નવી દિલ્હી: રાજધાની દિલ્હીના દ્વારકા વિસ્તારમાંથી એક એક ચકચારી ઘટના પ્રકાશમાં આવી છે. સંરક્ષણ મંત્રાલયમાં 30 વર્ષીય સહાયક સેક્શન ઓફિસર (ASO) નાઝિયા ખાનમનું તેમના ઘરે શંકાસ્પદ સંજોગોમાં મૃત્યુ થયું. મૃતક નાઝિયા ગર્ભવતી હોવાનું પોલીસ તપાસમાં ખૂલ્યું હતું. મૃતકના પરિવારે તેના પતિ અને સાસરિયાઓ વિરુદ્ધ માનસિક અને શારીરિક શોષણનો આરોપ લગાવીને કેસ દાખલ કર્યો છે.
પોલીસ ફરિયાદની વિગતો અનુસાર, નાઝિયા ખાનમના લગ્ન 11 એપ્રિલ, 2026ના રોજ આઝમ અલી ખાન સાથે થયા હતા. નાઝિયાના પિતા તોવાબ ખાને આરોપ લગાવ્યો હતો કે લગ્ન પછીથી તેના પતિ આઝમ અલી ખાન, સાસુ સમીન નિશા, સસરા બાબર અલી ખાન અને પરિવારના અન્ય સભ્યો નાઝિયાને હેરાન કરતા હતા અને સતત માનસિક ત્રાસ આપી રહ્યા હતા.

પરિવારનો આક્ષેપ છે કે નાઝિયા તેના સાસરિયા દ્વારા આપવામાં સમસ્યાઓ વિશે ફોન પર તેના પરિવારના સભ્યોને જાણ કરતી હતી. એવો આરોપ છે કે તેણી સાથે દુર્વ્યવહાર કરવામાં આવ્યો હતો, માર મારવામાં આવ્યો હતો અને તેને ઘર ખાલી કરવાની અને મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી.
મૃતકના પરિવારજનોનો આક્ષેપ છે કે, નાઝિયાએ તેના પતિના વર્તન અંગે ઘણી વખત ફરિયાદ કરી હતી, પરંતુ પરિસ્થિતિમાં કોઈ સુધારો થયો ન હતો. 21 ઓગસ્ટના રોજ સવારે 4 વાગ્યાની આસપાસ નાઝિયાના પરિવારને ફોન દ્વારા તેના મૃત્યુ અંગેની જાણ કરવામાં આવી. પરિવારને કહેવામાં આવ્યું કે નાઝિયાએ કથિત રીતે આત્મહત્યા કરી છે.
જોકે, પરિવારે તેના મૃત્યુ અંગે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા હતા. તેમને શંકા વ્યક્ત કરી છે કે નાઝિયાની હત્યા કરવામાં આવી હતી અને બાદમાં તેને આત્મહત્યામાં ખપાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરિવારે આ મામલાની નિષ્પક્ષ તપાસ અને જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગ કરી છે.