કૌશિક મહેતા
ડિયર હની,
તારી જેવી ગૃહિણીના કિસ્સાઓમાં અમુક ઉંમર પછી જાણે જિંદગી અટકી જાય છે. સંતાનોના લાલનપાલન પછી એમનાં લગ્ન, એમને ત્યાં સંતાનો થાય... આ બધામાં તમારી જિંદગી એકદમ વ્યસ્ત રહે છે. અને પચાસ પંચાવનની ઉંમર વટાવો એટલે કહેવા લાગો છો : ‘બસ, હવે કઈ કરવું નથી!’
મોટાભાગની ગૃહિણીઓમાં આ જ માનસિકતા જોવા મળે છે. પણ ઉંમર કઈ રીતે તમારી ઇચ્છાઓને અટકાવી શકે. હા, સ્વાસ્થ્યની સમસ્યા હોય પણ એનાથી તમારો શોખ છે એ કેમ મરી પરવારે?આવું વિચારનારી દરેક ગૃહિણીએ ચીલીની ઇવોન વિલ્ડોસોલા વિશે જાણવું જોઈએ. આ મહિલાએ 70 વર્ષની વયે ટી-20 ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં ડેબ્યૂ કરીને વિશ્વભરમાં ચર્ચા જગાવી એ ક્રિકેટ જગતના સૌથી મોટી ઉંમરે સક્રિય રમનારા ખેલાડીઓમાં સ્થાન પામ્યાં છે.
એણે જે મૅચમાં ડેબ્યુ કર્યું એની સૌથી મોટી વિશેષતા એ હતી કે તેમણે પોતાની પૌત્રી કેમિલા ઓયાર્સની કપ્તાની હેઠળ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમ્યાં. એટલું જ નહીં, આ જોડીએ મૅચમાં ઓપનિંગ પણ કર્યું! ઇવોન શરૂઆતમાં ક્રિકેટ રમતાં નહોતાં, પરંતુ તેમની પુત્રી અને પૌત્રી ક્રિકેટ રમતી હોવાથી તેમના મિત્રો માટે ઘરમાં જમવાનું બનાવવાનું એ કામ કરતાં. ધીમે-ધીમે પરિવારના પ્રોત્સાહનથી તેમણે 2019માં પહેલીવાર બૅટ પકડ્યું અને પરિવારના સમર્થનથી રાષ્ટ્રીય ટીમ સુધીની સફર ખેડી. પહેલી મૅચ કોસ્ટારિકા સામે રમ્યાં. ઓપનિંગમાં આવ્યાં. ચાર-પાંચ બૉલ રમ્યા બાદ ખાતું ખોલાવ્યા વિના આઉટ થઈ ગયાં હતાં.
જસ્ટ વિચારો કે 70 વર્ષની વયે મેદાનમાં ઊતરવાનું સાહસ કોણ કરે? પણ કોઈએ તો કર્યું. આ કોઈક તમે પણ બની શકો છો. વય એ માત્ર એક આંકડો છે અને સફળતા કે નવો ઉત્સાહ મેળવવા માટે ક્યારેય મોડું થતું નથી. આ વાતને સાબિત કરતા દેશ દુનિયામાં એક નહીં, અનેક કિસ્સા છે.
હરભજન કૌરે તો ઈવોન કરતાં પણ ચઢી જાય એવું સાહસ કર્યું. 94 વર્ષની વયે તેમણે પોતાની હોમમેઇડ ફૂડ બ્રાન્ડ (બેસનના લાડુ વગેરે) શરૂ કરી. જીવનભર ગૃહસ્થી સંભાળ્યા બાદ તેમણે એ ઉંમરે બિઝનેસ વુમન તરીકે પોતાની નવી ઓળખ બનાવી જે આજે લાખો લોકો માટે પ્રેરણા છે.
ચંદીગઢનાં માજી મના કૌરે 93 વર્ષની ઉંમરે રમતગમતમાં પ્રવેશ કર્યો. તેમણે માસ્ટર્સ એથ્લેટિક્સ માં અનેક ગોલ્ડ મેડલ જીત્યા અને વિશ્વભરમાં ‘મિરેકલ ફ્રૉમ ચંડીગઢ’ તરીકે ખ્યાતિ મેળવી. 100 વર્ષની ઉંમરે પણ તેમણે દોડ સ્પર્ધામાં રેકૉર્ડ બનાવ્યા હતાં.
