકીના 80 ટકા પવાર સાથે સંકળાયેલા રાજકીય કાર્યકરો હતા એવો આરોપ કરી બનએ દાવો કર્યો કે કેટલાક કોંગ્રેસના કાર્યકરો અને પવારના બારામતી એગ્રોના કર્મચારીઓ હતા.