બોલીવૂડની જાણીતી એક્ટ્રેસ નુસરત ભરૂચા સાથે વિદેશ પ્રવાસ દરમિયાન એક અકસ્માત સર્જાયો હોવાના ચિંતાજનક અહેવાલ સામે આવ્યા છે. નુસરત એક પ્રોજેક્ટના કામના સિલસિલામાં ઇન્ડોનેશિયાના બાલી ગઈ હતી, જ્યાં તેને અકસ્માત થતા શારીરિક ઈજાઓ પહોંચી હતી. ઈજા બાદ એક્ટ્રેસને તાત્કાલિક સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.
સામે આવી રહેલાં પ્રાથમિક અહેવાલો અનુસાર, હોસ્પિટલમાં ડોક્ટરોની દેખરેખ હેઠળ સારવાર ચાલુ હોવાના કારણે નુસરતે બાલીમાં પોતાનો રોકાણનો સમયગાળો લંબાવવો પડ્યો છે. જોકે, તેને થયેલી ઈજા કેટલી ગંભીર છે તે અંગે સત્તાવાર મેડિકલ બુલેટિન હજુ સુધી સામે આવ્યું નથી.
નુસરત ભરૂચા એક મહત્વપૂર્ણ પ્રોજેક્ટના શૂટિંગ અને કામ અર્થે બાલી પહોંચી હતી. અકસ્માત પહેલાં તેણે સોશિયલ મીડિયા પર બાલી વેકેશન અને ટૂરની કેટલીક સુંદર તસવીરો પણ ચાહકો સાથે શેર કરી હતી. ઘટના બનતાં જ ટીમના સભ્યો દ્વારા તેને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડાઈ હતી. ડોક્ટર્સની સલાહ મુજબ યોગ્ય રિકવરી ન થાય ત્યાં સુધી તે ભારત પરત ફરી શકે તેમ નથી.
પહેલી વખત નથી કે કામના સિલસિલામાં બહાર ગયેલી નુસરત ભરુચાને અકસ્માત થયો હોય. આ પહેલાં એપ્રિલ, 2023માં ફિલ્મ 'અકેલી'ના શૂટિંગ દરમિયાન એક રનિંગ સીનમાં નુસરત માર્બલના ફ્લોર પર માથાભેર પટકાઈ હતી, જેના કારણે તે અસહ્ય દર્દથી રડવા લાગી હતી અને ડોક્ટરોએ તેને કડક બેડ રેસ્ટની સલાહ આપી હતી.
જાન્યુઆરી, 2023માં હોરર ફિલ્મ 'છોરી 2' ના એક્શન સીન વખતે તેના ચહેરા અને ભ્રમર પાસે ઊંડો ઘા વાગ્યો હતો, જેના કારણે ટાંકા લેવા પડ્યા હતા. અહીંયા તમારી જાણકારી માટે કે ઓગસ્ટ, 2021માં સતત શૂટિંગ અને તણાવ-થાકના કારણે તેને ગંભીર ચક્કર આવ્યા હતા અને બ્લડ પ્રેશર 65/55 થઈ જતાં તાત્કાલિક હોસ્પિટલમાં એડમિટ કરવી પડી હતી.
વાત કરીએ નુસરત ભરૂચાના વર્ક ફ્રન્ટની તો નુસરત ટૂંક સમયમાં બોલીવૂડ એક્શન સ્ટાર ટાઇગર શ્રોફ સાથે રેમો ડિસોઝા દિગ્દર્શિત અનટાઇટલ્ડ એક્શન ફિલ્મમાં જોવા મળશે. આ પ્રોજેક્ટમાં તેની સાથે પશ્મિના રોશન, અભિષેક બેનર્જી અને એલ્વિશ યાદવ પણ મહત્વના રોલમાં સ્ક્રીન શેર કરવાના છે.