Mon Oct 05 2026

Logo

રશિયન સેનામાં નોકરીની લાલચથી સાવધાન; વિદેશ મંત્રાલયે ભારતીયો માટે જાહેર કરી ચેતવણી, જાણો શું છે સમગ્ર મામલો...

2026-10-01 09:04:00
Author: Vimal Prajapati
રશિયન સેનામાં નોકરીની લાલચથી સાવધાન; વિદેશ મંત્રાલયે ભારતીયો માટે જાહેર કરી ચેતવણી, જાણો શું છે સમગ્ર મામલો...

નવી દિલ્હીઃ વિદેશમાં ઊંચા પગારની નોકરી શોધી રહેલા ભારતીય યુવાનો માટે વિદેશ મંત્રાલયે (MEA) એક મહત્વપૂર્ણ અને ગંભીર ચેતવણી જાહેર કરી છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર, રશિયન સશસ્ત્ર દળોમાં સહાયક કે અન્ય નોકરી મેળવવાના નામે ભારતીયોને જોખમી ક્ષેત્રોમાં મોકલવાના કિસ્સાઓ પ્રકાશમાં આવ્યાં છે. જેથી સરકારે સ્પષ્ટ કર્યું છે કે રશિયન આર્મીમાં સામેલ થવું અત્યંત જોખમી છે અને તેનાથી જીવનું મોટું જોખમ ઊભું થઈ શકે છે.

છેલ્લા બે વર્ષથી સરકાર આવા જોખમો અંગે લોકોને જાગૃત કરી રહી છે. તેમ છતાં, કેટલાક લોકો તાત્કાલિક આર્થિક લાભ મેળવવાની આશામાં આવી જોખમી તકો ઝડપી લે છે અને બાદમાં મુશ્કેલીમાં મુકાતા ભારત સરકારની મદદ માંગે છે. જેથી અત્યારે જ સરકાર દ્વારા એક એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે અને ભારતીય નાગરિકોને ચેતવણી આપવામાં આવી છે. 

રશિયન પાસપોર્ટ અને ખાનગી સંસ્થાઓ દ્વારા ભરતીનું નેટવર્ક

મંત્રાલયના રિપોર્ટ અનુસાર, કેટલીક બિન-સરકારી અને ખાનગી સંસ્થાઓ દ્વારા પણ ભારતીયોને રશિયન સેનામાં જોડાવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે. એટલું જ નહીં, કેટલાક કિસ્સામાં ભારતીય નાગરિકતા છોડીને રશિયન પાસપોર્ટ મેળવવાની અને પછી આર્મીમાં જોડાવાની પ્રલોભનકારી જાળ બિછાવવામાં આવે છે. સરકારે નાગરિકોને અપીલ કરી છે કે, થોડા સમયના નાણાકીય ફાયદા માટે આ પ્રકારના નિર્ણયો ન લે, કારણ કે આ પ્રકારના જોખમો સીધા જીવલેણ નીવડી શકે છે. હાલમાં જ તેલંગાણાના 4 યુવાનોને સિવિલ જોબના નામે રશિયા લઈ જઈને સેનાના મોરચે ધકેલી દેવાયા હોવાની ઘટના પણ સામે આવી હતી.

બિન-ઓથોરાઇઝ્ડ એજન્ટોથી કેવી રીતે બચવું?

વિદેશ મંત્રાલયે વિદેશમાં નોકરી ઈચ્છુક તમામ ભારતીયો માટે માર્ગદર્શિકા આપતા જણાવ્યું છે કે, કોઈપણ એજન્ટ મારફતે વિદેશ જતા પહેલા તે વિદેશ મંત્રાલયના eMigrate પોર્ટલ પર રજિસ્ટર્ડ છે કે નહીં તેની અચૂક તપાસ કરો. અસ્પષ્ટ અથવા અસંદિગ્ધ કંપનીઓ દ્વારા મળતા નોકરીના પત્રો પર આંધળો વિશ્વાસ ન કરો. એટલું જ નહીં પરંતુ રશિયામાં હાલ રહેલા ભારતીયોની સુરક્ષા અને તેમની વહેલી તકે સલામત વાપસી માટે ભારત સરકાર રશિયન દૂતાવાસ અને સ્થાનિક સત્તાવાળાઓ સાથે સતત ચર્ચા કરી રહી છે. વિદેશ મંત્રાલયે કહ્યું કે,  ભારતીય નાગરિકોએ માત્ર માન્ય અને અધિકૃત સ્ત્રોતો પર જ વિશ્વાસ કરવો જોઈએ.