Thu Nov 19 2026

Logo

ક્રૂડ તેલના ભાવમાં ઘટાડો અને આકર્ષક પરિણામે રિલાયન્સના શૅરના ભાવ 11 ટકા ઉછળતા સેન્સેક્સે 1233 પૉઈન્ટના ઉછાળે 75,000ની સપાટી ફરી અંકે કરી

2026-11-02 20:28:36
Author: Ramesh Gohil
ક્રૂડ તેલના ભાવમાં ઘટાડો અને આકર્ષક પરિણામે રિલાયન્સના શૅરના ભાવ 11 ટકા ઉછળતા સેન્સેક્સે 1233 પૉઈન્ટના ઉછાળે 75,000ની સપાટી ફરી અંકે કરી

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)

મુંબઈઃ
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે વર્તમાન નાણાકીય વર્ષનાં બીજા ત્રિમાસિકગાળાના આકર્ષક પરિણામોની જાહેરાત કરતાં આજે તેનાં શૅરના ભાવમાં 11 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. તેમ જ આજે વૈશ્વિક સ્તરે ક્રૂડ તેલના ભાવમાં 4.46 ટકાનો તીવ્ર ઘટાડો જોવા મળતાં બૉમ્બે સ્ટોક એક્સચેન્જના 30 શૅરના બૅન્ચમાર્ક સેન્સેક્સમાં 1233.25 પૉઈન્ટનો ઝડપી ઉછાળો આવ્યો હતો અને ફરી 75,000ની સપાટી અંકે કરીને સાત સપ્તાહની ઊંચી સપાટીએ બંધ રહ્યો હતો. તેમ જ આજે નેશનલ સ્ટોક એક્સચેન્જના 50 શૅરના બૅન્ચમાર્ક નિફ્ટી પણ 387.70 પૉઈન્ટના ઉછાળા સાથે બંધ રહ્યો હતો. 

વધુમાં આજે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની રૂ. 16,499.46 કરોડની ખરીદી સામે રૂ. 13,384.78 કરોડની વેચવાલી રહેતા કુલ રૂ. 3114.68 કરોડની ચોખ્ખી લેવાલી રહી હતી, જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની રૂ. 14,988.48 કરોડની ખરીદી સામે રૂ. 15,380.68 કરોડની વેચવાલી રહેતાં કુલ રૂ. 392.20 કરોડની ચોખ્ખી વેચવાલી રહી હતી. આમ સતત બીજા સત્રમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોની લેવાલીનો પણ બજારને ટેકો મળ્યો હતો. 

આજે બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ ગત શુક્રવારના 74,459.53ના બંધ સામે તેજીના અન્ડરટોને 75,178.24ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં 74,978.12 અને ઉપરમાં 75,692.78ની રેન્જમાં રહીને અંતે આગલા બંધ સામે 1.66 ટકા અથવા તો 1233.25 પૉઈન્ટ વધીને સત્રની ઊંચા 75,692.78ના મથાળે બંધ રહ્યો હતો. તે જ પ્રમાણે એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટી ગત શુક્રવારના 23,053.10ના બંધ સામે વધીને 23,222.30ના મથાળે ખૂલ્યા બાદ સત્ર દરમિયાન 23,207.05થી 23,440.80ની રેન્જમાં અથડાઈને અંતે આગલા બંધ સામે 1.68 ટકા અથવા તો 387.70 પૉઈન્ટ વધીને 23,440.80ની સપાટીએ બંધ રહ્યો હતો. 

અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે ઈન્ડેક્સ હેવી વેઈટ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિ.નો વર્તમાન નાણાકીય વર્ષનાં બીજા ત્રિમાસિકગાળામાં ખાસ કરીને ઑઈલ ટૂ કેમિકલ સેગ્મેન્ટમાં મર્જિનમાં વધારો થતાં કંપનીનો કુલ ચોખ્ખો નફો વર્ષાનુવર્ષ ધોરણે 33.8 ટકા વધીને રૂ. 29,550 કરોડની સપાટીએ રહ્યો હોવાના પ્રોત્સાહક પરિણામોને ધ્યાનમાં લેતા આજે રોકાણકારોની લેવાલીનો ટેકો મળતા શૅરના ભાવમાં 11.64 ટકાનો તોતિંગ ઉછાળો આવતા બૅન્ચમાર્કના ઉછાળાને ટેકો મળ્યો હતો. 

વધુમાં ગત ઑક્ટોબર મહિનામાં જીએસટીની વસૂલી વર્ષાનુવર્ષ ધોરણે 23 ટકા વધીને રૂ. 2.31 લાખ કરોડ રહી હોવાના અહેવાલ અને ગત ઑક્ટોબર મહિનામાં તહેવારોની માગને ટેકે પેસેન્જર વાહનોનું વેચાણ પાંચ લાખ યુનિટની સપાટી પાર કરી ગયું હતું તેમ જ મારુતિ સુઝુકી, હ્યુન્ડાઈ અને મહિન્દ્રા ઍન્ડ મહિન્દ્રાએ વિક્રમ વેચાણ નોંધાવ્યું હોવાના પ્રોત્સાહક અહેવાલે બજારના સુધારાને ટેકો આપ્યો હતો. 

ભારતીય ઈક્વિટી માર્કેટમાં આજે મક્કમ અન્ડરટોને આરંભ થવાની સાથે તાજેતરમાં જોવા મળી રહેલા વર્તમાન નાણાકીય વર્ષનાં બીજા ત્રિમાસિકગાળાના પ્રોત્સાહક પરિણામો ઉપરાંત ઑક્ટોબર મહિનાના ઑટોમોબાઈલના વેચાણના પ્રોત્સાહક આંકડા અને જીએસટીની વસૂલીમાં વધારો સ્થાનિક મજબૂત વપરાશી માગ અને મજબૂત આર્થિક પ્રવૃત્તિનો સંકેત આપે છે. વધુમાં આજે વૈશ્વિક સ્તરેથી ખાસ કરીને અમેરિકા અને ઈરાન વચ્ચે રાજદ્વારી સ્તરેથી વાટાઘાટો મારફતે યુદ્ધનો અંત આવે તેવા આશાવાદે ક્રૂડ તેલના ભાવમાં જોવા મળેલો ઘટાડો અને ગત શુક્રવારે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં રૂ. 3598.54 કરોડની ચોખ્ખી લેવાલી રહી હોવાનું એક્સચેન્જની આંકડાકીય માહિતી પરથી જણાતા તેજીને ટેકો મળ્યો હોવાનું જિઓજીત ઈન્વેસ્ટમેન્ટના રિસર્ચ હેડ વિનોદ નાયરે જણાવ્યું હતું. 

તે જ પ્રમાણે ઓનલાઈન ટ્રેડિંગ અને વૅલ્થટૅક કંપની એન્રીચ મનીનાં ચીફ એક્ઝિક્યુટીવ ઑફિસર પોન્મુડી આરએ જણાવ્યું હતું કે આજે બજારને મુખ્યત્વે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં જોવા મળેલા 11 ટકાના ઉછાળા  સહિત હેવી વેઈટ શૅરોમાં નીકળેલી લેવાલીને ટેકો મળ્યો હતો. વધુમાં ક્રૂડ તેલના ભાવમાં ઘટાડો થવાથી આર્થિક સ્તરે ફુગાવાલક્ષી દબાણ ઓછું થવાની શક્યતા પ્રબળ બનતાં બજારના સુધારાને વેગ મળ્યો હતો. 

