નવી દિલ્હીઃ ભારતની ટ્રીસા જૉલી (Treesa Jolly) ગાયત્રી ગોપીચંદની જોડીનો અહીં શનિવારે વર્લ્ડ બૅડમિન્ટન ચૅમ્પિયનશિપની વિમેન્સ ડબલ્સમાં ચીનની વર્લ્ડ નંબર-વન જોડી લિઉ શેન્ગ શુ અને ટૅન નિન્ગ સામેની સેમિ ફાઇનલમાં હારી જતાં સ્પર્ધાની બહાર થઈ ગઈ હતી. જોકે ભારતીય જોડીએ હારતાં પહેલાં ચીનની આ ડિફેન્ડિંગ ચૅમ્પિયન જોડીને જોરદાર લડત આપી હતી. ભારતીય જોડીનો પરાજય થયો, પરંતુ ટૂર્નામેન્ટના નિયમ મુજબ સેમિ ફાઇનલમાં પરાજિત થનારને પણ બ્રૉન્ઝ (Bronze) મેડલ મળે છે.
બૅડમિન્ટનની વર્લ્ડ ચૅમ્પિયનશિપમાં ભારતીય મહિલા જોડીએ ચંદ્રક જીતી લીધો હોય એવું 15 વર્ષમાં પહેલી જ વખત બન્યું છે. લિઉ-ટૅન સામેની સેમિ ફાઇનલમાં ટ્રીસા-ગાયત્રીએ 21-18થી પ્રથમ ગેમ જીતી લીધી હતી.
PTI
જોકે લિઉ-ટૅનની જોડીએ પછીની બન્ને ગેમ 21-13, 21-8થી જીતીને ફાઇનલમાં એન્ટ્રી કરી હતી. ભારતીય જોડી આ ટૂર્નામેન્ટમાં ક્રમાંકિત નહોતી, પરંતુ અનસીડેડ હતી એમ છતાં તેમણે પોતાનાથી ચડિયાતી ખેલાડીઓને હરાવીને સેમિ ફાઇનલ સુધીની સફર કરી હતી.
ભારતને બૅડમિન્ટનની વર્લ્ડ ચૅમ્પિયનશિપમાં આ પહેલાં 2011માં મેડલ મળ્યો હતો. ત્યારે જ્વાલા ગુટ્ટા અને અશ્વિની પોનપ્પાએ બ્રૉન્ઝ જીતી લીધો હતો.