ઇન્દોરઃ મૂળ મધ્ય પ્રદેશના સ્પિન-ઑલરાઉન્ડર સારાંશ જૈનને હજી ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)માં રમવાનો મોકો નથી મળ્યો અને તેણે પ્રથમ કક્ષાની ક્રિકેટમાં રમવાનું 2014માં (12 વર્ષ પહેલાં) શરૂ કર્યું હતું અને 2022માં લગ્ન કર્યાં ત્યાર બાદ હવે છેક 33 વર્ષની મોટી ઉંમરે તેને ભારત વતી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કરવા મળ્યું એટલે તેના પરિવારના એકએક સભ્ય બેહદ ખુશ છે. સારાંશ (Saransh)ની પત્ની હર્ષિતાએ તો રવિવારે પીટીઆઇને ઇન્ટરવ્યૂમાં ત્યાં સુધી કહ્યું કે `અમને ખાતરી હતી જ કે સારાંશને હવે તો ભારત વતી રમવા મળશે જ. અમે વહેલી સવારે મંદિરે ગયા હતા અને ભગવાનના દર્શન કરીને પાછા આવ્યા ત્યાં અમે ટીવી પર જોયું કે સારાંશને ટેસ્ટ-કૅપ અપાઈ રહી હતી.'
ભારત (India)ની શ્રીલંકા સામેની બીજી અને અંતિમ ટેસ્ટ સવારે 10.00 વાગ્યે શરૂ થઈ એ પહેલાં ટૉસના સમયગાળામાં સારાંશને સ્પિન-લેજન્ડ અને ઑલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાના શુભહસ્તે ટેસ્ટ-કૅપ આપવામાં આવી હતી. તે ભારતનો 320મો ટેસ્ટ ખેલાડી છે. તેને કુલદીપ યાદવના સ્થાને ટીમ ઇન્ડિયામાં સ્થાન મળ્યું છે. સારાંશ રવિવારે પોતાના પ્રથમ બૉલથી ફટકારેલા ચોગ્ગાની મદદથી બનાવેલા ચાર રને નૉટઆઉટ હતો.
VIDEO | Veteran all-rounder Saransh Jain received his India Test cap ahead of the second Test against Sri Lanka in Colombo on Sunday.
— Press Trust of India (@PTI_News) August 23, 2026
His father, Subodh Jain says, "The biggest happiness for me today is that he got the opportunity to make his debut. I felt extremely happy… pic.twitter.com/gJVQAheSbS
સારાંશના પરિવારે મીઠાઈ વહેંચી હતી. તેની પત્ની હર્ષિતાએ પીટીઆઇને કહ્યું, `અમે બધા બેહદ ખુશ છીએ. અમને આશા હતી જ કે એક દિવસ સારાંશને ટેસ્ટનો ખેલાડી બનવા મળશે જ. અમે સવારે મંદિરે ગયા અને પાછા આવ્યા ત્યારે સારાંશને ટેસ્ટ કૅપ મળતી જોઈને અમે ખૂબ આનંદિત થઈ ગયા હતા તેમ જ બધા ભાવુક પણ થયા હતા. સારાંશ માટે ક્રિકેટ જ જીવન છે.'
પિતા કૅન્સર સામે લડીને થોડા સ્વસ્થ થયા છે
સારાંશને નાનપણથી તેમના ભૂતપૂર્વ ક્રિકેટર-પિતા સુબોધ જૈનનું કોચિંગ મળ્યું છે. સુબોધ જૈન કૅન્સર સામે લડીને થોડા સ્વસ્થ થયા છે અને પુત્રની આંતરરાષ્ટ્રીય કારકિર્દી શરૂ થતી જોઈને ખૂબ ખુશ છે. તેમણે પીટીઆઇને કહ્યું, `મને સૌથી મોટી એ વાતની ખુશી છે કે સારાંશને ભારત વતી ડેબ્યૂ કરવાની તક મળી.'
ભાઈ અને દાદીએ પણ ખુશી વ્યક્ત કરી
સારાંશની મમ્મી સંગીતા જૈનની પણ પુત્રની કરીઅરમાં મોટી ભૂમિકા છે. સારાંશના ભાઈ સૌરભ જૈને પીટીઆઇને કહ્યું, `અમે બધા કેટલા ખુશ છીએ એને શબ્દોમાં વ્યક્ત કરી શકીએ એમ નથી. મારા ભાઈની વર્ષોની મહેનત હવે ફળી.' સારાંશના દાદી ચમેલી દેવીએ કહ્યું, `સારાંશે અમને બધાને ગર્વનો અનુભવ કરાવ્યો છે અને આખા પરિવારને મોટું ગૌરવ અપાવ્યું છે. આશા રાખું છું કે તે ખૂબ પ્રગતિ કરે અને સફળતા હાંસલ કરે. આજે હું બેહદ ખુશ છું.'