રાજકોટઃ શહેરમાં એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો હતો. સરકારી શાળાના શિક્ષક સામે 14 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ આચર્યાની ગંભીર ફરિયાદ સામે આવી હતી. ફરિયાદ મુજબ શિક્ષકે સગીરાને ગણિત વિષયમાં સારા માર્ક્સે પાસ કરાવવાની લાલચ આપી હતી અને જ્યારે સગીરા ક્લાસમાં એકલી હોય ત્યારે તેની સાથે અડપલાં કરતો હતો. સગીરા વિરોધ કરતી ત્યારે તેને ગણિતમાં નાપાસ કરવાની ધમકી આપવામાં આવતી હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે.
શું છે સમગ્ર મામલો
મળતી માહિતી મુજબ રાજકોટની મધર ટેરેસા સરકારી સ્કૂલ નંબર-88માં શિક્ષક તરીકે ફરજ બજાવતા મોહિત ટાંક સામે આ ગંભીર આક્ષેપો થયા છે. ફરિયાદ અનુસાર, શિક્ષકે સગીરાને વિશ્વાસમાં લઈ તેની સાથે અયોગ્ય વર્તન શરૂ કર્યું હતું. ફરિયાદમાં જણાવ્યા મુજબ, તા. 9 જાન્યુઆરી, 2026ના રોજ સગીરા બુક ભૂલી ગઈ હોવાનું કહી શિક્ષક તેને પોતાના ફ્લેટ પર લઈ ગયો હતો. જ્યાં સગીરા સાથે દુષ્કર્મ આચર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. સમગ્ર ઘટના બાદ સગીરાએ હિંમત કરીને પોતાની માતાને આ અંગે જાણ કરતાં મામલો પ્રકાશમાં આવ્યો હતો.
સગીરાનું નિવેદન નોંધ્યું
સગીરાની માતાને સમગ્ર હકીકતની જાણ થતાં પરિવાર દ્વારા પોલીસનો સંપર્ક કરવામાં આવ્યો હતો. ત્યારબાદ રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં શિક્ષક મોહિત ટાંક વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે શિક્ષક મોહિત ટાંક વિરુદ્ધ POCSO એક્ટ સહિતની લાગુ પડતી કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. ઘટનાને લઈને પોલીસે સગીરાનું નિવેદન સહિતની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળે છે.
આ સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે અને તપાસ દરમિયાન ઘટનાને લગતી વધુ વિગતો સામે આવી શકે છે.