Mon Oct 12 2026

Logo

અભ્યાસનું ટેન્શન કે પારિવારિક અપેક્ષાઓ? NCRBના રિપોર્ટે વધારી ચિંતા; વિદ્યાર્થીઓના મોતના કેસમાં આ રાજ્ય સૌથી આગળ.

2026-10-01 22:38:41
Author: Darshana Visaria
અભ્યાસનું ટેન્શન કે પારિવારિક અપેક્ષાઓ? NCRBના રિપોર્ટે વધારી ચિંતા; વિદ્યાર્થીઓના મોતના કેસમાં આ રાજ્ય સૌથી આગળ.

દેશભરમાં વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્ય (Mental Health) અને શિક્ષણના અતિશય દબાણને લઈને ફરી એકવાર ગંભીર ચિંતાજનક આંકડા સામે આવ્યા છે. નેશનલ ક્રાઈમ રેકોર્ડ્સ બ્યુરો (NCRB)ના તાજેતરના રિપોર્ટ અનુસાર, ભારતમાં છેલ્લા એક દાયકામાં વિદ્યાર્થીઓ દ્વારા આત્મહત્યા કરવાના કેસોમાં ચોંકાવનારો વધારો નોંધાયો છે.

છેલ્લાં કેટલાક સમયની વાત કરીએ તો સ્પર્ધાત્મક પરીક્ષાઓની આકરી રેસ, અભ્યાસનું ભારણ, કરિયરની અનિશ્ચિતતા અને પરિવારની વધુ પડતી અપેક્ષાઓના કારણે વિદ્યાર્થીઓ ભારે માનસિક તણાવ અનુભવી રહ્યા છે. આ અહેવાલમાં જે આંકડાઓ સામે આવ્યા છે એ ખરેખર ચોંકાવનારા છે. અહેવાલ અનુસાર દેશભરમાં વિદ્યાર્થીઓની આત્મહત્યાના સૌથી વધુ કેસોમાં મહારાષ્ટ્ર સતત ટોચના ક્રમે રહ્યું છે.

NCRB રિપોર્ટના ચિંતાજનક મુખ્ય આંકડા:

વર્ષ 2024 દરમિયાન આથા દેશભરમાં કુલ 14, 488 વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી હતી. વર્ષ 2014ની સરખામણીએ આ આંકડામાં સીધો 80 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે, જે છેલ્લા 10 વર્ષનો સૌથી ઊંચો આંકડો છે. વર્ષ 2014થી 2024 સુધીના 11 વર્ષના સમયગાળામાં દેશભરમાં કુલ 1,23,918 વિદ્યાર્થીઓએ ટોચનું પગલું ભરીને જીવનલીલા સંકેલી લીધી હતી. 

મહારાષ્ટ્ર રાજ્ય દેશભરમાં મોખરે:

નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો (NCRB) દ્વારા આપવામાં આવેલા ડેટા અનુસાર, 2014થી 2024 વચ્ચે નોંધાયેલા કુલ કેસોમાંથી સૌથી વધુ આશરે 17,000 આત્મહત્યાના કેસ એકલા મહારાષ્ટ્રમાંથી સામે આવ્યા છે. મહારાષ્ટ્ર બાદ આ યાદીમાં 10,000 કેસ સાથે ઉત્તર પ્રદેશ સાથે બીજા ક્રમે આવે છે. મહારાષ્ટ્ર છેલ્લાં ઘણા વર્ષોથી વિદ્યાર્થીઓની આત્મહત્યાના મામલે દેશમાં સતત અગ્રેસર રહ્યું છે, જે શિક્ષણવિદો અને મનોવૈજ્ઞાનિકો માટે ગંભીર ચિંતાનો વિષય છે.

વિદ્યાર્થીઓ પર કયા કારણોનું દબાણ વધી રહ્યું છે?

સ્પર્ધાત્મક પરીક્ષાઓ અને અભ્યાસનું ટેન્શન: બોર્ડની પરીક્ષાઓ, NEET, JEE અને સરકારી નોકરીઓની સ્પર્ધામાં સફળ થવા માટેનું સતત માનસિક દબાણ.
કૌટુંબિક અપેક્ષાઓ: માતા-પિતા તરફથી બાળકના રસ-રૂચિને સમજ્યા વિના ટોચનું પરિણામ લાવવાની અપેક્ષા રાખવી.
માનસિક કાઉન્સેલિંગનો અભાવ: શાળાઓ અને કોલેજોમાં નિયમિત માનસિક સ્વાસ્થ્ય અને તણાવ મુક્તિ માટે યોગ્ય કાઉન્સેલિંગ સિસ્ટમ ન હોવાને કારણે વિદ્યાર્થીઓ એકલતા અનુભવે છે.