Mon Oct 12 2026

Logo

ગરમી વધતા આવક ઘટીઃ નવરાત્રિની માગને કારણે શાકભાજી તેમજ ફૂલોના ભાવમાં 10થી 20 ટકાનો વધારો...

2026-10-12 19:22:46
Author: Mumbai Samachar Team
ગરમી વધતા આવક ઘટીઃ નવરાત્રિની માગને કારણે શાકભાજી તેમજ ફૂલોના ભાવમાં 10થી 20 ટકાનો વધારો...

મુંબઈ/પુણે: ગરમીની તીવ્રતા વધવાના કારણે બજારમાં શાકભાજીની આવકમાં ઘટાડો થયો છે, જેના પરિણામે ભીંડા, લીલા મરચાં, કાકડી અને વટાણા જેવા શાકભાજીના ભાવમાં ૧૦થી ૨૦ ટકાનો ઉછાળો આવ્યો છે. છેલ્લા કેટલાક દિવસોમાં ગરમીની તીવ્રતા વધવાને કારણે જથ્થાબંધ બજારમાં ફળો અને શાકભાજીની આવક ઘટી છે. પરિણામે, ભીંડા, લીલા મરચાં, સિમલા મરચાં, કાકડી, શલોટ અને વટાણાના ભાવ ૧૦થી ૨૦ ટકા વધ્યા છે. તાપમાનને કારણે પાંદડાવાળા શાકભાજીનું ઉત્પાદન પણ ઘટ્યું છે, જ્યારે અન્ય શાકભાજીના ભાવ સ્થિર છે.

રાજ્યના વિવિધ ભાગો અને અન્ય રાજ્યોમાંથી પુણેના માર્કેટ યાર્ડમાં ફળો અને શાકભાજીના લગભગ ૯૦ ટ્રક આવ્યા હતા. કર્ણાટક, ગુજરાત અને આંધ્રપ્રદેશમાંથી લીલા મરચાં, હિમાચલ પ્રદેશ અને કર્ણાટકમાંથી ફણસી, ઇન્દોરથી ગાજર તેમજ આંધ્રપ્રદેશ અને તમિલનાડુમાંથી સરગવા સિંગની અને સ્થાનિક વિસ્તારોમાંથી ટમેટાં, ભીંડા, ગુવાર, કાકડી, ફ્લાવર, કોબી અને કેપ્સિકમ આવ્યા હતા. 

વેપારીઓએ માહિતી આપી હતી કે દોઢ લાખ જોડી કોથમીર અને ૨૦ હજાર જોડી મેથી આવી છે. છૂટક બજારમાં કાંદા ૬૦-૭૦ રૂ. પ્રતિ કિલો, બટાકા ૩૫-૪૦ રૂ., ટમેટાં ૩૦-૪૦ રૂ., રીંગણા ૮૦-૧૦૦ રૂ., સરગવો ૧૩૦-૧૪૦ રૂ., વટાણા ૧૦૦-૧૨૦ રૂ., કોબી ૬૦-૭૦ રૂ., ગુવાર ૧૨૦-૧૩૦ રૂ., ભીંડા ૧૧૦-૧૨૦ રૂ., ચોળી ૭૦-૮૦ રૂ., કારેલાં ૬૦-૮૦ રૂ., કાકડી ૫૦-૬૦ રૂ., ગલકાં ૮૦-૧૦૦ રૂ., લીલા મરચાં ૧૪૦-૧૬૦ રૂ. પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યા છે, જ્યારે કોથમીર ૨૦, મેથી ૨૫-૩૦, સુવાભાજી ૧૫-૨૦, લીલી કાંદા ૧૫-૨૦, મૂળા ૩૦-૪૦, પાલક ૧૫-૨૦ રૂ. ના ભાવે મળી રહ્યા છે. નવરાત્રિ દરમિયાન ઉપવાસ માટે બટાકાની માંગ વધવાને કારણે છૂટક બજારમાં બટાકાનો ભાવ પણ ૩૫ થી ૪૦ રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગયો છે. 

તહેવારોના આગમન સાથે ફૂલોની માંગ અને ભાવમાં પણ વધારો થયો છે. અઠવાડિયાની સરખામણીમાં તમામ પ્રકારના ફૂલોના ભાવમાં દસથી વીસ ટકાનો વધારો થયો છે. ગલગોટા ૨૦-૫૦ રૂ. પ્રતિ કિલો, રજનીગંધા ૩૦૦-૫૦૦ રૂ., એસ્ટર ઝૂડી ૧૦-૨૦ રૂ., છૂટક ૮૦-૧૨૦ રૂ., શેવંતી ૧૦૦-૨૦૦ રૂ., ગુલાબ ઝૂડી ૨૦-૫૦, રૂ. ગુલછડી દાંડી ૩૦-૧૦૦ રૂ., ડચ ગુલાબ ૨૦ નંગ ૮૦-૧૫૦ રુપિયાની આસપાસ રહ્યા છે. 

શાકભાજીની સાથે અન્ય ફૂલોમાં કાર્નેશન ૧૫૦-૨૦૦ રૂ., શેવંતી દાંડી ૧૫૦-૨૫૦ રૂ., લીલીયમ (૧૦ દાંડી) ૮૦૦-૧૦૦૦ રૂ., ઓર્કિડ ૩૦૦ -૫૦૦ રૂ., ગ્લેડિઓલસ (૧૦ દાંડી) ૮૦-૧૫૦ રૂ., જીપ્સોફિલા ૧૫૦-૨૫૦ રૂ., લીલી બંડલ: ૨૦-૩૦ રૂ., જુઈ: ૧૦૦૦-૧૨૦૦ રૂ., ચમેલી ૧૦૦૦-૧૨૦૦ રૂ. પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહી છે.