Wed Oct 14 2026

Logo

ઈસ્લામ ધર્મ અંગીકાર કર્યા પછી દીકરા હરિલાલ સાથે ગાંધીજીનો 'સંબંધ' કેવો હતો?

2026-10-02 15:12:51
Author: Devayat Khatana
ઈસ્લામ ધર્મ અંગીકાર કર્યા પછી દીકરા હરિલાલ સાથે ગાંધીજીનો 'સંબંધ' કેવો હતો?

આજે ગાંધી જયંતી છે અને ચારે બાજુ પરમ પૂજ્ય મહાત્મા ગાંધીજીની વાત થઈ રહી છે. આખી દુનિયા જેમને 'બાપુ' તરીકે ઓળખે છે તેવા મહાત્મા ગાંધી અને તેમના ચાર દીકરા પૈકી સૌથી મોટા દીકરા હરિલાલ વચ્ચેનો સંબંધ જરાયે સામાન્ય નહોતા, તેમની વચ્ચેનો સબંધ ખૂબ જ જટિલ અને તણાવપૂર્ણ હતો. 

હરિલાલ બેરિસ્ટર બનીને પોતાની અલગ ઓળખ ઊભી કરવા માંગતા હતા, પરંતુ ગાંધીજી ઇચ્છતા હતા કે તેમનો પુત્ર પશ્ચિમી શિક્ષણ અને વ્યક્તિગત મહત્વાકાંક્ષા છોડીને દેશસેવા અને તેમના કઠોર આદર્શો અપનાવે. આ વૈચારિક મતભેદોને કારણે પિતા-પુત્ર વચ્ચે ઊંડો ટકરાવ ઊભો થયો હતો. 2007માં આવેલી ફિલ્મ 'ગાંધી માય ફાધર'માં આ વાસ્તવિક અને હૃદયદ્રાવક સંઘર્ષને ખૂબ જ સચોટ રીતે દર્શાવવામાં આવ્યો છે.

ગાંધીજીના સિદ્ધાંતો અને હરિલાલના વ્યક્તિગત અધિકારો વચ્ચેની આ લડાઈને કારણે હરિલાલે પિતાથી અંતર રાખ્યું હતું. 1918માં પત્ની ગુલાબના મૃત્યુ પછી હરિલાલનું જીવન આર્થિક સંકટ અને દારૂની લતમાં ગરકાવ થઈ ગયું. પિતા-પુત્ર વચ્ચેની આ ખીણ ત્યારે વધુ ઊંડી બની કે જ્યારે 1936માં હરિલાલે જાહેરમાં ઇસ્લામ ધર્મ અંગીકાર કરીને પોતાનું નામ અબ્દુલ્લા ગાંધી રાખી દીધું. આ ઘટનાથી કસ્તુરબા ગાંધીને મોટો આઘાત લાગ્યો હતાો અને તેમણે એક લાચાર અને ચિંતિત માતા તરીકે હરિલાલ તથા તેમના મુસ્લિમ મિત્રોને પત્રો પણ લખ્યા હતા.

જોકે, હરિલાલનું આ ધર્માંતરણ કાયમી નહોતું. એ જ વર્ષે તેમણે આર્ય સમાજ દ્વારા ફરીથી હિંદુ ધર્મ અપનાવી લીધો હતો. પત્રવ્યવહાર દર્શાવે છે કે આટલા મતભેદો અને નિરાશા છતાં પિતા અને પુત્ર વચ્ચેનો સંબંધ ક્યારેય સંપૂર્ણપણે ખતમ નહોતો થયો. 

ગાંધીજી પોતાના પુત્રને પ્રેમ કરતા હતા અને તેની ચિંતા પણ કરતા હતા, પરંતુ તેઓ બંને એકબીજા પાસેથી જે પ્રકારનો સંબંધ ઇચ્છતા હતા તે ક્યારેય બની શક્યો નહીં. હરિલાલ એક સામાન્ય પિતાનો પ્રેમ ઝંખતા રહ્યા, જ્યારે ગાંધીજી રાષ્ટ્ર અને સિદ્ધાંતોને પરિવારથી ઉપર રાખતા રહ્યા. ગાંધીજીને જીવનમાં બે વ્યક્તિના વિચાર નહિ બદલી શકવાનો વસવસો હતો, એક હતા ઝીણા અને બીજા તેનો મોટો દીકરો. 

આ સંબંધનો અંત અત્યંત કરુણ રહ્યો. જે મહાપુરુષને આખો દેશ પિતા માનતો હતો, તેમનો જ પોતાનો પુત્ર પોતાના જીવનના અંતિમ તબક્કામાં એકદમ એકલો અને નિરાશ હતો. 1948માં ગાંધીજીની હત્યાના થોડા મહિનાઓ પછી જ હરિલાલનું પણ અવસાન થયું. આ એક મોટી વિડંબણા એ હતી કે ગાંધીજીના અન્ય ત્રણ પુત્રો - મણિલાલ, રામદાસ અને દેવદાસ પિતાના આદર્શોની નજીક રહ્યા અને સામાજિક કાર્યોમાં સક્રિય રહ્યા, પરંતુ તેમનો સૌથી મોટો પુત્ર આજીવન પોતાની સ્વતંત્ર ઓળખ અને પિતાના સ્વીકાર માટે સંઘર્ષ કરતો રહ્યો.