તેહરાનઃ ઈરાનના ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ(આઇઆરજીસી)ના નૌકાદળે હોર્મુઝ સામુદ્રધુનીમાંથી મંજૂરી વિના પસાર થવાનો પ્રયાસ કરી રહેલા ત્રણ ઓઇલ ટેન્કરો અને અમેરિકા સાથે સંબંધિત ત્રણ અન્ય જહાજો પર હુમલા કર્યા હોવાનું જણાવ્યું હતું. આ હુમલા શનિવારે અમેરિકા દ્વારા ત્રણ ઈરાની તેલ ટેન્કરો પર કરવામાં આવેલા હુમલાના જવાબમાં કરવામાં આવ્યા હતા.
ઈરાનના સરકારી મીડિયામાં પ્રકાશિત એક નિવેદન અનુસાર આઇઆરજીસી નેવીએ જણાવ્યું હતું કે તેણે હોર્મુઝ સામુદ્રધુનીમાંથી ગેરકાયદેસર રીતે પસાર થઇ રહેલા ત્રણ ઓઇલ ટેન્કરો અને અન્ય વિસ્તારોમાં ત્રણ જહાજોને પણ નિશાન બનાવ્યા હતા, જેને તેણે બાળકોની હત્યા કરનાર અમેરિકાના ગણાવ્યા હતા.
આઇઆરજીસી નેવીએ જણાવ્યું કે હોર્મુઝ સામુદ્રધુનીમાં ત્રણ ટેન્કરો અનધિકૃત માર્ગ વાટે મુસાફરી કરી રહ્યા હોવાથી નિશાન બનાવવામાં આવ્યા હતા. નૌકાદળે ખાડી અને સામુદ્રધુની પાસેથી પસાર થતા અન્ય જહાજોને અમેરિકન સેનાની વાતમાં ન આવવાની અને અનધિકૃત જળમાર્ગોનો ઉપયોગ કરીને કોઇ પણ પ્રકારની શંકાસ્પદ પ્રવૃતિ ટાળવાની ચેતવણી આપી હતી. નહીંતર, તમને નિશાન બનાવવામાં આવશે, એમ આઇઆરજીસીએ કહ્યું હતું.
આ નિવેદન યુએસ સેન્ટ્રલ કમાન્ડની એ જાહેરાત બાદ આવ્યું છે જેમાં કહેવામાં આવ્યું હતું કે અમેરિકાની સેનાએ ઈરાનના ત્રણ ઓઇલ ટેન્કરો પર હુમલો કર્યો હતો. સેન્ટકોમે જણાવ્યું હતું કે બે ટેન્કર સંપૂર્ણપણે નિષ્ક્રિય થઇ ગયા હતા, જેમાંથી એક ખાર્ગ ટાપુ નજીક હતું જ્યારે ત્રીજું ઓમાનની ખાડીમાં સંપૂર્ણ રીતે નાશ પામ્યું હતું.
ઈરાનના આ નવા દાવાઓ તેહરાન અને વોશિંગ્ટન વચ્ચે વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ હોર્મુઝ સ્ટ્રેટની આસપાસ દરિયાઇ સંઘર્ષમાં વધુ એક વધારો થયાનો સંકેત આપે છે.