દુબઈઃ ફ્લાયદુબઈના ભારતીય કેપ્ટન સ્મિત મચ્છરના સ્વાસ્થ્ય અંગે એક મહત્વપૂર્ણ માહિતી સામે આવી છે. UAE સ્થિત ભારતીય દૂતાવાસે જણાવ્યું છે કે, કેપ્ટન મચ્છરની તબિયતમાં સુધારો થયો છે અને તેઓ ઝડપથી સાજા થઈ રહ્યા છે. ફ્લાયદુબઈની ફ્લાઇટ FZ 1073 ના કો-પાયલટે કોકપિટની અંદર છરી વડે હુમલો કરીને કેપ્ટન મચ્છરને ગંભીર રીતે ઘાયલ કર્યા હતા. કો-પાયલટ કથિત રીતે વિમાનને ક્રેશ કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો, પરંતુ ભારતીય કેપ્ટને બહાદુરીપૂર્વક સામનો કરીને તે પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો.
ખાસ મુલાકાત કરી
ચાકુના હુમલામાં કેપ્ટન મચ્છર ઘાયલ થયા હોવા છતાં તેઓ 174 મુસાફરોને લઈ જઈ રહેલા વિમાનને બચાવવામાં સફળ રહ્યા હતા. તેમની હિંમત અને બહાદુરીના વિશ્વભરમાં વખાણ થઈ રહ્યા છે. બાદમાં વિમાને સાઉદી અરેબિયાના તબુક એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. ગુરુવારે સોશિયલ મીડિયા પરની એક પોસ્ટમાં, UAE સ્થિત ભારતીય દૂતાવાસે જણાવ્યું હતું કે, ભારતના રાજદૂત દીપક મિત્તલે કેપ્ટન મચ્છર અને તેમના પરિવારને મળવા માટે હોસ્પિટલની મુલાકાત લીધી હતી. તેમણે કહ્યું, "કેપ્ટન મચ્છરની તબિયતમાં સુધારો થઈ રહ્યો છે અને તેઓ ઝડપથી સાજા થઈ રહ્યા છે. ઉત્તર-પશ્ચિમ સાઉદી અરેબિયાના તબુક શહેરમાં આવેલી હોસ્પિટલમાં દાખલ થયાના એક દિવસ બાદ, મચ્છરને જરૂરી તબીબી સારવાર માટે UAE મોકલવામાં આવ્યા હતા. UAEમાં ભારતીય મિશને જણાવ્યું હતું કે, તેમની સારવાર ચાલુ રહે તે સુનિશ્ચિત કરવા માટે દૂતાવાસ સ્થાનિક સત્તાવાળાઓના સતત સંપર્કમાં છે.
ભારતીય દૂતાવાસે કરી ઉત્તમ કામગીરી
રિયાધ સ્થિત ભારતીય દૂતાવાસે બુધવારની રાત્રે (30 સપ્ટેમ્બર, 2026) જણાવ્યું હતું કે ભારતીય પાઈલટને ઉત્તર-પશ્ચિમ સાઉદી અરેબિયાના તબુકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને તેમને જરૂરી તબીબી સારવાર મળી રહી હતી; તે સમયે તેમની સ્થિતિ સ્થિર હોવાનું જણાવાયું હતું. ભારતીય પાઈલટ કેપ્ટન સ્મિત મચ્છરની બહાદુરીના વખાણ કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, આ પાઈલટે પોતાના જીવની પરવા કર્યા વિના 9/11 જેવો અન્ય એક હુમલો નિષ્ફળ બનાવ્યો હતો. વડાપ્રધાને કહ્યું કે મચ્છરના આ સાહસિક કાર્યે દરેક ભારતીયનું મસ્તક ગર્વથી ઊંચું કર્યું છે. તેમણે ઉમેર્યું કે 140 કરોડ ભારતીયો કેપ્ટન મચ્છરને સલામ કરે છે અને તેમના ઝડપથી સાજા થવાની કામના કરે છે.