Tue Oct 06 2026

Logo

દ્રશ્યમ જેવો કાંડ: પૌત્રી-જમાઈએ ત્રણ સ્વજનોની હત્યા કરી લાશ દાટી દીધી; પતિની એક ભૂલથી ટ્રિપલ મર્ડરનો થયો પર્દાફાશ

2026-10-01 21:33:38
Author: Mayur Patel
દ્રશ્યમ જેવો કાંડ: પૌત્રી-જમાઈએ ત્રણ સ્વજનોની હત્યા કરી લાશ દાટી દીધી; પતિની એક ભૂલથી ટ્રિપલ મર્ડરનો થયો પર્દાફાશ

અમદાવાદ:  રાજ્યમાં ફિલ્મી સ્ટોરીને ટક્કર મારે તેવી ક્રાઈમ ઘટનાઓ વધી રહી છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને સુરતની કોસંબા પોલીસે વર્ષ 2022માં કોરોના કાળ દરમિયાન કોસંબામાં થયેલી 70 વર્ષીય વૃદ્ધાની હત્યા ઉપરાંત અન્ય બે મહિલાઓની હત્યાનો પર્દાફાશ કર્યો હતો. મૃતક ત્રણેય મહિલાઓ નજીકની સંબંધી હતી અને આ સમગ્ર હત્યાકાંડ વૃદ્ધાની પૌત્રી અને તેના પતિએ મળીને આચર્યો હોવાનું સામે આવ્યું હતું. હત્યારા જમાઈ માધવદાસે પોતાની પત્ની ઉર્મિલા સાથે મળીને વૃદ્ધાની હત્યા કરી હતી અને તેના મૃતદેહને ઘરના વાડામાં દાટી દીધો હતો. જ્યારે આરોપી માધવદાસ પોતે જ પોલીસ સમક્ષ પહોંચ્યો હતો અને જણાવ્યું હતું કે તેની પત્નીએ નાનીની હત્યા કરી છે, જે બાદ તપાસ કરતાં સમગ્ર મામલો સામે આવ્યો હતો.

કોસંબા પોલીસે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની સાથે મળીને આરોપીઓને સ્થળ પર લઈ જઈ ખાડો ખોદાવ્યો હતો અને એક પોટલીમાં વૃદ્ધાના અવશેષો બહાર કાઢ્યા હતા. આ સાથે જ આરોપી દંપતીએ અન્ય બે મહિલાઓની હત્યા કરવાની કબૂલાત પણ કરી હતી, જેના કારણે આ ટ્રિપલ મર્ડર કેસનો ભેદ ઉકેલાઈ ગયો હતો.

પોલીસે જણાવ્યું કે વર્ષ 2022માં કોસંબાના વડફળિયામાં ઘરમાં એકલા રહેતા 70 વર્ષીય શાંતાબેન વસાવાની હત્યા તેમના જમાઈ માધવદાસ અને પત્ની ઉર્મિલાએ ઓશીકું મોં પર દબાવીને કરી હતી. ત્યારબાદ લાશને ઘરની પાછળ આવેલા વાડામાં ખાડો ખોદીને દાટી દીધી હતી. હત્યા કર્યા બાદ પતિ-પત્ની અમદાવાદના ધોળકા તાલુકાના વાલથેરા ગામે રહેવા લાગ્યા હતા. જોકે, કોઈ બાબતે મતભેદ થતાં તેઓ છેલ્લા 9 મહિનાથી અલગ-અલગ રહેતા હતા. આ દરમિયાન શાંતાબેનની હત્યાના કેસમાં માધવદાસે પોતાની પત્ની ઉર્મિલા અને અફઝલ ઉર્ફે ફોટો દીવાનને ફસાવવા માટે અમદાવાદ પોલીસ સમક્ષ એવી અરજી કરી હતી કે બંનેએ મળીને વૃદ્ધાની હત્યા કરી છે.

