લોકલ ટ્રેન કનેક્ટિવિટી વધારવા MUTP-4 હેઠળ કવચ 5.0 અને સ્ટેશન અપગ્રેડેશનનું આયોજન
મુંબઈ: ‘ત્રીજી મુંબઈ’ તરીકે વિકસાવવામાં આવી રહેલા નવા ડેવલપમેન્ટ હબમાં ભવિષ્યમાં લોકલ ટ્રેન કનેક્ટિવિટી ઉપલબ્ધ કરાવવાની દિશામાં મહત્વપૂર્ણ તૈયારીઓ શરૂ થઈ છે. પ્રોજેક્ટ માટે જમીન સંપાદનની પ્રક્રિયાએ વેગ પકડ્યો છે અને મુસાફરોની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને સબર્બન રેલવે નેટવર્કના વિસ્તરણનું આયોજન કરવામાં આવી રહ્યું છે. મુંબઈ રેલવે વિકાસ નિગમ (એમઆરવીસી) આગામી બે દાયકાની પરિવહન જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને મુંબઈ અર્બન ટ્રાન્સપોર્ટ પ્રોજેક્ટ-4 (એમયુટીપી-4) પર કામ કરી રહ્યું છે.
ફિઝિબિલિટી સ્ટડી પણ હાથ ધરવામાં આવશે
એમયુટીપી-4માં નવા રેલવે કોરિડોર, હાલની લાઇનોના વિસ્તરણ, ફાસ્ટ અને સ્લો લોકલ માટે અલગ ટ્રેક તેમજ ઉપનગરીય અને મેલ/એક્સપ્રેસ ટ્રેનના ટ્રાફિકને અલગ કરવાની શક્યતાઓનો અભ્યાસ કરવામાં આવશે. ‘મુંબઈ 3.0’ના મહત્વપૂર્ણ વિસ્તારો નવી મુંબઈ એરપોર્ટ ઈન્ફ્લુઅન્સ નોટિફાઈડ એરિયા અને કરનાળા-સાઈ-ચિરનેર અર્બન નોડ્સ સુધી હાલની લોકલ કનેક્ટિવિટી વધારવા માટે ફિઝિબિલિટી સ્ટડી હાથ ધરાશે.
40 સબર્બન સ્ટેશનને અપગ્રડે કરાશે
મુસાફરોની સંખ્યામાં ભવિષ્યમાં થનારા વધારાને ધ્યાનમાં રાખીને 2030, 2035, 2040 અને 2047 માટે ઉપનગરીય રેલવે મુસાફરીની માંગનું અનુમાન કરવામાં આવશે. આ અભ્યાસમાં મુસાફરોના મુસાફરી પેટર્ન, નવા રેલવે ટર્મિનસની જરૂરિયાત અને લગભગ 40 ઉપનગરીય સ્ટેશનોને અપગ્રેડ કરવાની શક્યતાઓનો પણ સમાવેશ થશે. ત્યારબાદ સંબંધિત પ્રોજેક્ટ્સ માટે ડિટેઈલ્ડ પ્રોજેક્ટ રિપોર્ટ (ડીપીઆર) તૈયાર કરી ખર્ચ તથા આર્થિક અને નાણાકીય વ્યવહારિકતાનું મૂલ્યાંકન કરવામાં આવશે.
કવચ જેવી આધુનિક ટેક્નોલોજીનો સમાવેશ
મુંબઈની લોકલ ટ્રેનોમાં ભીડ ઘટાડવા અને ટ્રેનો વચ્ચેનો સમય એટલે કે હેડવે ઓછો કરવા માટે આધુનિક સિગ્નલિંગ સિસ્ટમ લાગુ કરવાની પણ યોજના છે. તેમાં ‘કવચ 5.0’ જેવી આધુનિક ટેક્નોલોજીનો સમાવેશ થઈ શકે છે. સાથે જ ટ્રેનોના સ્ટેબ્લિંગ માટે વધારાના ટ્રેક, જાળવણી સુવિધાઓનું વિસ્તરણ અને ઉપનગરીય ટ્રેન સેવાઓ વધારવા માટે જરૂરી માળખાકીય સુવિધાઓ વિકસાવવાની શક્યતાઓ પણ ચકાસવામાં આવશે.
MRVC અને રેલવે સાથે મળી કરશે કામ
મુસાફરોની સુરક્ષા માટે ‘મિશન ઝીરો ડેથ’ હેઠળ સ્ટેશનો પર એક્સેસ કંટ્રોલ સિસ્ટમ અને અનધિકૃત પ્રવેશ રોકવાના ઉપાયોનો પણ અભ્યાસ થશે. પ્લેટફોર્મની ક્ષમતા, મુસાફરોની સલામત અવરજવર, દિવ્યાંગો અને વરિષ્ઠ નાગરિકો માટે સુલભતા તેમ જ બસ, મેટ્રો અને અન્ય પરિવહન વ્યવસ્થાઓ સાથે વધુ સારા સંકલન પર પણ ધ્યાન અપાશે. એમઆરવીસી, સેન્ટ્રલ રેલવે, વેસ્ટર્ન રેલવે અને રાજ્ય સરકારના સંકલનથી આગળની યોજનાઓને અંતિમ સ્વરૂપ આપવામાં આવશે.