Fri Oct 02 2026

Logo

CCEના ઉમેદવારો થઈ જાઓ તૈયાર! GSSSBએ ગ્રૂપ-Aની મેઇન્સની તારીખ અને, સિલેબસની કરી જાહેરાત

2026-09-29 22:35:30
Author: Devayat Khatana
CCEના ઉમેદવારો થઈ જાઓ તૈયાર! GSSSBએ ગ્રૂપ-Aની મેઇન્સની તારીખ અને, સિલેબસની કરી જાહેરાત

ગાંધીનગર: ગુજરાતમાં સરકારી નોકરીની તૈયારી કરતાં ઉમેદવારો માટે મોટી અપડેટ છે. કારણ કે આજે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા વર્ગ-૩ (ગ્રૂપ-A તથા ગ્રૂપ-B) ની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા (CCE)ની પ્રાથમિક પરીક્ષાની તમામ શિફટો પૂર્ણ કરી છે અને તેની સાથે જ CCE અંતર્ગત ગ્રૂપ-A ની મુખ્ય પરીક્ષાનું સંભવિત આયોજન જાહેર કરવામાં આવ્યું છે. મંડળ દ્વારા જારી કરવામાં આવેલી સત્તાવાર જાહેરાત અનુસાર, આ મુખ્ય પરીક્ષા આગામી 28 અને 29 નવેમ્બર 2026 ના રોજ યોજાનાર છે. જે માટે ઉમેદવારોમાં ઉત્સાહ અને તૈયારીઓનો માહોલ જોવા મળી રહ્યો છે.

આ પરીક્ષાનું સમયપત્રક ત્રણ મુખ્ય પેપર્સમાં વિભાજિત કરવામાં આવ્યું છે. જે મુજબ તારીખ 28 નવેમ્બર 2026 ના રોજ સવારે 10:00 થી 1:00 દરમિયાન 100 ગુણનું પ્રથમ પેપર ગુજરાતી ભાષા કૌશલ્યનું રહેશે, જ્યારે બપોરે 3:00 થી 6:00 દરમિયાન 100 ગુણનું બીજું પેપર અંગ્રેજી ભાષા કૌશલ્યનું લેવાશે. આ ઉપરાંત, તારીખ 29 નવેમ્બર 2026 ના રોજ સવારે 10:00 થી 1:00 દરમિયાન 150 ગુણનું સામાન્ય અભ્યાસનું ત્રીજું પેપર યોજાશે. તમામ પેપરનો સમયગાળો 3 કલાકનો રહેશે.

પરીક્ષાના વિગતવાર અભ્યાસક્રમ મુજબ, પેપર-1 ગુજરાતીમાં નિબંધ, વિચારવિસ્તાર, સંક્ષેપીકરણ, ગદ્ય સમીક્ષા, પત્ર લેખન, અહેવાલ લેખન, ભાષાંતર અને વ્યાકરણનો સમાવેશ થાય છે, જેનો કુલ ગુણભાર 100 માર્ક રહેશે. જ્યારે પેપર-2 અંગ્રેજીમાં નિબંધ, પત્ર લેખન, રિપોર્ટ રાઇટીંગ, વિઝ્યુઅલ ઇન્ફોર્મેશન પર લેખન, પ્રેસી રાઇટીંગ, રીડિંગ કોમ્પ્રિહેન્શન અને અંગ્રેજી વ્યાકરણ જેવા મુદ્દાઓ સામેલ છે, જેનો કુલ ગુણભાર પણ 100 માર્ક રહેશે.. પેપર-૩ જનરલ સ્ટડીઝમાં ભારત અને ગુજરાતનો ઇતિહાસ, સાંસ્કૃતિક વારસો, ભૂગોળ, વિજ્ઞાન અને ટેકનોલોજી, ભારતીય બંધારણ, જાહેર વહીવટ, અર્થશાસ્ત્ર અને નૈતિકતા (Ethics) જેવા વિષયોમાંથી પ્રશ્નો પૂછવામાં આવશે, જેનો કુલ ગુણભાર 150 માર્ક રહેશે.

નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, આ પરીક્ષા પદ્ધતિ વર્ગ-3 ની જગ્યાઓ માટે ઉમેદવારોની લેખિત અને ભાષાકીય ક્ષમતાને ચકાસવા માટે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. મંડળ દ્વારા તમામ ઉમેદવારોને નિયત સમયે અને આયોજનબદ્ધ રીતે પરીક્ષાની તૈયારીઓ કરી લેવા માટે સૂચના આપવામાં આવી છે, જેથી તેઓ આ સ્પર્ધાત્મક પરીક્ષામાં શ્રેષ્ઠ દેખાવ કરી શકે.