મૉકી (ચીન): અહીં હૉકી (Hockey)ના જુનિયર એશિયા કપમાં રવિવારે ફરી એક વખત ભારતની મહિલા ટીમે જીત માણી હતી, પણ પુરુષોની ટીમે પ્રથમ મૅચના શાનદાર વિજય બાદ બીજી મૅચમાં ડ્રૉથી સંતોષ માની લેવો પડ્યો હતો. બન્ને વર્ગમાં ભારત (India) ડિફેન્ડિંગ ચૅમ્પિયન છે.
ભારતની મહિલાઓ અને પુરુષોની બે દિવસમાં બીજી મૅચ રમાઈ. શનિવારે મહિલાઓની ટીમે સાઉથ કોરિયાને 4-1થી માત આપી હતી, જ્યારે ભારતીય પુરુષોની ટીમે એ દિવસે ઇન્ડોનેશિયા સામે 14-0થી જ્વલંત વિજય મેળવ્યો હતો. રવિવારે સતત બીજી દિવસે રમાયેલી મૅચમાં ભારતની મહિલા ટીમે મલયેશિયા (MALAYSIA)ની ટીમને 11-1થી ઘમરોળી નાખી હતી. જોકે પુરુષોની ટીમે જાપાન સામેની મૅચ 3-3થી ડ્રૉ કરાવવી પડી હતી.
ભારતની વિમેન્સ ટીમે 11માંથી ચાર ગોલ ફીલ્ડ પ્લેમાંથી (સીધા વ્યક્તિગત ખેલાડી દ્વારા જ) થયા હતા, જ્યારે પાંચ ગોલ ભારતને પેનલ્ટી કૉર્નરમાં અને બે ગોલ પેનલ્ટી સ્ટ્રૉકમાં મળ્યા હતા. ભારતીય ગોલ-સ્કોરરમાં પૂજા સાહુ, પૂર્ણિમા યાદવ, બિનિમા ધાન, ક્રિષ્ના શર્મા, સુખવીર કૌર, ગીતા યાદવ, સનિકા ચંદ્રકાન્ત માનેનો સમાવેશ હતો. ભારતીય ટીમ એના ગ્રૂપમાં મોખરે છે, જ્યારે ચીન અને જાપાન અનુક્રમે બીજા-ત્રીજા સ્થાને છે. હવે મંગળવાર, આઠમી સપ્ટેમ્બરે ભારત અને જાપાન વચ્ચે મુકાબલો થશે.
પુરુષોની મૅચમાં ભારત અને જાપાને એકબીજાને સારી ટક્કર આપી હતી. જોકે ભારતના ફૉર્વર્ડ ખેલાડીઓ ઇન્ડોનેશિયા જેવું પ્રભુત્વ જાપાન પર નહોતા જમાવી શક્યા. ભારત વતી કૅપ્ટન અનમોલ એક્કાએ બે ગોલ કર્યા હતા અને આશુ મૌર્ય એક ગોલ કરી શક્યો હતો. હવે મંગળવારે ભારતનો કોરિયા સામે મુકાબલો થશે.