કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે ભારતમાં પ્રથમવાર અમદાવાદ ખાતે યોજાઈ રહેલી ‘ધ હ્યુન્ડાઈ વર્લ્ડ આર્ચરી પેરા સિરીઝ (WAPS)-2026’નો વર્ચ્યુઅલ શુભારંભ કરાવ્યો હતો. સાબરમતી રિવરફ્રન્ટ ખાતે તા. 5 થી 9 સપ્ટેમ્બર દરમિયાન આ ચેમ્પિયનશિપ યોજાઈ રહી છે.
આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી તેમજ આર્ચરી એસોસિએશન ઑફ ઇન્ડિયાના અધ્યક્ષ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી અર્જુન મુંડા પણ ઉપસ્થિત રહ્યા હતા.
અમિતભાઈ શાહે તમામ ખેલાડીઓનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. તેમણે જણાવ્યું કે આ સ્પર્ધા તેમના સંસદીય મતવિસ્તારમાં યોજાઈ રહી છે, જે તેમના માટે ગૌરવની વાત છે.
અમિત શાહે ભારપૂર્વક જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતને વિશ્વનું સૌથી મોટું સ્પોર્ટ્સ સેન્ટર બનાવવાનું વિઝન છે. ગુજરાત માત્ર રમતગમતની સ્પર્ધાઓ માટે જ નહીં, પરંતુ તાલીમ, અત્યાધુનિક સુવિધાઓ અને રમતગમતનાં સાધનોના ઉત્પાદન માટે પણ વૈશ્વિક હબ બનવા જઈ રહ્યું છે.
મેડિકલ સાયન્સ અને સ્પોર્ટ્સ એન્જિનિયરિંગ અંગે વાત કરતાં તેમણે જણાવ્યું કે ગુજરાત સ્પોર્ટ્સ એન્જિનિયરિંગ અને ખાસ કરીને સ્પોર્ટ્સ ઇન્જરી (Sports Injury)ના મેડિકલ સાયન્સ ક્ષેત્રે વિશ્વભરના ખેલાડીઓ માટે એક મોટું કેન્દ્ર બનીને ઊભરશે.
વર્લ્ડ પેરા આર્ચરી ચેમ્પિયનશિપમાં ભારતીય એથ્લિટ્સનો ઉત્સાહ વધારતાં તેમણે જણાવ્યું કે આ સ્પર્ધામાં ભારતની 29 સભ્યોની સશક્ત ટીમ મેદાનમાં ઉતરી છે. અમિત શાહે હરવિંદર સિંહ, શીતલ દેવી, રાકેશ કુમાર, શ્યામ સુંદર સ્વામી અને પાયલ જેવા ખેલાડીઓને દેશ માટે પ્રેરણાના સ્રોત ગણાવ્યા હતા.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
જન્માષ્ટમીના પાવન પર્વે સૌ ખેલાડીઓનું સ્વાગત કરતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે સનાતન સંસ્કૃતિમાં ભગવાન શ્રીકૃષ્ણ અને પ્રભુ શ્રીરામચંદ્રજીના કાળથી ધનુષ્ય-બાણ શૌર્ય અને સાધનાનાં પ્રતીક રહ્યાં છે.
તેમણે કહ્યું કે વડાપ્રધાને ‘ખેલે તે ખીલે’નો મંત્ર આપ્યો છે અને આજે તેમના વિઝનરી નેતૃત્વમાં ભારતના સ્પોર્ટ્સ સેક્ટરમાં 360 ડિગ્રી ટ્રાન્સફોર્મેશન આવ્યું છે. વડાપ્રધાનના લાલ કિલ્લાની પ્રાચીર પરથી કરાયેલા પ્રવચનનો ઉલ્લેખ કરતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે રમતગમત માત્ર મેડલ જીતવાનું સાધન નહીં, પરંતુ યુવાનોના વ્યક્તિત્વ વિકાસ અને રાષ્ટ્રનિર્માણનું માધ્યમ છે.
તેમણે કહ્યું કે અમદાવાદને 2030ની કોમનવેલ્થ ગેમ્સની યજમાની મળી છે અને ભારત 2036માં ઓલિમ્પિકના આયોજનના સંકલ્પ સાથે આગળ વધી રહ્યું છે. મુખ્યમંત્રીએ તમામ ખેલાડીઓને તેમના શ્રેષ્ઠ પ્રદર્શન માટે શુભકામનાઓ પાઠવી હતી.
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી
આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે આ આયોજન માત્ર એક સ્પર્ધા નથી, પરંતુ માનવીય ક્ષમતા અને મજબૂત સંકલ્પશક્તિનો ઉત્સવ છે. છેલ્લા છ મહિનામાં અમદાવાદમાં આ પાંચમી આંતરરાષ્ટ્રીય ટૂર્નામેન્ટ યોજાઈ રહી છે, જે રમતગમત ક્ષેત્રે ગુજરાતની વધતી જતી માળખાકીય સુવિધાઓ અને શક્તિનું પ્રતીક છે.