Fri Oct 16 2026

Logo

ટ્રાફિક ઈ-ચલણ બાકી હોય તો સાવધાન! સુપ્રીમ કોર્ટે આપ્યો કડક આદેશ, PUC નહીં નીકળે અને ડ્રાઇવિંગ લાયસન્સ પણ થશે બ્લોક

2026-10-01 14:54:42
Author: Vimal Prajapati
ટ્રાફિક ઈ-ચલણ બાકી હોય તો સાવધાન! સુપ્રીમ કોર્ટે આપ્યો કડક આદેશ, PUC નહીં નીકળે અને ડ્રાઇવિંગ લાયસન્સ પણ થશે બ્લોક

નવી દિલ્હીઃ જો તમારી ગાડી કે બાઇકનું ટ્રાફિક ઈ-ચલણ ઘણા સમયથી બાકી છે અને તમે તેને ભરવામાં અળખામણા રહ્યા છો, તો હવે ચેતી જવાની જરૂર છે. સુપ્રીમ કોર્ટે દેશના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને સ્પષ્ટ નિર્દેશ આપ્યો છે કે જે વાહનોના ટ્રાફિક દંડ બાકી છે તેમની તમામ ઓનલાઇન સેવાઓ તાત્કાલિક અસરથી ફ્રીઝ કરી દેવામાં આવે. આના કારણે હજારો લોકોને અસર થવાની છે, તેમને ઈ-ચલણ ભરવાનું બાકી છે તેમને સત્વરે ચલાન ભરી દેવું પડશે.

આ સમગ્ર મામલે વધારે વિગતે વાત કરવામાં આવે તો, જસ્ટિસ જે.બી. પારડીવાળા અને જસ્ટિસ કે.વી. વિશ્વનાથનની પીઠે સડક સુરક્ષા અંગેની સુનાવણી દરમિયાન આ મહત્વપૂર્ણ આદેશ આપ્યો હતો. કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, ‘માત્ર લાખોની સંખ્યામાં ઈ-ચલણ ઇશ્યૂ કરવાથી કોઈ ફાયદો નથી, જ્યાં સુધી તેની કડક વસૂલાત ન થાય’. અદાલતને આપેલા આંકડા મુજબ, દેશભરમાં અત્યાર સુધીમાં આશરે રૂપિયા 49,194 કરોડના ઈ-ચલણ બાકી છે, જેમાંથી માત્ર રૂપિયા 26,175 કરોડની જ વસૂલાત થઈ શકી છે. આટલી મોટી રકમમાં દંડ વસૂલવાનો બાકી હોવાથી કોર્ટે આ કડક વલણ અપનાવ્યું છે.

'પરિવહન' પોર્ટલ પર બાકીદાર વાહનોને બ્લેકલિસ્ટ કરાશે

સુપ્રીમ કોર્ટના આદેશ બાદ હવે 'પરિવહન' પોર્ટલ પર બાકીદાર વાહનોને બ્લેકલિસ્ટ કરવામાં આવશે, જેના કારણે અનેક સેવાઓ પર સીધો પ્રતિબંધ લાગશે. વિગતે વાત કરીએ તો, જૂનો દંડ ચુકવવામાં નહીં આવે ત્યાં સુધી કોઈપણ સેન્ટર પરથી વાહનનું પીયુસી સર્ટિફિકેટ ઈશ્યૂ થઈ શકશે નહીં. વાહન બ્લેકલિસ્ટ થવાના કારણે વાહનની ખરીદ-વેચાણ કે માલિકી ટ્રાન્સફર (RC Transfer) ની પ્રક્રિયા અટકી જશે. રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ (RC) નું રિન્યુઅલ, ડુપ્લિકેટ RC મેળવવી, એડ્રેસ બદલવું કે વાહનના ફિટનેસ સર્ટિફિકેટની કામગીરી પૂરેપૂરી ઠપ્પ થઈ જશે. આ સાથે વારંવાર ટ્રાફિક નિયમો તોડનારા વાહનચાલકોનું ડ્રાઇવિંગ લાયસન્સ રિન્યુ નહીં થાય અને ચાલુ લાયસન્સ પણ સસ્પેન્ડ કરવાના નિર્દેશ અપાયા છે.

રોડ પર જ વાહન જપ્ત કરવાની સત્તા મળશે

સુપ્રીમ કોર્ટે વધુમાં સ્પષ્ટ કર્યું છે કે, જો રસ્તાઓ પર ઓચિંતા ચેકિંગ દરમિયાન કોઈ વાહન પર અનપેઇડ ઈ-ચલણ જણાશે, તો પોલીસ અને ટ્રાફિક પ્રશાસન તે વાહનને સ્થળ પર જ જપ્ત કરવાની કાર્યવાહી કરી શકશે. કોર્ટે કહ્યું કે ટ્રાફિક નિયમોનું પાલન કાગળ પર નહીં પણ જમીની સ્તર પર દેખાવું જોઈએ. આ નિર્ણયના કારણે મોટા પ્રમાણમાં લોકોને અસર થવાની છે. જો કે, આની અસર માત્ર એવા લોકોને જ થશે તેમને ચલણ નહીં ભર્યું હોય!