Thu Oct 01 2026

Logo

વિદેશી હૂંડિયામણની અનામત 11.47 અબજ ડૉલર ઉછળીને 740.8 અબજ ડૉલરની વિક્રમ સપાટીએ

2026-09-04 19:59:00
Author: Ramesh Gohil
વિદેશી હૂંડિયામણની અનામત 11.47 અબજ ડૉલર ઉછળીને 740.8 અબજ ડૉલરની વિક્રમ સપાટીએ

મુંબઈઃ ગત 28મી ઑગસ્ટના રોજ પૂરા થયેલા સપ્તાહે દેશની વિદેશી હૂંડિયામણની અનામત 11.475 અબજ ડૉલરના ઉછાળા સાથે વધીને 740.803 અબજ ડૉલરની વિક્રમ સપાટીએ રહી હોવાનું રિઝર્વ બૅન્ક ઑફ ઈન્ડિયાએ સાપ્તાહિક આંકડાકીય માહિતીમાં જણાવ્યું છે. આ પૂર્વેના સપ્તાહે અનામત 12.422 અબજ ડૉલર વધીને 729.328 અબજ ડૉલરના સ્તરે રહી હતી. 

નોંધનીય બાબત એ છે કે અગાઉ ગત 27મી ફેબ્રુઆરીના રોજ દેશની વિદેશી હૂંડિયામણની અનામત 728.494 અબજ ડૉલરની સર્વોચ્ચ સપાટીએ રહી હતી. જોકે, ત્યાર બાદ મધ્યપૂર્વનાં દેશોમાં વિવાદ થતાં ભૂરાજકીય તણાવ વધવાથી વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવ વધી આવતાં સ્થાનિક ફોરેક્સ મર્કેટમાં ડૉલર સામે રૂપિયામાં થઈ રહેલા ધોવાણને ખાળવા સમયાંતરે રિઝર્વ બૅન્કનો હાજર બજારમાં હસ્તક્ષેપ રહેતાં ક્રમશઃ અનામતમાં ઘટાડો થતો રહ્યો હતો. 

વધુમાં સ્થાનિક બજારમાં પ્રવાહિતાનો વધારો કરવા રિઝર્વ બૅન્કે ગત જૂન મહિનામાં રાહતનાં દરે ફોરેક્સ સ્વેપનાં પગલાંની જાહેરાત કરતાં રિઝર્વ બૅન્કે 132 અબજ ડૉલર એકત્રિત કર્યાંના અહેવાલ હતા. 

દરમિયાન સમીક્ષા હેઠળના સપ્તાહમાં દેશની કુલ અનામતોમાં બહોળો હિસ્સો ધરાવતી વિદેશી ચલણી અસ્ક્યામતો 9.337 અબજ ડૉલર વધીને 600.67 અબજ ડૉલરના સ્તરે રહી હતી. નોંધનીય બાબત એ છે કે વિદેશી ચલણી અસ્ક્યામતોમાં ડૉલર ઉપરાંત યુરો, પાઉન્ડ અને યેન જેવાં અન્ય મુખ્ય ચલણો સામે રૂપિયામાં સપ્તાહ દરમિયાન થયેલી વધઘટને પણ ધ્યાનમાં લેવામાં આવતી હોય છે. 

વધુમાં સપ્તાહ દરમિયાન દેશની સોનાની અનામત 2.191 અબજ ડૉલર વધીને 116.409 અબજ ડૉલર અને ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ સાથેના સ્પેશિયલ ડ્રોઈંગ રાઈટ્સ 4.3 કરોડ ડૉલર વધીને 18.181 અબજ ડૉલરની સપાટીએ રહ્યા હતા. જોકે, સપ્તાહના અંતે ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ સાથેની અનામત 1.1 કરોડ ડૉલર ઘટીને 4.914 અબજ ડૉલરની સપાટીએ રહી હોવાનું રિઝર્વ બૅન્કે માહિતીમાં ઉમેર્યું હતું.