મુંબઈ: 99 રૂપિયાનું રોકાણ કરો તો 9999 રૂપિયા મળશે, એવી લોભામણી સ્કીમ વિશે માહિતી આપી મહિલા સાથે ઓનલાઇન છેતરપિંડી આચરનારા બે આરોપીને રાજસ્થાનથી ઝડપી પાડવામાં ઓશિવરા પોલીસને સફળતા મળી હતી. આરોપીઓની ઓળખ દીપક સીતારામ મિના (21) અને હરકેશ ગોપાલ મિના (30) તરીકે થઇ હતી. કોર્ટે બંને આરોપીને પોલીસ કસ્ટડી ફટકારી હોવાથી તેમની વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે.
ઓશિવરા વિસ્તારમાં રહેતી મહિલા 12 જુલાઇ, 2026ના રોજ ફેસબુક સર્ફિંગ કરી રહી હતી ત્યારે તેની નજર ફેસબુક પૅજ પર પડી હતી, જે વિઝાર્ડ ટ્રેડર્સ-7 નામે બનાવાયું હતું અને તેના પર પોસ્ટ કરાઇ હતી, જેમાં 99 રૂપિયા ભરવા પર 9999 રૂપિયા મળશે, એવું જણાવાયું હતું.
મહિલાએ એ પૅજ પર ક્લિક કર્યા બાદ તેને અજાણ્યા વ્હૉટ્સઍપ નંબર પરથી મેસેજ આવ્યો હતો અને બાદમાં અજાણી વ્યક્તિએ મહિલાને 99 રૂપિયાની સ્કીમ વિશે માહિતી આપી હતી. મહિલાએ રૂપિયા ભરવાની તૈયારી દર્શાવ્યા બાદ તેને ક્યૂઆર કૉડ મોકલવામાં આવ્યો હતો, જે સ્કૅન કરીને તેણે 99 રૂપિયા ઓનલાઇન મોકલ્યા હતા.
બાદમાં અલગ અલગ મોબાઇલ નંબર પરથી મહિલાનો સંપર્ક સાધવામાં આવ્યો હતો અને વિવિધ કારણો જણાવીને મહિલાને બૅંક અકાઉન્ટ નંબર આપી તેમાં રૂપિયા ટ્રાન્સફર કરવાની ફરજ પડાઇ હતી. દરમિયાન પોતે છેતરાઇ હોવાનું જણાતાં તેણે ઓશિવરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, જેને આધારે ગુનો દાખલ કરાયો હતો.
તપાસ દરમિયાન ગુનામાં સામેલ આરોપીઓ રાજસ્થાનમાં હોવાની માહિતી મળ્યા બાદ પોલીસની ટીમ ત્યાં રવાના થઇ હતી અને ચાર દિવસ શોધ ચલાવ્યા બાદ બંને આરોપીને દક્ષિણ જયપુરના શિવદાસ પુરા ખાતેથી ઝડપી પાડ્યા હતા.