Thu Oct 01 2026

Logo

વૈષ્ણો દેવીમાં નવરાત્રિ માટેની તૈયારીઓ શરૂ, કડક સુરક્ષા વ્યવસ્થા

2026-10-01 22:55:42
Author: Chandrakant Kanoja
વૈષ્ણો દેવીમાં નવરાત્રિ માટેની તૈયારીઓ શરૂ, કડક સુરક્ષા વ્યવસ્થા

કટરા: જમ્મુ કાશ્મીરમાં યાત્રાધામ  વૈષ્ણો દેવીમાં નવરાત્રિ માટેની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. જેમાં માતાને દરબારને સજાવવા માટે 500 કારીગરો કામે લાગશે. નવરાત્રિ દરમિયાન યાત્રાને સુલભ બનાવવા અને ભીડનું અસરકારક રીતે સંચાલન કરવા માટે વ્યાપક વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે. 

માતા વૈષ્ણો દેવીના ભવ્ય મંદિરને  દેશી અને વિદેશી ફૂલોથી શણગારાશે 

માતા વૈષ્ણો દેવીના ભવ્ય મંદિરને દેશી અને વિદેશી ફૂલોથી શણગારવાનું કુલ બજેટ અંદાજે પાંચ કરોડ રૂપિયા છે. વિશેષ દાતાઓના સહયોગથી, શ્રાઇન બોર્ડ દર વર્ષે નવરાત્રિના પવિત્ર અવસર દરમિયાન મુખ્ય મંદિર, પ્રાચીન ગુફાના પ્રવેશદ્વાર, 'અટકા' વિસ્તાર અને કટરાથી આવતા માર્ગોને ફૂલોથી શણગારશે.

આ ભવ્ય સજાવટ  માટે દેશના વિવિધ ભાગોમાંથી આવેલા 500 થી વધુ કુશળ કારીગરો મંદિર પરિસરને અલૌકિક સ્વરૂપ આપવા માટે દિવસ-રાત અથાક પરિશ્રમ કરે છે.

આપત્તિ વ્યવસ્થાપનની તૈયારીઓ પર વિશેષ ભાર

આ ઉપરાંત સુરક્ષા અને સ્વચ્છતા જાળવવા માટે કવાયત હાથ ધરવામાં આવી રહી છે. આ ઉપરાંત તબીબી અને ઇમરજન્સી સેવાઓ, પાણી અને વીજળીનો અવિરત પુરવઠો તેમજ આપત્તિ વ્યવસ્થાપનની તૈયારીઓ પર વિશેષ ભાર મૂકવામાં આવી રહ્યો છે. સુરક્ષા અને ભીડની અવરજવર પર અસરકારક દેખરેખ સુનિશ્ચિત કરવા માટે યાત્રાના માર્ગ પર અને કટરા નગરના મુખ્ય સ્થળોએ સીસીટીવી  દેખરેખ વ્યવસ્થા સઘન બનાવવામાં આવી છે.

નવરાત્રિના વ્રતને અનુરૂપ વિશેષ ભોજન ઉપલબ્ધ રહેશે

તેમજ નવરાત્રિ દરમિયાન શ્રદ્ધાળુઓની સુવિધા માટે યાત્રાના માર્ગ પર આવેલા ચાર મુખ્ય સ્થળોએ ચોવીસેય કલાક 'લંગર' ની સેવાઓ કાર્યરત રહેશે. તહેવાર દરમિયાન શ્રાઈન બોર્ડના તમામ ભોજનાલયોમાં શ્રદ્ધાળુઓ માટે નવરાત્રિના વ્રતને અનુરૂપ વિશેષ ભોજન ઉપલબ્ધ રહેશે.

દિવ્યાંગ અને વરિષ્ઠ નાગરિકો માટે ખાસ સુવિધા 

આ ઉપરાંત માતાજીની યાત્રા કરતા દિવ્યાંગ અને વરિષ્ઠ નાગરિક યાત્રાળુઓને કટરાથી ભવન સુધી મફત પરિવહન સુવિધા પૂરી પાડવામાં આવશે. શારદીય નવરાત્રિના સમયગાળા દરમિયાન 11 ઓક્ટોબરથી 19 ઓક્ટોબર સુધી તેમના માટે બેટરી કાર, પોની (ઘોડા/ખચ્ચર) અને પાલખીની સેવાઓ નિઃશુલ્ક રહેશે. જ્યારે દિવ્યાંગ યાત્રાળુઓએ દિવ્યાંગતાનું પ્રમાણપત્ર રજૂ કરવું આવશ્યક રહેશે.

બેઝ કેમ્પથી લઈને ભવન સુધી સુરક્ષાની કડક વ્યવસ્થા

જ્યારે કટરા બેઝ કેમ્પથી લઈને ભવન સુધી સુરક્ષાની કડક વ્યવસ્થા કરવામાં આવશે. શંકાસ્પદ વ્યક્તિઓ અને ભીડ પર ચાંપતી નજર રાખવા માટે પુનઃ-ચકાસણીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. સમગ્ર યાત્રા માર્ગ અને ભવન વિસ્તાર CCTV કેમેરાની સતર્ક નજર હેઠળ છે. આ ઉપરાંત દરેક યાત્રાળુના સ્થાન પર નજર રાખવા માટે RFID ટ્રેકિંગ સિસ્ટમ સંપૂર્ણપણે કાર્યરત રહેશે.