પરંતુ, અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આ અરજી અંગે ઊંડાણપૂર્વક તપાસ કરતાં સમગ્ર મામલો શંકાસ્પદ જણાયો હતો. ઊંડી પૂછપરછમાં હત્યાનું રહસ્ય ખુલી ગયું અને માધવદાસે પોતાની પત્ની ઉર્મિલા સાથે મળીને શાંતાબેનની હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને કોસંબા પોલીસે આરોપી દંપતીને સાથે રાખીને સંયુક્ત રીતે ઘટનાસ્થળે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું અને જ્યાં વૃદ્ધાનો મૃતદેહ દાટવામાં આવ્યો હતો તે જગ્યાએ પહોંચ્યા હતા.

આરોપી માધવદાસ અને ઉર્મિલાએ પડોશીઓ કે સંબંધીઓને શંકા ન જાય તે રીતે પુરાવાનો નાશ કર્યો હતો. આ શાતિર દંપતીએ કોરોના કાળમાં હૉસ્પિટલમાંથી મૃતદેહો સીધા સ્મશાન લઈ જવાના નિયમનો ગેરફાયદો ઉઠાવ્યો હતો. તેમણે તમામને કહ્યું કે વૃદ્ધાને હૉસ્પિટલમાંથી સીધા સ્મશાન લઈ જઈને અંતિમ સંસ્કાર કરી દેવાયા છે. વાસ્તવમાં, તેમણે શાંતાબેનના ઘરમાં જ લાશને એક ડ્રમમાં મૂકી તેમાં ત્રણ બોરી સિમેન્ટ અને પાણી ભરી દીધા હતા. ત્રણ મહિના પછી તક મળતાં જ તેમણે લાશવાળા ડ્રમને ઘરના આંગણામાં ખાડો ખોદીને દાટી દીધું હતું. ત્યારબાદ ખાડા પર સિમેન્ટનો જાડો સ્લેબ બનાવી દીધો હતો. પોલીસે પાવડા-કોદાળી વડે આ સિમેન્ટનું પડ તોડીને 4 થી 5 ફૂટ ઊંડો ખાડો ખોદી વૃદ્ધાના અવશેષો બહાર કાઢ્યા હતા.

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ તે અવશેષોને પોટલીમાં પેક કરી FSL અને આગળની તપાસ માટે મોકલી આપ્યા હતા. ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં એ પણ સામે આવ્યું કે ઉર્મિલા ઉર્ફે જયા અને માધવદાસ છેલ્લા આશરે 9 મહિનાથી અલગ રહેતા હતા.   ઉર્મિલા ઘરમાં રાખેલા દાગીના, રોકડ અને દીકરાને લઈને જતી રહી હોવાથી માધવદાસ પત્નીથી નારાજ હતો. આ અદાવત અને પત્ની પરની શંકાના કારણે જ તેણે પત્ની અને તેના કઝિનને ફસાવવા માટે આ ખોટી વાર્તા રચી હતી, જે આખરે તેના પર જ ભારે પડી ગઈ.

અન્ય બે મહિલાઓની હત્યાની કબૂલાત:

ભગવતી વસાવા: તે આરોપી ઉર્મિલા ઉર્ફે જયાની બહેન હતી અને ટીબીની બીમારીથી પીડાતી હતી. માધવદાસ અને ઉર્મિલાએ મોં પર ઓશીકું દબાવીને તેની હત્યા કરી હતી અને ત્યારબાદ તેની લાશને દાટી દીધી હતી.

મંજુલાબેન સાધુ: તે આરોપી માધવદાસની માતા અને ઉર્મિલાની સાસુ હતી. તેઓ લકવાથી પીડાતા હતા. માધવદાસ અને ઉર્મિલાએ મળીને મોં પર ઓશીકું દબાવી તેમની પણ હત્યા કરી નાખી હતી અને ત્યારબાદ સામાન્ય રીતે તેમના અંતિમ સંસ્કાર કરી દીધા હતા.