Wed Aug 26 2026

Logo

ઔદ્યોગિક માગને ટેકે ધાતુમાં આગળ ધપતો સુધારો

2026-08-22 20:12:15
Author: Ramesh Gohil
ઔદ્યોગિક માગને ટેકે ધાતુમાં આગળ ધપતો સુધારો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ
તાજેતરમાં ડૉલર ઈન્ડેક્સમાં રહેતી નરમાઈને કારણે લંડન મેટલ એક્સચેન્જ ખાતે કોપર સહિતની ધાતુઓમાં સુધારાતરફી વલણ રહ્યાના નિર્દેશોને ધ્યાનમાં લેતા આજે સ્થાનિક જથ્થાબંધ ધાતુ બજારમાં આજે સપ્તાહના અંતે વૈશ્વિક અહેવાલોની ગેરહાજરી છતાં ચોક્કસ ધાતુઓમાં સ્ટોકિસ્ટોની છૂટીછવાઈ લેવાલી ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો તથા સ્થાનિક ડીલરોની માગને ટેકે મુખ્યત્વે કોપર, બ્રાસ શીટ કટિંગ્સ, ઝિન્ક સ્લેબ, ટીન અને નિકલના ભાવમાં કિલોદીઠ રૂ. એકથી છનો સુધારો આગળ ધપ્યો હતો, જ્યારે એકમાત્ર એલ્યુમિનિયમ ઈન્ગોટ્સમાં નિરસ માગે ભાવ કિલોદીઠ રૂ. બે ઘટી આવ્યા હતા અને બ્રાસ યુટેન્સિલ્સ સ્ક્રેપ, એલ્યુમિનિયમ યુટેન્સિલ્સ સ્ક્રેપ તથા લીડ ઈન્ગોટ્સમાં છૂટીછવાઈ માગને ટેકે ભાવમાં ટકેલું વલણ રહ્યું હતું. 

બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્ટોકિસ્ટોની છૂટીછવાઈ લેવાલી ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો તથા સ્થાનિક ડીલરોની માગને ટેકે કોપર વાયરબારના ભાવ કિલોદીઠ રૂ. છ વધીને રૂ. 1447, કોપર આર્મિચર, કોપર યુટેન્સિલ્સ સ્ક્રેપ અને બ્રાસ શીટ કટિંગ્સના ભાવ કિલોદીઠ રૂ. પાંચ વધીને અનુક્રમે રૂ. 1340, રૂ. 1255 અને રૂ. 975, કોપર સ્ક્રેપ હેવીના ભાવ કિલોદીઠ રૂ. ચાર વધીને રૂ. 1359, નિકલના ભાવ કિલોદીઠ રૂ. બે વધીને રૂ. 1642 અને કોપર કેબલ સ્ક્રેપ, ઝિન્ક સ્લેબ અને ટીનના ભાવ કિલોદીઠ રૂ. એકના સુધારા સાથે અનુક્રમે રૂ. 1370, રૂ. 414 અને રૂ. 5496ના મથાળે રહ્યા હતા. 

જોકે, આજે એકમાત્ર એલ્યુમિનિયમ ઈન્ગોટ્સમાં સ્ટોકિસ્ટોની છૂટીછવાઈ વેચવાલી સામે વપરાશકાર ઉદ્યોગની માગ પણ નિરસ રહેતાં ભાવ કિલોદીઠ રૂ. બેના ઘટાડા સાથે રૂ. 350ના મથાળે રહ્યા હતા, જ્યારે બ્રાસ યુટેન્સિલ્સ સ્ક્રેપ, એલ્યુમિનિયમ યુટેન્સિલ્સ સ્ક્રેપ અને લીડ ઈન્ગોટ્સમાં છૂટાછવાયા કામકાજે ભાવ અનુક્રમે કિલોદીઠ રૂ. 940, રૂ. 310 અને રૂ. 206ના મથાળે ટકેલા રહ્યા હતા.