Sun Oct 11 2026

Logo

નવી રાષ્ટ્રીય સ્ટીલ નીતિ પર કાર્ય કરતી સરકારઃ સ્ટીલ સચિવ

2026-09-29 19:23:44
Author: Ramesh Gohil
નવી રાષ્ટ્રીય સ્ટીલ નીતિ પર કાર્ય કરતી સરકારઃ સ્ટીલ સચિવ

નવી દિલ્હીઃ સરકાર સ્ટીલ ઉદ્યોગની સ્પર્ધાત્મકતા વધારવા અને આયાતને લગતા પડકારો નિયંત્રણમાં રાખવા માટે નવી રાષ્ટ્રીય સ્ટીલ નીતિ ઘડવાની દિશામાં કાર્ય કરી રહી છે અને આ નીતિનો મુસદ્દો લગભગ એકાદ સપ્તાહમાં વિવિધ હિસ્સેધારકોનાં પ્રતિસાદ માટે જાહેર કરવામાં આવશે, એમ સ્ટીલ સચિવ સંદીપ પૉન્ડ્રિકે જણાવતા ઉમેર્યું હતું કે નવી નીતિ ભારતીય સ્ટીલ ઉદ્યોગ માટે આગામી વર્ષ 2047 સુધીનો રોડમેપ તૈયાર કરશે. 

વધુમાં મંત્રાલયના વરિષ્ઠ અધિકારીએ સ્ટીલ ક્ષેત્રમાં થતાં ઉત્સર્જનમાં ઘટાડાને પ્રોત્સાહન આપવા માટેની રૂ. 5000 કરોડનાં યોજનાકીય ખર્ચની એક સંલગ્નિત યોજના વિષે પણ માહિતી આપી હતી. અત્રે ઉદ્યોગ સંગઠન કોન્ફેડરેશન ઑફ ઈન્ડિયન ઈન્ડસ્ટ્રીઝ (સીઆઈઆઈ) દ્વારા આયોજિત `મેન્યુફેક્ચરિંગ કોન્ફ્લયુઅન્સ 2026' કાર્યક્રમમાં પત્રકારો સાથે વાતચીત કરતાં પૉન્ડ્રિકે જણાવ્યું હતું કે રાષ્ટ્રીય સ્ટીલ નીતિને લગભગ એક અઠવાડિયામાં હિસ્સેધારકોનાં સૂચનો માટે જાહેર કરવામાં આવશે. આ નીતિ ભારતને વર્ષ 2047માં વિકસિત ભારતનાં લક્ષ્યાંક સુધી પહોંચાડવાની દુરંદેશી સાથે તૈયાર કરવામાં આવી રહી છે. 

નીતિ સસ્તી અને હલકી ગુણવત્તાવાળી આયાતને નિરુત્સાહી પગલાં જેમ કે સેફગાર્ડ ડ્યૂટી, એન્ટિ ડમ્પિંગ ડ્યૂટી સૂચવે છે, તેમ જ ભારતીય સ્ટીલ ઉદ્યોગમાં ખાસ કરીને નાના સ્ટીલ ઉત્પાદકોને ટેક્નોલૉજી અને કિંમતની દૃષ્ટિએ સ્પર્ધાત્મક બનાવવાની જોગવાઈઓ પણ કરવામાં આવી હોવાનું તેમણે જણાવ્યું હતું. નોંધનીય બાબત એ છે કે સરકારે વર્ષ 2017માં રાષ્ટ્રીય સ્ટીલ નીતિની જાહેરાત કરી હતી. જેનો મુખ્ય ઉદ્દેશ વર્ષ 2030 સુધીમાં દેશમાં સ્ટીલની ઉત્પાદન ક્ષમતા 30 કરોડ ટન સુધી પહોંચાડવી, વપરાશ વૃદ્ધિ અને સ્થાનિકમાં કાચા માલની ઉપલબ્ધતાની બાંયધરી આપવાનો હતો. જોકે, હાલનાં પડકારો અને આવશ્યકતાઓને ધ્યાનમાં લેતા વર્ષ 2017ની નીતિની પુનઃ સમીક્ષા કરવાની જરૂર હોવાનું અધિકારીએ ઉમેર્યું હતું. 

વધુમાં સ્ટીલ સચિવે જણાવ્યું હતું કે વર્ષ 2017 પછીથી આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ, મશીન લર્નિગ અને ટેક્નિકલ અપગે્રડ જેવી પ્રાથમિકતાઓ પર ધ્યાન આપવાની જરૂર છે. આ ઉપરાંત વપરાશ અને ઉત્પાદન ક્ષમતામાં વધારા સાથે સ્ટીલ ક્ષેત્રમાં ભારતનું વૈશ્વિક સ્થાન પણ મજબૂત બન્યું છે. ભારત વિશ્વનો એક માત્ર એવો દેશ છે જે આટલી ઝડપથી પોતાની ક્ષમતા અને વપરાશમાં વૃદ્ધિ કરી રહ્યો હોવાની સાથે સાથે તેમણે ડિકાર્બનાઈઝેશન (કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો) અને ટકાઉપણા જેવાં મુદ્દાઓને ધ્યાનમાં રાખીને અમે નવી નીતિ લાવી રહ્યા છીએ જેથી અમારી પાસે વર્ષ 2047 સુધીનાં આગામી બે દાયકા માટેની માર્ગદર્શિકા (રોડમેપ) તૈયાર હોય, એમ તેમણે ઉમેર્યું હતું. કાર્યક્રમમાં અધિકારીઓ દ્વારા કરવામાં આવેલી રજૂઆત મુજબ નવી નીતિમાં માઈક્રો,સ્મોલ અને મીડિયમ ઉદ્યોગ માટે વિવિધ પગલાંઓનો સમાવેશ કરવાનો પણ લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.