Mon Oct 05 2026

Logo

પાકિસ્તાને અફઘાનિસ્તાન પર ફરી હવાઈ હુમલો કર્યા; કુનાર અને હેલમંદ પર બોમ્બ ફેંકાયા, અત્યાર સુધીમાં 22ના મોત.....

Kabul   2026-10-01 11:57:00
Author: Vimal Prajapati
પાકિસ્તાને અફઘાનિસ્તાન પર ફરી હવાઈ હુમલો કર્યા; કુનાર અને હેલમંદ પર બોમ્બ ફેંકાયા, અત્યાર સુધીમાં 22ના મોત.....

કાબુલઃ પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચેનો સરહદી વિવાદ હવે ખુલ્લા સૈન્ય સંઘર્ષમાં ફેરવાઈ રહ્યો છે. પાકિસ્તાની વાયુસેનાના લડાકુ વિમાનોએ અફઘાનિસ્તાનના કુંનર અને હેલમંદ સહિતના સીમાવર્તી વિસ્તારોમાં ઘૂસીને ભારે બોમ્બમારો કર્યો છે. આ હવાઈ હુમલા બાદ સમગ્ર સરહદી વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ છે અને સ્થાનિક લોકોમાં ભારે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે આ એરસ્ટ્રાઇક મોડી રાત્રે કરવામાં આવી હતી, જેમાં કેટલાક વિસ્તારોમાં ભારે નુકસાન થયાના અહેવાલ છે.

કુનાર અને હેલમંડ પ્રાંતોમાં કરવામાં આવ્યો હુમલો

આજે વહેલી સવારે પાકિસ્તાની સેનાએ અફઘાનિસ્તાનના કુનાર અને હેલમંડ પ્રાંતોમાં તીવ્ર હવાઈ હુમલા કર્યા હતા. આ હુમલાઓમાં રહેણાંક વિસ્તારોને નિશાન બનાવવામાં આવ્યા હતા, જેના પરિણામે બાળકો સહિત 22 નાગરિકોનાં મોત થયાં હતાં અને અન્ય ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. વિગતે વાત કરવામાં આવે તો, પ્રથમ હુમલો કુનાર પ્રાંતના શાલતાન જિલ્લામાં આવેલી ચોગમ ખીણમાં થયો હતો. ગુરુવારે સવારે લગભગ 03:00 વાગ્યે, જ્યારે સ્થાનિક રહેવાસીઓ ગાઢ નિદ્રામાં હતા, ત્યારે પાકિસ્તાની ફાઈટર જેટ્સે બોમ્બમારો શરૂ કર્યો હતો. આ હુમલામાં એક રહેણાંક મકાન સંપૂર્ણપણે ધરાશાયી થઈને કાટમાળમાં ફેરવાઈ ગયું હતું.

પાકિસ્તાના દાવા સામે તાલિબાને આપી ગંભીર ચેતવણી

વધારે વિગતે વાત કરવામાં આવે તો, આ કાર્યવાહી પાકિસ્તાનમાં તાજેતરમાં થયેલા આતંકવાદી હુમલાના જવાબમાં કરવામાં આવી છે. પાકિસ્તાનનો આક્ષેપ છે કે ટીટીપી (TTP) ના આતંકવાદીઓ અફઘાનિસ્તાનની ધરતીનો ઉપયોગ કરીને પાકિસ્તાનમાં આતંકી પ્રવૃત્તિઓ ચલાવે છે અને તાલિબાન સરકાર તેમને આશ્રય આપી રહી છે. બીજી તરફ, અફઘાનિસ્તાનની તાલિબાન સરકારે આ હવાઈ હુમલાની સખત શબ્દોમાં નિંદા કરી છે. તાલિબાનના સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું છે કે, પાકિસ્તાને અફઘાનિસ્તાનની પ્રાદેશિક અખંડિતતા અને આંતરરાષ્ટ્રીય નિયમોનું ઉલ્લંઘન કર્યું છે. તાલિબાને સ્પષ્ટ ચેતવણી આપી છે કે પોતાની સરહદોનું રક્ષણ કરવાની તેમનામાં સંપૂર્ણ ક્ષમતા છે અને યોગ્ય સમયે આનો જવાબ આપવામાં આવશે.

ડ્યુરંડ લાઇન પર હથિયારો સાથે સૈન્ય તૈનાતી

હવાઈ હુમલા બાદ અફઘાનિસ્તાન અને પાકિસ્તાનને જોડતી ડ્યુરન્ડ લાઇન (Durand Line) પર સ્થિતિ અત્યંત નાજુક બની ગઈ છે. બંને દેશો તરફથી સરહદ પર ભારે તોપો અને વધારાના સૈનિકો ખડકી દેવામાં આવ્યા છે. કેટલાક સ્થળોએ સામસામે હળવો ગોળીબાર થયો હોવાના પણ સમાચાર છે. આ સંઘર્ષના કારણે સરહદ નજીક રહેતા હજારો સ્થાનિક નાગરિકો સુરક્ષિત સ્થળોએ સ્થળાંતર કરવા મજબૂર બન્યા છે. બંને દેશો વચ્ચે વધતા જતા આ સંઘર્ષથી સમગ્ર દક્ષિણ એશિયાઈ પ્રદેશમાં સુરક્ષાને લઈને ચિંતામાં વધારો થયો છે.