Tue Oct 06 2026

Logo

ગુવાહાટીમાં રો-કો માટે લોકોમાં જબરો ક્રેઝ, બુધવારે બીજી વન-ડે

2026-09-29 22:40:34
Author: Ajay Motiwala
ગુવાહાટીમાં રો-કો માટે લોકોમાં જબરો ક્રેઝ, બુધવારે બીજી વન-ડે

ગુવાહાટીઃ ભારતે વેસ્ટ ઇન્ડિઝ સામે છેલ્લી 12માંથી 11 વન-ડે જીતી છે ત્યારે બુધવારે (બપોરે 2.00 વાગ્યાથી) રમાનારી સિરીઝની બીજી વન-ડે (ODI) જીતીને ભારતીયો 2-0ના માર્જિન સાથે ટ્રોફી પર કબજો કરી લેવા કોઈ કસર બાકી નહીં રાખે, પરંતુ મજબૂત બૅટિંગ સામે પેસ બોલિંગમાં સાતત્યતાનો જે અભાવ છે એ કદાચ ભારતને નડી શકે.

ગુવાહાટીમાં રો-કો (રોહિત-વિરાટ)ને જોવા માટે મંગળવારે ઍરપોર્ટ પર લોકોની ભારે ભીડ જામી હતી. કોહલી રવિવારે વન-ડે ક્રિકેટમાં 15,000 રન પૂરા કરનાર સચિન તેન્ડુલકર પછીનો વિશ્વનો બીજો ખેલાડી બન્યો ત્યાર બાદ હવે રોહિતને 12,000 પૂરા કરનાર સાતમો પ્લેયર બનવાની તક છે અને એ માટે તેને 73 રનની જરૂર છે.

કોહલી ગુવાહાટીના બરસાપારા સ્ટેડિયમમાં જે બે વન-ડે રમ્યો છે એ બન્નેમાં તેણે સેન્ચુરી કરી છે અને મૅન ઑફ ધ મૅચ બન્યો છે.

ગુવાહાટી (Guwahati)માં બુધવારે 30 સેલ્સિયસ જેટલું તાપમાન રહેવાની સંભાવના છે. જોકે મૅચ દરમ્યાન ઠંડો પવન ફૂંકાવાની પણ સંભાવના છે.

ગુવાહાટીના મંદિરમાં ગંભીરની પ્રાર્થના

ભારતની વન-ડે ટીમનો હેડ-કોચ ગૌતમ ગંભીર મંગળવારે આસામમાં ગુવાહાટીના મા કામખ્યા ટેમ્પલમાં પ્રાર્થના માટે પહોંચી ગયો હતો.