Wed Oct 07 2026

Logo

દિલ્હીના સીમાપુરીમાં મોટી દુર્ઘટના! બહુમાળી ઈમારત ધરાશાયી, કાટમાળમાં અનેક લોકો ફસાયા હોવાની શંકા

2026-10-07 19:00:45
Author: Mumbai Samachar Team
દિલ્હીના સીમાપુરીમાં મોટી દુર્ઘટના! બહુમાળી ઈમારત ધરાશાયી, કાટમાળમાં અનેક લોકો ફસાયા હોવાની શંકા

નવી દિલ્હીઃ દિલ્હીના સીમાપુરી વિસ્તારમાં આજે પાંચ માળની એક ઈમારત ધરાશાયી થઈ હતી. આ ઘટના સીમાપુરી માછલી બજારમાં બની હતી. દિલ્હી પોલીસ, ફાયર સર્વિસ અને સિવિલ ડિફેન્સની ટીમો રાહત અને બચાવ કામગીરીમાં લાગેલી છે. બહુમાળી ઈમારત ધરાશાયી થવાથી ફરી દિલ્હીના બાંધકામ શાખાની ગાઈડલાઈન્સ સામે સવાલ કરવામાં આવ્યા હતા. દિલ્હીના શાહદરા જિલ્લાના સીમાપુરી વિસ્તારમાં આજે બપોરે એક ચોંકાવનારી ઘટના ઘટી હતી. નવી સીમાપુરીમાં ઈદગાહ ફિશ માર્કેટ નજીક પાંચ માળની ઈમારત ધરાશાયી થતાં સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. 

યુદ્ધના ધોરણે પહોંચી પોલીસ

દિલ્હી પોલીસ, ફાયર સર્વિસ અને ઈન્સિડન્ટ રિસ્પોન્સ ટીમ દ્વારા રાહત અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે. ઘાયલોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે; અત્યાર સુધી કોઈના મૃત્યુની પુષ્ટિ થઈ નથી. ઈમારત ધરાશાયી થવાને કારણે નજીકના લગભગ ચારથી પાંચ મકાનોને પણ નુકસાન થયું છે. આશંકા છે કે કાટમાળ નીચે લગભગ 25થી 30 લોકો ફસાયેલા છે. 

ફાયર કંટ્રોલ રૂમને બપોરે લગભગ 3.15 વાગ્યે આ ઘટના અંગે માહિતી મળી હતી. જાણ થતાં જ દિલ્હી ફાયર સર્વિસની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. રાહત અને બચાવ કામગીરી માટે ત્રણ વોટર ટેન્ડર અને એક 'ઈન્સિડન્ટ રિસ્પોન્સ ટીમ' તૈનાત કરવામાં આવી હતી. દિલ્હી પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમો બચાવ કામગીરીમાં સક્રિયપણે જોડાયેલી છે.

સ્થાનિકો પણ રાહત કાર્યમાં જોડાયા

સ્થાનિક રહેવાસીઓ અને અન્ય સંબંધિત એજન્સીઓ પણ રાહત અને બચાવ કામગીરીમાં મદદ કરી રહી છે. કાટમાળ નીચે ફસાયેલા લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવાના પ્રયાસો હાલ ચાલુ છે. આ ઘટનામાં અત્યાર સુધી કોઈ જાનહાનિ અંગેની સત્તાવાર પુષ્ટિ થઈ નથી. વહીવટીતંત્ર પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યું છે. કોઈ ઈમારત પડી હોય એવી આ કોઈ પહેલી ઘટના નથી.  

બિલ્ડિંગના માલિકના પરિવાર સહિત આઠથી દસ લોકો કાટમાળ નીચે ફસાયેલા હોવાની વાત મળી છે. અત્યાર સુધીમાં બે બાળકો સહિત પાંચ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. બચાવ ટીમો આ કામગીરીમાં લાગેલી છે.આ ઘટના બપોરના સમયે બની હતી.ઘટના સમયે પહેલા ફ્લોર પર પાંચેક જેટલા લોકો ઊભા હોવાની વાત મળી રહી છે.  ઈજાગ્રસ્ત લોકોને સરવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. 

રેસક્યૂ ઑપરેશનમાં વિલંબ

સાંકડી જગ્યા હોવાથી રેસક્યૂ ઑપરેશનમાં પણ વિલંબ થયો હતો. ફાયર અને પોલીસની ટીમે શેરીમાં આવીને સ્થિતિને કાબૂમાં કરી હતી. યુદ્ધના ધોરણે ફાયર વિભાગની ટીમે બચાવ કાર્ય શરૂ કરી દીધુ હતું. આ ઈમારતના ગ્રાઉન્ડ ફ્લોર પર દુકાનો હતી અને ઉપરના ચાર માળ પર વિવિધ પરિવારો રહેતા હતા. ઈમારતના માલિક અને તેમનો પરિવાર પણ ત્યાં જ રહેતા હતા અને અહેવાલો મુજબ તેઓ પણ તેમાં ફસાયેલા હતા. કાઉન્સિલર પંકજ લુથરાએ જણાવ્યું હતું કે, અમને ઈમારત ધરાશાયી થયાની માહિતી મળી હતી. કાટમાળમાંથી અત્યાર સુધીમાં ચાર કે પાંચ લોકોને બહાર કાઢવામાં આવ્યા છે.

શું કહ્યું પોલીસ અધિકારીએ

શાહદરાના ડીસીપી રાજેન્દ્ર પ્રસાદ મીનાએ કહ્યું, અત્યાર સુધીમાં લગભગ પાંચથી છ લોકોને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે. બચાવ કામગીરી ચાલુ છે. તમામ વિગતો એકત્રિત થયા બાદ જ સંપૂર્ણ સ્થિતિ સ્પષ્ટ થશે. હાલમાં, બે કે ત્રણ લોકો હજુ પણ અંદર છે અને તેઓ અમારા સંપર્કમાં છે. બચાવ કામગીરી ચાલુ છે. છેલ્લા ત્રણ વર્ષમાં 1100થી વધારે ઘટના એવી બની છે જેમાં ઈમારત પડી છે.  આ તમામ ઘટનામાં કુલ 98 લોકોનાં મોત નીપજ્યા છે.