આજે બીએસઈ ખાતે કુલ 4692 શૅરમાં કામકાજ થયા હતા, જેમાંથી 2817 શૅરના ભાવ વધીને, 1664 શૅરના ભાવ ઘટીને અને 211 શૅરના ભાવ ટકેલા ધોરણે બંધ રહ્યા હતા. તેમ જ 103 શૅરના ભાવ બાવન સપ્તાહની ટોચે અને 199 શૅરના ભાવ બાવન સપ્તાહના તળિયે પહોંચ્યા હતા. વધુમાં આજે સેન્સેક્સ હેઠળના 30 શૅર પૈકી 23 શૅરના ભાવ વધીને બંધ રહ્યા હતા અને સાત શૅરના ભાવ ઘટીને બંધ રહ્યા હતા. આજે મુખ્ય વધનાર શૅરોમાં સૌથી વધુ 11.64 ટકાનો ઉછાળો આવ્યો હતો. ત્યાર બાદ અનુક્રમે ટાટા સ્ટીલમાં 5.64 ટકાનો, અલ્ટ્રાટેક સિમેન્ટમાં 2.75 ટકાનો, સ્ટેટ બૅન્ક ઑફ ઈન્ડિયામાં 2.71 ટકાનો, એનટીપીસીમાં 2.37 ટકાનો અને મારુતિ સુઝુકીમાં 2.16 ટકાનો સુધારો આવ્યો હતો, જ્યારે મુખ્ય ઘટનાર શૅરોમાં ઈન્ફોસિસમાં 1.61 ટકાનો, કોટક મહિન્દ્રા બૅન્કમાં 0.65 ટકાનો, આઈસીઆઈસીઆઈ બૅન્કમાં 0.63 ટકાનો, સન ફાર્મામાં 0.58 ટકાનો, એક્સિસ બૅન્કમાં 0.47 ટકાનો, ટૅક મહિન્દ્રામાં 0.38 ટકાનો અને ટીસીએસમાં 0.04 ટકાનો ઘટાડો નોંધાયો હતો. 

આજે બીએસઈ ખાતે મિડકેપ સિલેક્ટ ઈન્ડેક્સ 1.07 ટકા અને સ્મોલકેપ સિલેક્ટ ઈન્ડેક્સ 0.67 ટકા વધીને બંધ રહ્યા હતા. તેમ જ સેક્ટોરિયલ ઈન્ડેક્સમાં એનર્જી ઈન્ડેક્સમાં 6.06 ટકાનો, ઑઈલ ઍન્ડ ગૅસ ઈન્ડેક્સમાં 4.89 ટકાનો, મેટલ ઈન્ડેક્સમાં 3.13 ટકાનો, કૉમૉડિટી ઈન્ડેક્સમાં 2.55 ટકાનો, પાવર ઈન્ડેક્સમાં 2.42 ટકાનો, ક્નઝ્યુમર ડ્યુરેબલ ઈન્ડેક્સમાં 1.95 ટકાનો અને ઈન્ડસ્ટ્રિયલ ઈન્ડેક્સમાં 1.83 ટકાનો ઉછાળો આવ્યો હતો, જ્યારે બીએસઈ ફોકસ્ડ આઈટી, મિડસ્મોલ પ્રાઈવેટ બૅન્ક ક્વૉલિટી ટિલ્ટ અને ઈન્શ્યોરન્સ ઈન્ડેક્સમાં ઘટાડાતરફી વલણ રહ્યું હતું. 

આજે એશિયન બજારોમાં દક્ષિણ કોરિયાના કોસ્પી, શાંઘાઈના એસએસઈ કમ્પોઝિટ ઈન્ડેક્સ અને હૉંગકૉંગનો હૅંગસૅંગ સુધારા સાથે બંધ રહ્યો હતો, જ્યારે જાપાનના નિક્કી 225માં ઘટાડો આવ્યો હતો. તેમ જ યુરોપના બજારોમાં પણ મધ્ય સત્ર દરમિયાન સુધારાતરફી વલણ જોવા મળ્યું હતું.