Mon Oct 05 2026

Logo

કાલાવડમાં વ્યાજખોરોની દાદાગીરી: લોનના બહાને ખેડૂતની 14 વીઘા જમીન પચાવી પાડી

2026-10-01 20:53:50
Author: Mayur Patel
કાલાવડમાં વ્યાજખોરોની દાદાગીરી: લોનના બહાને ખેડૂતની 14 વીઘા જમીન પચાવી પાડી

Gemini Generated Image


જામનગરઃ જિલ્લાના કાલાવડ તાલુકાના નીકાવા ગામે રહેતા ખેડૂત સાથે વ્યાજે નાણાં ધીરવાના બહાને 14 વીઘા જમીન પચાવી પાડવાનો સનસનાટીભર્યો મામલો સામે આવ્યો હતો. વ્યાજખોરોની ચુંગાલમાંથી પોતાની જમીન છોડાવવા માટે ખેડૂતે અન્ય 9 વીઘા જમીન વેચીને રૂ.1.25 કરોડ જેવી જંગી રકમ ચૂકવવાની ફરજ પડી હતી. સમગ્ર મામલે ભોગ બનનાર ખેડૂતની ફરિયાદના આધારે કાલાવડ પોલીસે પાંચ શખ્સો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

વિગતો મુજબ, નીકાવા ગામના ખેડૂત પરેશભાઈ સોજીત્રાને નાણાંની જરૂરિયાત ઊભી થતાં આરોપીઓએ તેમને 2.5 ટકા માસિક વ્યાજના દરે રૂ. 20 લાખની લોન આપવાની લાલચ આપી હતી. જોકે, આરોપીઓએ વાસ્તવમાં રૂ. 15.20 લાખની જ લેવડદેવડ કરી હતી. નાણાં ધીરતી વખતે ખેડૂત પાસેથી સહી કરેલા કોરા ચેક તેમજ જમીનના અસલ દસ્તાવેજો મેળવી લીધા હતા. ત્યારબાદ સાદા લખાણની આડમાં ખેડૂતની કિંમતી 14 વીઘા જમીન આરોપી વાઘુ વીરા ડાંગરના નામે કરાવી લીધી હતી.

જ્યારે ખેડૂત પરેશભાઈએ પોતાની જમીન પરત માંગી ત્યારે આરોપીઓએ જમીન ખાલી કરવાના બદલામાં સીધા રૂ. 3 કરોડની તોતિંગ ખંડણીની માંગણી કરી હતી. વ્યાજખોરોની સતત પઠાણી ઉઘરાણી અને દબાણથી લાચાર બનેલા ખેડૂતે આખરે પોતાની અન્ય 9 વીઘા જમીન વેચીને આરોપીઓને રૂ. 1.25 કરોડ ચૂકવી દીધા હતા. 

આર્થિક રીતે સંપૂર્ણ પાયમાલ થઈ ગયા બાદ ખેડૂતે છેવટે પોલીસનો આશરો લીધો હતો. પીડિત ખેડૂતની ફરિયાદને પગલે કાલાવડ પોલીસે અલ્પેશ દોંગા સહિત પાંચ શખ્સો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.