સ્વીડનની રોયલ એકેડેમીએ લાંબા સમયથી ચાલી આવતા અણુના રહસ્યને ઉકેલવા બદલ બે વૈજ્ઞાનિકોને વર્ષ 2026નો કેમિસ્ટ્રીનો નોબેલ પુરસ્કાર સંયુકત રીતે આપવાની જાહેરાત કરી હતી. નોબેલ પુરસ્કાર પ્રખ્યાત વિજ્ઞાની હેનરી બી. કાગન (Henri B. Kagan) અને કેન્સો સોઈ (Kenso Soai) ને આપવામાં આવશે.બે વૈજ્ઞાનિકોને 'એસિમેટ્રિક સિન્થેસિસ' (Asymmetric synthesis) પરના કાર્ય માટે સંયુક્ત રીતે આ સન્માન આપવામાં આવશે.
અણુના રહસ્યને ઉકેલવામાં મદદ કરી
આ બે વૈજ્ઞાનિકોએ લાંબા સમયથી ચાલી આવતા અણુના રહસ્યને ઉકેલવામાં મદદ કરી છે. જેમાં સામાન્ય રીતે અણુઓ બે સ્વરૂપોમાં જોવા મળે છે. એક ડાબા હાથ જેવા અને બીજા જમણા હાથ જેવા.તેમજ તેઓ એકબીજાના અરીસામાં દેખાતા પ્રતિબિંબ જેવા હોય છે. જોકે, આપણા શરીરમાં માત્ર એક જ પ્રકાર કાર્ય કરે છે બીજો કરતો નથી. વૈજ્ઞાનિકો લાંબા સમયથી વિચારતા હતા કે પ્રકૃતિએ તેમાંથી માત્ર એકની જ પસંદગી કેવી રીતે કરી છે.
એમિનો એસિડ તરીકે ઓળખાતા અણુ પ્રોટીન બનાવે છે
આપણા શરીરમાં લોહી, સ્નાયુ, પ્રોટીન એક જ પ્રકારના અણુમાંથી છે. વૈજ્ઞાનિક ભાષામાં આને હોમોકાયરાલિટી કહેવામાં આવે છે. એમિનો એસિડ તરીકે ઓળખાતા અણુ પ્રોટીન બનાવે છે. તે બે સ્વરૂપોમાં અસ્તિત્વ ધરાવે છે છતાં શરીરમાં ફક્ત એક જ જોવા મળે છે. બીજું સ્વરૂપ પ્રકૃતિમાં ભાગ્યે જ જોવા મળે છે. જ્યારે વૈજ્ઞાનિકોએ પ્રયોગશાળામાં અણુનું વિશ્લેષણ કર્યું. ત્યારે બંને સ્વરૂપો સમાન માત્રામાં ઉત્પન્ન થયા હતા. ફાર્માસ્યુટિકલ ઉત્પાદકોને પડકારનો સામનો કરવો પડ્યો કારણ કે દવામાં ફક્ત એક સ્વરૂપ અસરકારક છે. જ્યારે બીજું નકામું અથવા નુકસાનકારક પણ હોઈ શકે છે.
વર્ષ 1986માં હેનરી કાગને એક નવી પદ્ધતિ વિકસાવી
વર્ષ 1986માં હેનરી કાગને એક નવી પદ્ધતિ વિકસાવી. તેમણે એક એવી રાસાયણિક પ્રક્રિયા કરી જેમાં એક સ્વરૂપ બીજા સ્વરૂપ કરતાં વધુ માત્રામાં ઉત્પન્ન થયું. આ અગાઉ વૈજ્ઞાનિકો માનતા હતા કે બંને સ્વરૂપો હંમેશા સમાન માત્રામાં જ ઉત્પન્ન થશે. કાગને દર્શાવ્યું કે શરૂઆતનો નાનકડો તફાવત પણ નોંધપાત્ર પરિણામ લાવી શકે છે. આનાથી ચોક્કસ આણ્વિક સ્વરૂપોનું સંશ્લેષણ કરવું સરળ બન્યું.
પ્રક્રિયા દરમિયાન મળતો પદાર્થ જ તે પ્રક્રિયાને આગળ વધારવામાં મદદરૂપ થાય
જ્યારે કેન્સો સોઈએ વર્ષ 1995માં એક અનોખી રાસાયણિક પ્રક્રિયા વિકસાવી અને વર્ષ 2003માં તેમાં સફળતા મેળવી. તેમણે એવી પ્રક્રિયા શરૂ કરી જેમાં અન્ય કોઈ સ્વરૂપને બદલે માત્ર એક જ ચોક્કસ સ્વરૂપનું નિર્માણ થતું હતું. જૈવિક સૃષ્ટિ સિવાય, આ પહેલાં કોઈએ પણ આવું સિદ્ધ કર્યું ન હતું. તેમની પદ્ધતિમાં પ્રક્રિયા દરમિયાન મળતો પદાર્થ જ તે પ્રક્રિયાને આગળ વધારવામાં મદદરૂપ થાય છે.જેમ કે કોઈ બીજમાંથી છોડ બને અને તે છોડ ફરીથી નવાં બીજ ઉત્પન્ન કરે. આના પરિણામે, તે ચોક્કસ આણ્વિક સ્વરૂપ આપમેળે પોતાની પ્રતિકૃતિઓ બનાવતું રહે છે.