Fri Oct 02 2026

Logo

અરે, આ તો કમાલ કરે છે...!

2026-10-01 12:45:00
Author: Neela Sanghvi
અરે, આ તો કમાલ કરે છે...!

નીલા સંઘવી

‘કમાલ કરે છે
એક ડોસી ડોસાને હજી વહાલ કરે છે
ડોસો જાગે ત્યારે ચશ્માં આપે અને બ્રશ ઉપર પેસ્ટને લગાડે,
લોકોનું કહેવું છે કે ડોસી આમ કરી ડોસાને શાને બગાડે?’ 

સુપ્રસિદ્ધ કવિ સુરેશ દલાલ એમના આ યાદગાર કાવ્યમાં આગળ કહે છે:
‘મસાલા ચા અને ગરમ ગરમ નાસ્તો
ડોસી ડોસાનો કેવો ખ્યાલ કરે છે...’ 

આ કાવ્યમાં આગળ વધીને કવિ ઘણું કહે છે. કવિ કહે છે કે ડોસી ડોસાને નિયત સમયે દવા આપે છે. બંનેનો સંબંધ તલવાર અને મ્યાન જેવો છે. બંને મૌન રહીને પણ એકમેકને ન્યાલ કરે છે. ડોસીને મોતિયો છે તેથી ડોસો વાંચે અને ડોસી સાંભળે. આમ બંને એકમેકમાં ઓતપ્રોત છે.

વૃદ્ધાવસ્થામાં પતિ-પત્ની બે જ હોય. દીકરી પરણીને સાસરે ચાલી ગઈ હોય અને દીકરો પરદેશ હોય. રહી જાય પાછળ બે જ જણ ડોસો અને ડોસી. ડોસી ડોસાની ભરપૂર સારસંભાળ રાખે. પ્રેમ એટલે સાથે વૃદ્ધ થવું એ આને કહેવાય. અને આવા સરસ દાંપત્ય ભારતમાં જ જોવા મળે. જોકે અહીં પણ પશ્ર્ચિમની અસર વર્તાવા લાગી છે. કવિ  સુરેશ દલાલનું કાવ્ય અહીં એટલે ટાંક્યું કે આજે એક એવી ડોસીની વાત કરવી છે જે પોતાના બીમાર પતિની સારવાર તન-મન-ધનથી કરી રહી છે. 

દામિનીબહેન આમ તો એક લેખિકા. પતિ-પત્ની એક દીકરી અને એક દીકરા સાથેનો ભર્યોપૂર્યો સંસાર. દીકરી પરણીને સાસરે ગઈ અને દામિનીબહેનના સદ્નસીબે દીકરો-વહુ અહીં જ એમની સાથે જ રહ્યાં.  પતિ સૂર્યકાંતભાઈનું સ્વાસ્થ્ય બહુ જ સારું. દામિનીબહેનનું સ્વાસ્થ્ય પણ સારું જ કહી શકાય. સૂર્યકાંતભાઈએ તો જિંદગીમાં એક ગોળી ખાવાની જરૂર પડી નથી. ડાયાબિટીસ, બ્લડપ્રેશર જેવી કોઈ બીમારીનું નામોનિશાન નહીં. પૂર્ણપણે સ્વસ્થ. ફિટ એન્ડ ફાઇન કહેવાય. નિવૃત્તિ બાદ પણ ઘરનાં ઘણાં કામો કરી દે. દામિનીબહેન પણ ઘરનાં કામમાં પુત્રવધૂને મદદ કરે. સાથે પોતાનું લેખનકાર્ય કરે. 

સાહિત્યના કાર્યક્રમોમાં હાજરી આપે. દામિનીબહેનની ઉંમર અત્યારે એંસી વર્ષ અને સૂર્યકાંતભાઈ હશે 85-86 વર્ષના. દામિનીબહેનના લખવાના શોખમાં સૂર્યકાંતભાઈ કયારેય આડા આવ્યા નથી. ઊલટું દામિનીબહેન સારી રીતે લખી શકે તે માટે મદદરૂપ પણ થાય. દામિનીબહેનનાં ચાર પુસ્તક પણ પ્રકાશિત થયાં છે.

સરવાળે એ બન્નેનું દામ્પત્ય જીવન સુખી. જોકે દામિનીબહેનનો લગ્ન પછીનો શરૂઆતનો સમય ઘણો સંઘર્ષમય હતો. દામિનીબહેન પોતાની કોઠાસૂઝને લીધે - જિંદગીનો એ જંગ જીતી ગયાં, પણ દર વખતે લખું છું તેમ આ વખતે પણ લખીશ કે ‘સુખ ક્યાં કોઈનું લાંબું ટકે છે. સુખનું તો આયુષ્ય જ ટૂંકું.’ દામિનીબહેન-સૂર્યકાંતભાઈના સુખની ઈર્ષ્યા આવી હોય તેમ કાળે કરવટ બદલી  અને સૂર્યકાંતભાઈની તબિયત અચાનક લથડી. દવા-સારવાર કરાવી પણ ફરક પડ્યો નહીં. એમાં બે ત્રણવાર બાથરૂમમાં પડી ગયા પછી તો ડાયપર પહેરાવવાનું શરૂ કર્યું. કૅરટેકર રાખ્યો, પણ એ માણસના કાંઈ ઠેકાણાં નહીં. 

તેથી તેને હટાવીને દામિનીબહેન અને દીકરો-વહુ જ સૂર્યકાંતભાઈની સંભાળ લેવા લાગ્યાં, પણ એ સમય જતાં સાવ બેડરીડન થઈ ગયા. હવે સૂર્યકાંતભાઈને સાચવવા કઈ રીતે? એક સ્નેહીએ બેલાપુરમાં આવેલા કૅર સેન્ટરમાં તેમને રાખવાની ભલામણ કરી. બીમાર પતિને એકલા કૅર સેન્ટરમાં કેમ મુકાય? અને પોતે રોજ મુંબઈથી બેલાપુર જઈ શકે નહીં. 

અંતે સોલ્યુશન એ મળ્યું કે કૅર સેન્ટરથી બે જ મિનિટના અંતરે એક જ કૉમ્પલેક્સમાં આવેલા બિલ્ડિંગમાં સૂર્યકાંતભાઈને મળવા દામિનીબહેન જાય - પાસે બેસે છે - વાતો કરે છે. કૅર સેન્ટરમાં સૂર્યકાન્તભાઈની સંભાળ સ્ટાફ રાખે છે. આમ છેલ્લા દસ મહિના સતત પતિની સેવા-ચાકરી કરીને 80 વર્ષનાં દામિનીબહેન બહુ થાકી ગયાં છે, પણ કોઈ સંજોગોમાં પતિને એકલા મૂકવા તૈયાર નથી. આ છે ભારતીય દામ્પત્ય. લગ્નજીવનનાં 60 વર્ષ પછી પણ એક ડોસી એના ડોસાનો ખ્યાલ રાખે છે!