વિદેશી સંસ્થાકીય રોકાણકારોની રૂ. 6121.37 કરોડની ચોખ્ખી વેચવાલી સામે સ્થાનિક ફંડોની રૂ. 4596.57 કરોડની લેવાલી
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ રિઝર્વ બૅન્ક ઑફ ઈન્ડિયાએ આજે ત્રણ દિવસીય નાણાનીતિની સમીક્ષાની બેઠકનાં અંતે વ્યાજદરમાં 25 બેસિસ પૉઈન્ટનો વધારો કર્યો હોવાથી તેમ જ તટસ્થ નાણાનીતિનાં વલણમાંથી કડક નાણાનીતિનું વલણ અપનાવવાની સાથે આજે વિશ્વ બજારમાં બે્રન્ટ ક્રૂડ તેલના વાયદામાં પણ ભાવ 1.41 ટકા વધીને બેરલદીઠ 102 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હોવાથી સ્થાનિક ઈક્વિટી માર્કેટની સતત બે સત્રની તેજીને બે્રક લાગી હતી અને બૉમ્બે સ્ટોક એક્સચેન્જનો 30 શૅરનો બૅન્ચમાર્ક સેન્સેક્સ 429.11 પૉઈન્ટના અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો 50 શૅરનો બૅન્ચમાર્ક નિફ્ટી 173.05 પૉઈન્ટના ઘટાડા સાથે બંધ રહ્યો હતો.
વધુમાં આજે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની રૂ. 12,577.96 કરોડની ખરીદી સામે રૂ. 18,699.33 કરોડની વેચવાલી રહેતાં કુલ રૂ. 6121.37 કરોડની ચોખ્ખી વેચવાલી રહી હતી. જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની રૂ. 18,707.03 કરોડની ખરીદી સામે રૂ. 14,110.46 કરોડની વેચવાલી રહેતાં કુલ રૂ. 4596.57 કરોડની ખરીદી રહી હોવાનું એક્સચેન્જે એક આંકડાકીય માહિતીમાં જણાવ્યું હતું.
આજે બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેકસ ગઈકાલના 73,067.81ના બંધ સામે નરમાઈના અન્ડરટોને 72,965.38ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં 72,468.72 અને ઉપરમાં 72,638.70ની રેન્જમાં રહીને અંતે ગઈકાલના બંધથી 0.59 ટકા અથવા તો 429.11 પૉઈન્ટના ઘટાડા સાથે 72,638.70ની સપાટીએ બંધ રહ્યો હતો. તે જ પ્રમાણે એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટી ગઈકાલના 22,776.10ના બંધ સામે 22,690.45ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં 22,546.30 અને ઉપરમાં 22,717.65ની રેન્જમાં અથડાઈને અંતે ગઈકાલના બંધ સામે 0.76 ટકા અથવા તો 173.05 પૉઈન્ટના ઘટાડા સાથે 22,603.05ના મથાળે બંધ રહ્યો હતો. આજે નિફ્ટી હેઠળના 50 શૅર પૈકી માત્ર નવ શૅરના ભાવ વધીને બંધ રહ્યા હતા, જ્યારે 41 શૅરના ભાવ ઘટાડે બંધ રહ્યા હતા.
રિઝર્વ બૅન્ક ઑફ ઈન્ડિયાએ આજે ચાર વર્ષના લાંબા સમયગાળા બાદ બૅન્ચમાર્ક વ્યાજદર 25 બેસિસ પૉઈન્ટ વધારીને 5.50 ટકા કર્યા હતા અને વધી રહેલા ફુગાવા અને ડૉલર સામે રૂપિયો નબળો પડી રહ્યો હોવાથી વ્યાજદરમાં વધુ વધારાની શક્યતા વ્યક્ત કરી હતી. નોંધનીય બાબત એ છે કે છ સભ્યોની નાણાનીતિની કમિટીએ આજે સર્વાનુમતે રિપોરેટમાં વધારો કર્યો હતો. તેમ જ ડિસેમ્બર, 2024માં સંજય મલ્હોત્રાએ રિઝર્વ બૅન્કના ગવર્નર તરીકે હોદ્દો સંભાળ્યો ત્યાર પછી પહેલી વખત વ્યાજદરમાં વધારો કરવામાં આવ્યો છે.
એકંદરે બજાર વર્તુળોમાં વ્યાજદરમાં વધારો અપેક્ષિત હતો, પરંતુ નાણાનીતિમાં તટસ્થ નીતિથી ક્રમશ કડક નાણાનીતિ અપનાવવાનું રિઝર્વ બૅન્કનું વલણ નજીકના ભવિષ્યમાં વ્યાજદરમાં કપાતની શક્યતાની બાદબાકી કરતું હોવાથી આ વલણ બજાર માટે આંચકાજનક હોવાનું જિઓજીત ઈન્વેસ્ટમેન્ટ લિ.નાં રિસર્ચ હેડ વિનોદ નાયરે જણાવતા ઉમેર્યું હતું કે રિઝર્વ બૅન્કે વર્તમાન નાણાકીય વર્ષ 2027નાં વૃદ્ધિદરનો અંદાજ 40 બેસિસ પૉઈન્ટ વધારીને 7.1 ટકાનો મૂક્યો છે, જે મજબૂત સ્થાનિક પરિબળોનો સંકેત આપે છે. તેમ છતાં ક્રમશઃ કડક નાણાનીતિના સંકેત અને ભાવની સ્થિરિતા પર મૂકવામાં આવેલા ભારને કારણે બજારનું સેન્ટિમેન્ટ વધુ ખરડાયું હોવાનું તેમણે ઉમેર્યું હતું.
