મુંબઈ: બોલિવૂડમાં પોતાની ગાયિકી અને સંગીતથી આગવી ઓળખ બનાવનાર હિમેશ રેશમિયા હવે એક્ટિંગની દુનિયામાં પણ મોટો ધમાકો કરવાની તૈયારીમાં છે. અત્યાર સુધીમાં 12 ફિલ્મમાં કામ કરી ચૂકેલા હિમેશ રેશમિયાએ જણાવ્યું હતું કે, મને વિશ્વાસ છે કે તેમની 13મી ફિલ્મ તેમને બોલિવૂડનો સુપરસ્ટાર બનાવી દેશે પોતાના આ સપનાને સાકાર કરવા માટે તેમણે સદીના મહાનાયક અમિતાભ બચ્ચનનું ઉદાહરણ આપ્યું હતું. તો શું ખરેખર હિમેશની કિસ્મત 13મી ફિલ્મથી ચમકશે? તેમના આત્મવિશ્વાસભર્યા નિવેદને સોશિયલ મીડિયા પર નવી ચર્ચા જાગી છે.
એક ઈન્ટરવ્યૂમાં હિમેશ રેશમિયાને પૂછવામાં આવ્યું કે તેઓ જીવનમાં હજુ શું મેળવવા માગે છે? તેના જવાબમાં હિમેશે કહ્યું કે તેઓ એક સુપરસ્ટાર એક્ટર બનવા માગે છે. હિમેશે કહ્યું, "મારે સુપરસ્ટાર બનવું જ છે અને હું બનીને જ રહીશ. આજે નહીં તો કાલે, પણ આવું ચોક્કસ થશે. અમિતાભ બચ્ચનની 13મી ફિલ્મ હિટ રહી હતી. મેં અત્યાર સુધી 12 ફિલ્મો કરી છે અને મારી 13મી ફિલ્મ બ્લોકબસ્ટર સાબિત થશે."
હિમેશ રેશમિયાએ વર્ષ 2007માં આવેલી ફિલ્મ 'આપ કા સુરુર'થી એક્ટિંગની દુનિયામાં પ્રવેશ કર્યો હતો. જોકે, તેમની એક્ટિંગ કારકિર્દીને સંગીત જેટલી સફળતા મળી નથી. ત્યારબાદ તેમણે 'કર્જ', 'રેડિયો', 'કજરારે', 'દમાદમ', 'ખિલાડી 786', 'ધ એક્સપોઝ', 'તેરા સુરુર' અને 'હેપ્પી હાર્ડી એન્ડ હીર' જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું.
વર્ષ 2025માં આવેલી 'બેડએસ રવિ કુમાર' તેમની છેલ્લી ફિલ્મ હતી. હિમેશ માત્ર એક્ટર તરીકે જ નહીં, પરંતુ હવે ફિલ્મ ડિરેક્ટર તરીકે પણ પોતાની નવી ઇનિંગ શરૂ કરવા માગે છે.
આ ઉપરાંત, હિમેશે કહ્યું હતું કે પહેલાં જ્યારે તેઓ ટીવી સિરિયલ પ્રોડ્યુસ કરતા હતા ત્યારે લોકોને સવાલ થતો હતો કે શું તેઓ ક્યારેય મ્યુઝિક ડિરેક્ટર બનશે? આજે સંગીત અને ફિલ્મોની દુનિયામાં ઘણું કામ કર્યા બાદ હવે તેઓ ડિરેક્શન ક્ષેત્રે પણ હાથ અજમાવવા માગે છે તેમની પાસે 2થી 3 ફિલ્મોના આઇડિયા છે અને તેની સ્ક્રિપ્ટ પણ તૈયાર છે. હવે જોવાનું એ રહેશે કે હિમેશ રેશમિયા પોતાની 13મી ફિલ્મથી સુપરસ્ટાર બનવાનું સપનું પૂરું કરી શકે છે કે નહીં અને ડિરેક્ટર તરીકે દર્શકોનું દિલ જીતી શકે છે કે નહીં.