Mon Sep 07 2026

Logo

એઆઈ અને ઊભરતાં ક્ષેત્રોને ટેકે વર્ષ 2047 સુધીમાં ભારત 55 ટ્રિલ્યનનું અર્થતંત્ર થઈ શકેઃ સુબ્રમણ્યન

2026-08-25 19:33:37
Author: Ramesh Gohil
એઆઈ અને ઊભરતાં ક્ષેત્રોને ટેકે વર્ષ 2047 સુધીમાં ભારત 55 ટ્રિલ્યનનું અર્થતંત્ર થઈ શકેઃ સુબ્રમણ્યન

નવી દિલ્હીઃ ભારત આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને મુખ્ય ઊભરતાં ક્ષેત્રોમાં પ્રભુત્વ મેળવીને દેશનાં યુવા વર્ગનો ઉપયોગ કરીને વર્ષ 2047 સુધીમાં પપ ટ્રિલ્યનનું અર્થતંત્ર બની શકે તેમ છે, એમ ભૂતપૂર્વ ચીફ ઈકોનોમિક એડવાઈઝર ક્રિષ્ણામૂર્તિ સુબ્રમણ્યને જણાવ્યું હતું. 

અત્રે `ઈન્ડિયા 2047 લીડર્સ ટૉક'ને સંબોધન કરતાં તેમણે જણાવ્યું હતું કે આઠ ટકાનો વાસ્તવિક જીડીપી વૃદ્ધિદર જાળવી રાખવામાં આવે અને વ્યૂહાત્મક મૂડી રોકાણ સાથે ભારત મુખ્ય આર્થિક સ્તંભોમાં ચક્રવૃદ્ધિ મૂલ્યને હાંસલ કરી શકાશે. 

ચક્રવૃદ્ધિ ધોરણે વૃદ્ધિ, નૈતિક સંપત્તિ નિર્માણ અને મુક્ત માળખાકીય નીતિની શક્તિ મારફતે વર્ષ 2047 સુધીમાં 55 ટ્રિલ્યન વિકસિત ભારતનો લક્ષ્યાંક વાસ્તવિકતામાં પરિણમી શકે છે, એમ જણાવતા તેમણે મુખ્યત્વે ઉચ્ચ ગુણવત્તાવાળા સીધા વિદેશી રોકાણ આકર્ષવા, વૈશ્વિક કક્ષાના ઈલેક્ટ્રોનિક્સ અને ઔદ્યોગિક ઉત્પાદનોનો વિસ્તાર કરવા અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સમાં નિપુણ અને અતિ કુશળ યુવા પ્રતિભાઓનો સમુહ વિકસાવવા જેવી આંતરિક પ્રક્રિયાઓ પર ભાર મૂક્યો હતો. 

ઉત્પાદનમાં ઉચ્ચ મૂલ્યવર્ધિત ઉત્પાદનોનો વિસ્તાર કરીને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સમાં આપણી યુવા વસતી અને ઊભરતી ક્ષમતાઓનો ઉપયોગ કરીને અવકાશી અને સંરક્ષણ જેવાં ઊભરતાં ક્ષેત્રોમાં વૈશ્વિક પ્રભુત્વ સ્થાપિત કરીને ભારત ફક્ત તેનાં આર્થિક ફૂટ પ્રિન્ટનું વિસ્તરણ નથી કરી રહ્યું પરંતુ તે આધુનિક વિશ્વ માટે એક સ્થિતિસ્થાપક આર્થિક પરિપ્રેક્ષ્ય પ્રદાન કરી રહ્યું હોવાનું તેમણે ઉમેર્યું હતું. 

નોંધનીય બાબત એ છે કે ઈન્ટરનેશનલ મોનેટરી ફંડે તેનાં એપ્રિલ, 2026નાં વર્લ્ડ ઈકોનોમિક આઉટલૂક અહેવાલમાં ભારતનાં વર્ષ 2025-26 માટે ભારતનો જીડીપી 3.92 ટ્રિલ્યન નોંધ્યો હતો અને વિશ્વનું છઠ્ઠા ક્રમાંકનું સૌથી મોટુ અર્થતંત્ર હોવાનું નોંધ્યું હતું. 

ઈન્ટરનેશનલ મોનેટરી ફંડનાં ભારત અને દક્ષિણ એશિયા માટેનાં એક્ઝિક્યુટીવ ડિરેક્ટર સુબ્રમણ્યને ટેક્નોલૉજિકલ આત્મનિર્ભરતા, રાષ્ટ્રીય સંરક્ષણ ક્ષમતાઓ, અવકાશી ટેક્નોલૉજી, ઉચ્ચ મૂલ્યવર્ધિત નિકાસમાં ભારતની હરણફાળનો પણ ઉલ્લેખ કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે રિઝર્વ બૅન્કે વેપારી તણાવ અને પશ્ચિમ એશિયામાં ભૂરાજકીય વિવાદની સ્થિતિ હોવા છતાં ખાસ કરીને મજબૂત સ્થાનિક માગ, ઉત્પાદન અને સર્વિસીસ પ્રવૃત્તિઓ તથા ઉચ્ચ મૂલ્યવર્ધિતિ નિકાસને ટેકે વર્તમાન નાણાકીય વર્ષ માટે 6.7 ટકાના વૃદ્ધિદરનો અંદાજ મૂક્યો છે.