રિઝર્વ બૅન્કે બજારની અપેક્ષાનુસાર જ વ્યાજદર 25 બેસિસ પૉઈન્ટ વધારીને 5.50 ટકા કર્યા હતા તેમ જ આર્થિક વૃદ્ધિદરના અંદાજમાં પણ વધારો કર્યો હતો. તેમ છતાં ફુગાવામાં વધારાની ચિંતા અને નીતિગત વલણ બદલવામાં આવતાં બજારમાં સેન્ટિમેન્ટ ડહોળાયું હોવાનું રેલિગેર બ્રોકિંગનાં રિસર્ચ વિભાગના વાઈસ પ્રેસિડૅન્ટ અજિત મિશ્રાએ જણાવતાં ઉમેર્યું હતું કે વધુમાં ક્રૂડ તેલના ભાવ બેરલદીઠ 101 ડૉલરની સપાટી પાર કરી ગયાના અહેવાલ અને ગઈકાલે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની વધુ રૂ. 2961.30 કરોડની ચોખ્ખી વેચવાલી રહી હોવાના નિર્દેશોને ધ્યાનમાં લેતાં બજાર વધુ ગબડી હતી.
આજે બીએસઈ ખાતે કુલ 4614 શૅરોમાં કામકાજ થયા હતા. જેમાંથી 2013 શૅરના ભાવ વધીને, 2360 શૅરના ભાવ ઘટીને અને 241 શૅરના ભાવ ટકેલા ધોરણે બંધ રહ્યા હતા. તેમ જ આજે 160 શૅરના ભાવ બાવન સપ્તાહની ટોચે અને 157 શૅરના ભાવ બાવન સપ્તાહના તળિયે પહોંચ્યા હતા. આજે સેન્સેક્સ હેઠળના 30 શૅર પૈકી માત્ર ચાર શૅરના ભાવ વધીને બંધ રહ્યા હતા, જેમાં કોટક મહિન્દ્રા બૅન્કમાં 2.21 ટકાનો, ભારતી એરટેલમાં 1.33 ટકાનો, આઈસીઆઈસીઆઈ બૅન્કમાં 1.15 ટકાનો અને બજાજ ફાઈનાન્સમાં 0.24 ટકાનો વધારો થયો હતો, જ્યારે મુખ્ય ઘટનાર શૅરોમાં સૌથી વધુ ટાઈટનમાં 3.52 ટકાનો ઘટાડો નોંધાયો હતો, ત્યાર બાદ અનુક્રમે ભારત ઈલેક્ટ્રોનિક્સ લિ.માં 2.21 ટકાનો, એશિયન પેઈન્ટ્સમાં 2.07 ટકાનો, ઈન્ફોસિસમાં 2.06 ટકાનો, લાર્સન ઍન્ડ ટૂબ્રોમાં 1.96 ટકાનો અને અદાણી પોર્ટસમાં 1.90 ટકાનો ઘટાડો આવ્યો હતો.
આજે બીએસઈ ખાતેના મિકડેપ સિલેક્ટ ઈન્ડેક્સમાં 0.43 ટકાનો ઘટાડો આવ્યો હતો, જ્યારે સ્મોલકેપ સિલેક્ટ ઈન્ડેક્સ સાધારણ 0.17 ટકાના સુધારા સાથે બંધ રહ્યો હતો. વધુમાં આજે બીએસઈના સેક્ટોરિયલ ઈન્ડેક્સમાં મેટલ ઈન્ડેક્સમાં 2.46 ટકાનો, ક્નઝ્યુમર ડ્યુરેબલ ઈન્ડેક્સમાં 1.83 ટકાનો, રિઅલ્ટી ઈન્ડેક્સમાં 1.74 ટકાનો, કૉમૉડિટી ઈન્ડેક્સમાં 1.60 ટકાનો, ઑટો ઈન્ડેક્સમાં 1.41 ટકાનો, સર્વિસીસ ઈન્ડેક્સમાં 1.10 ટકાનો, આઈટી ઈન્ડેક્સમાં 1.15 ટકાનો અને ફોકસ્ડ આઈટી ઈન્ડેક્સમાં 1.01 ટકાનો ઘટાડો આવ્યો હતો, જ્યારે ટેલિકોમ્યુનિકેશન ઈન્ડેક્સ, પીએસયુ બૅન્ક ઈન્ડેક્સ, હૉસ્પિટલ ઈન્ડેક્સ અને હાઉસિંગ ફાઈનાન્સ ઈન્ડેક્સ સુધારા સાથે બંધ રહ્યા હતા.
આજે એશિયન બજારોમાં દક્ષિણ કોરિયાનો કોસ્પી, જાપાનનો નિક્કી 225 અને હૉંગકૉંગનો હૅંગસૅંગ ઈન્ડેક્સ ઘટાડા સાથે બંધ રહ્યો હતો. તેમ જ યુરોપના બજારોમાં પણ મધ્યસત્ર દરમિયાન નરમાઈનું વલણ રહ્યું હતું.