Wed Sep 30 2026

Logo

દિલ્હીમાં ઇમારત ધરાશાયી થતાં ત્રણના મોત, નવ લોકોને રેસ્ક્યૂ કર્યા

2026-09-06 22:29:02
Author: Chandrakant Kanoja
દિલ્હીમાં ઇમારત ધરાશાયી થતાં ત્રણના મોત, નવ લોકોને રેસ્ક્યૂ કર્યા

Shashi Shekhar Kashyap (The Hindu)


નવી દિલ્હી: દક્ષિણ દિલ્હીના સત્ય નિકેતનમાં પાંચ માળની ઇમારત ધરાશાયી થતાં અનેક લોકો કાટમાળ નીચે ફસાયા હતા. જેમાં ત્રણ લોકોના મોત થયાના અહેવાલ છે. જ્યારે ત્રણ અન્યની હાલત ગંભીર હોવાનું કહેવાય છે.

ત્રણને AIIMS ટ્રોમા સેન્ટરમાં રિફર કરવામાં આવ્યા

આ ઘટનાની જાણ થયા બાદ રાહત અને બચાવ કામગીરી કરવામાં આવી રહી છે. તેમજ અત્યાર સુધી નવ લોકોને બચાવી લેવામાં આવ્યા છે. જેમાં ઘાયલોમાંથી ત્રણને  AIIMS ટ્રોમા સેન્ટરમાં રિફર કરવામાં આવ્યા છે.

હાલમાં સ્થળ પર બચાવ કામગીરી ચાલી રહી છે. આ ધરાશાયી થયેલી ઇમારતમાં વિદ્યાર્થીઓ માટે પીજી ચલાવવામાં આવતું હતું. તેમજ રવિવાર હોવાથી મોટાભાગના વિદ્યાર્થીઓ તે સમયે પીજીમાં હાજર હતા.

પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહે શોક વ્યક્ત કર્યો 

આ દુર્ઘટના પર પીએમ  મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શોક વ્યક્ત કર્યો છે. પીએમ મોદીએ જણાવ્યું હતું કે દિલ્હીના સત્ય નિકેતનમાં ઇમારત ધરાશાયી થવાની ઘટના દુ:ખદ છે. તેમણે પ્રિયજનો ગુમાવનારાઓ પ્રત્યે સંવેદના વ્યક્ત કરી અને ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવા માટે કામના કરી. 

ગુહ મંત્રી અમિત શાહે પરિસ્થિતિની સમીક્ષા કરી

ગુહ મંત્રી અમિત શાહે કહ્યું કે દિલ્હીના સત્ય નિકેતનમાં ઇમારત ધરાશાયી થવાથી તેઓ ખૂબ જ દુઃખી છે. તેમણે મુખ્યમંત્રી, દિલ્હી પોલીસ કમિશનર અને NDRFના ડિરેક્ટર જનરલ સાથે વાત કરીને પરિસ્થિતિની સમીક્ષા કરી છે. તેમજ  સ્થાનિક વહીવટીતંત્ર અને NDRF સંયુક્ત રીતે મોટા પાયે બચાવ કામગીરી ચલાવી રહ્યા છે. ઘાયલોને તમામ જરૂરી તબીબી સહાય પૂરી પાડવામાં આવી રહી છે. 

મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ ઘટના સ્થળનું નિરીક્ષણ કર્યું હતું

જ્યારે દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ ઘટના સ્થળનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે જણાવ્યું કે ઇમારતના ભોંયરામાં કામ ચાલી રહ્યું છે. તેમજ અધિકારીઓ તરફથી કોઈપણ બેદરકારી બદલ કડક કાર્યવાહી કરવામાં આવશે.