ઇસ્લામાબાદ: પાકિસ્તાની નેવીએ ચીનમાં બનેલી હંગોર ક્લાસ સબમરીનથી પહેલીવાર લાઇવ ફાયરિંગ કર્યું છે. આ દરમ્યાન હંગોર ક્લાસ સબમરીનથી એક ક્રૂઝ મિસાઇલ લોન્ચ કરી. પીએનએસ હંગોર પોતાના ક્લાસની પહેલી સબમરીન છે, જે જલદી પાકિસ્તાનની નેવીમાં ઓપરેશનલ થઇ શકે છે.
આ ટેસ્ટ ફાયરિંગને સબમરિનની તેનાતીની દિશામાં એક મહત્ત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે. હંગોર ક્લાસ સબમરિન એર ઇન્ડિપેન્ડન્ટ પ્રોપલ્શન (AIP) થી સજ્જ છે, જેના કારણે તે વધુ સમય સુધી પાણીની નીચે રહી શકે છે. આનાથી દુશ્મન માટે હંગોર ક્લાસ સબમરીનને શોધી કાઢવી મુશ્કેલ બની શકે છે.
પાકિસ્તાની સેનાના મીડિયા વિંગ ઇન્ટર સર્વિસિસ પબ્લિક રિલેશન્સ (ISPR) એ જણાવ્યું કે ફાયરિંગ દરમિયાન, PNS/M HANGOR એ લાંબા અંતરના લક્ષ્યોને ભેદવા માટે ડિઝાઇન કરાયેલ એન્ટી-શિપ ક્રૂઝ મિસાઇલ લોન્ચ કરી. પાકિસ્તાન નેવીના જણાવ્યા અનુસાર, મિસાઇલે નક્કી કરેલા લક્ષ્ય પર સફળતાપૂર્વક નિશાન સાધ્યું, જેનાથી સબમરિનના હથિયાર સિસ્ટમ, યુદ્ધ માટેની તૈયારી અને ઓપરેશનલ ક્ષમતાની પુષ્ટિ થઈ.
પાકિસ્તાની નૌસૈના પ્રમુખે લાઈવ ફાયરિંગ જોયું
પાકિસ્તાની નૌસૈના પ્રમુખ એડમિરલ નવીદ અશરફે સમુદ્રમાં લાઈવ ફાયરિંગ જોયું અને ઓપરેશનલ તૈયારી તથા મજબૂત પ્રતિરોધ ક્ષમતા જાળવી રાખવા માટે પાકિસ્તાન નેવીની પાણીની નીચે યુદ્ધ કરવાની ક્ષમતાઓને સતત મજબૂત કરવાના મહત્ત્વ પર ભાર મૂક્યો.
પાકિસ્તાનની પાસે હંગોર ક્લાસની કેટલી સબમરીન
પાકિસ્તાની નેવીમાં કુલ 8 હંગોર ક્લાસ સબમરીનને સામેલ કરવાની છે. પાકિસ્તાનનો દાવો છે કે હંગોર ક્લાસ સબમરીન એડવાન્સ્ડ કોમ્બેટ સિસ્ટમ, આધુનિક સેંસર, એર ઇન્ડિપેન્ડેન્ટ પ્રોપલ્શન (AIP) ટેકનીક અને સારી સ્ટેલ્થ સુવિધાઓથી સજ્જ છે.