Fri Oct 16 2026

Logo

રજાના માહોલમાં દેશી-આયાતી ખાદ્યતેલમાં સાંકડી વધઘટે ટકેલું વલણ

2026-09-05 19:02:01
Author: Ramesh Gohil
રજાના માહોલમાં દેશી-આયાતી ખાદ્યતેલમાં સાંકડી વધઘટે ટકેલું વલણ

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ શિકાગો ખાતે ગઈકાલે સોયાતેલના વાયદામાં 72 સેન્ટનો ઘટાડો આવ્યો હોવાના ઓવરનાઈટ અહેવાલ હતા. જોકે, આજે સ્થાનિક જથ્થાબંધ ખાદ્યતેલ બજારમાં સપ્તાહનું અંતિમ સત્ર તેમ જ કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી હોવાને કારણે રજાનાં માહોલમાં હાજર, ડાયરેક્ટ ડિલિવરી અને સેલરિસેલ ધોરણે કામકાજો અત્યંત પાંખાં રહ્યાં હોવાથી હાજર ભાવમાં સાંકડી વધઘટે ટકેલું વલણ રહ્યું હોવાનું બજારનાં સાધનોએ જણાવ્યું હતું. 

આજે સ્થાનિકમાં બંધના માહોલમાં રિફાઈનરોની પાંખી હાજરીમાં ડાયરેક્ટ ડિલિવરી શરતે 10 કિલોદીઠ ધોરણે પતંજલિ ફૂડ્સના ઑક્ટોબર ડિલિવરી શરતે સોયા રિફાઈન્ડના રૂ. 1480, સન રિફાઈન્ડના રૂ. 1740 અને આરબીડી પામોલિનના રૂ. 1510, ગોકુલ એગ્રોના સોયા રિફાઈન્ડના ઑક્ટોબર ડિલિવરી શરતે રૂ. 1470, રિલાયન્સ રિટેલના ખપોલીથી સપ્ટેમ્બર અને ઑક્ટોબર ડિલિવરી શરતે સન રિફાઈન્ડના રૂ. 1740 અને ઑક્ટોબર, નવેમ્બર અને ડિસિમ્બર ડિલિવરી શરતે સોયા રિફાઈન્ડના રૂ. 1495 તથા જી-વનના રેડી ડિલિવરી શરતે સોયા રિફાઈન્ડના રૂ. 1435 ક્વૉટ થઈ રહ્યા હતા, પરંતુ વેપાર નહોતા. 

પ્રાપ્ત અહેવાલ અનુસાર આજે દેશભરમાં સોયાસીડની 45,000 ગૂણીની આવકો હતી. જેમાં મહારાષ્ટ્રમાં 15,000 ગૂણી, મધ્ય પ્રદેશમાં 20,000 ગૂણી, રાજસ્થાનમાં 5000 ગૂણી અને અન્ય મથકો પર 5000 ગૂણીની આવકનો સમાવેશ થાય છે. વધુમાં આજે હાજરમાં વિવિધ દેશી-આયાતી ખાદ્યતેલના 10 કિલોદીઠ ભાવમાં આરબીડી પામોલિનના રૂ. 1500, સોયા રિફાઈન્ડના રૂ. 1485, સન રિફાઈન્ડના રૂ. 1760, સિંગતેલના રૂ. 1750, કપાસિયા રિફાઈન્ડના રૂ. 1685 અને સરસવના રૂ. 1770ના મથાળે ટકેલા રહ્યાના અહેવાલ હતા.