જે ઉંમરે લોકો નિવૃત્તિ લે છે તેવા સમયે કર્નલ સેન્ડર્સ પાસે માત્ર તેમની ગાડી અને ફ્રાઇડ ચિકનની રેસિપી હતી. અનેક વાર નાદારી અને અસફળતાઓ બાદ તેમણે 65 વર્ષની વયે ‘કેએફસી’ની સ્થાપના કરી અને તેને વૈશ્વિક બ્રાન્ડ બનાવી.
અમેરિકાનાં અન્ના મેરી રોબર્ટસન મોસેસ નામની મહિલાએ સંધિવાની બીમારીના કારણે ભરતકામ છોડવું પડ્યું હતું, ત્યાર બાદ 78 વર્ષની ઉંમરે તેમણે પહેલીવાર બ્રશ અને રંગ પકડ્યાં અને 80 વર્ષની ઉંમરે પોતાનું પહેલું આર્ટ એક્ઝિબિશન યોજીને વિશ્ર્વના 100 મહાન ચિત્રકારોમાં સ્થાન મેળવ્યું.
આ તમામ ઉદાહરણ સાબિત કરે છે કે સપનાં પૂરાં કરવા માટે કે નવું શીખવા માટે યુવાની કે ચોક્કસ ઉંમરની રાહ જોવાની જરૂર નથી, બસ દ્રઢ ઇચ્છાશક્તિ હોવી જોઈએ. દરેકના જીવનમાં સેકન્ડ ઇનિંગની શક્યતા હોય છે.
‘લગે રહો મુન્નાભાઈ’ ફિલ્મમાં વૃદ્ધો જે મકાનમાં રહેતા હતા એનું નામ જ ‘સેક્ધડ ઇનિંગ હોમ’ રાખવામાં આવ્યું હતું. આખી જિંદગી બીજા માટે આપી દો એ બરાબર, પણ પોતા માટે સમય ના આપો તે કેવું!
તારી જ વાત કરું તો તને આર્ટમાં બહુ રસ હતો. ઘણાં ચિત્રો તે દોર્યાં, ભરતકામ કર્યું હતું, એના નમૂના આજે પણ તારી પાસે છે. એ શોખ ગૃહસ્થીમાં દબાઈ ગયો. આજે હવે તું 50 વટાવી ગઈ છે. સમય હવે બચે છે તો તારો શોખ કેમ જીવતો કરતી નથી. ?
નોકરીમાંથી નિવૃત્ત થવું પડે છે. કેટલાક નિયમો હોય છે, પણ તમને તમારી રીતે કામ કરતા કોઈ રોકી શકાતું નથી. તારી પાસે તો રસોઈ કળા પણ છે. એ પણ મદદરૂપ થઈ શકે. ભારતમાં અનેક એવા સિનિયર સિટિઝન્સ છે જેમણે નિવૃત્તિ પછી ટ્રાવેલ વ્લોગિંગ કે ફૂડ વ્લોગિંગ શરૂ કર્યું છે. ખાસ કરીને દાદા-દાદીની જોડીઓ આજે યુટ્યૂબ પર પોતાના અનુભવો અને જીવનના પાઠ શેર કરતી જોવા મળે છે.
વિદેશોમાં પણ "Mastodo' કે "Angry Grandpa' જેવા કિસ્સાઓ છે, જ્યાં લોકોએ 70 કે 80 વર્ષની ઉંમરે ગેમિંગ, ટેક્નૉલૉજી કે કુકિંગ ચૅનલ શરૂ કરી. તો તું રાહ શેની જુએ છે? કોઈક શું કહેશે એ વાતને ધ્યાનમાં લેવાની કોઈ જરૂર નથી. તને ગમતી પ્રવૃત્તિ શરૂ કર, પછી જો જિંદગી કેવી બદલાઈ જશે. જિંદગી વધુ ખૂબસૂરત લાગશે.
તારો બન્ની