Mon Oct 12 2026

Logo

સુદાનમાં સોનાની ખાણ પર થયો ભયાનક હવાઈ હુમલો; 72 કામદારોનાં મોત, મૃત્યુઆંક વધવાની આશંકા

Sudan   2026-10-12 13:26:00
Author: Vimal Prajapati
સુદાનમાં સોનાની ખાણ પર થયો ભયાનક હવાઈ હુમલો; 72 કામદારોનાં મોત, મૃત્યુઆંક વધવાની આશંકા

ખાર્તુમઃ સુદાન-ઇજિપ્ત સરહદ નજીક આવેલી સોનાની ખાણ પર થયેલા હવાઈ હુમલામાં ઓછામાં ઓછા 72 લોકોનાં મોત થયાં હોવાનો અહેવાલ છે. સુદાનના માનવાધિકાર જૂથ ઇમરજન્સી લૉયર્સે હુમલા માટે ઇજિપ્તની વાયુસેનાને જવાબદાર ઠેરવી છે, જોકે આ દાવાની પુષ્ટિ થઈ નથી અને ઇજિપ્ત તરફથી સત્તાવાર ટિપ્પણી પણ કરવામાં આવી નથી. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, શનિવારે સવારે સુદાનના ઉત્તરીય ભાગમાં, સરહદ નજીકના પહાડી વિસ્તારમાં આવેલી પરંપરાગત સોનાની ખાણ પર વિમાનોમાંથી હુમલો થયો હતો. બચી ગયેલા ખાણકામ કરનારે જણાવ્યું કે હુમલા પહેલાં કામદારો ખાણમાં કામ કરી રહ્યા હતા અને નજીકમાં લોકો રોજિંદા પ્રવૃત્તિઓમાં વ્યસ્ત હતા. ત્યારબાદ વિમાને અચાનક હુમલો થચા સમગ્ર વિસ્તારમાં અફરાતફરી ફેલાઈ હતી.

દુર્ગમ વિસ્તાર હોવાથી મૃત્યુઆંકમાં વધારે થવાના આશંકા

વધારે વિગતે વાત કરવામાં આવે તો, કુલ 72 ખાણકામ કરનારનાં મોત થયાં હોવાનું જાણવા મળ્યું છે. દૂરના અને દુર્ગમ વિસ્તારમાં પહોંચવું મુશ્કેલ હોવાથી મૃત્યુઆંકની ચકાસણી ચાલુ છે. ઈજાગ્રસ્તોની હાલત અને તબીબી સહાય સુધીની મર્યાદિત પહોંચને કારણે મૃતકોની સંખ્યા વધવાની આશંકા વ્યક્ત કરાઈ છે. સુદાનના માનવાધિકાર જૂથનો દાવો છે કે, હુમલો સુદાનની ધરતી પર થયો છે, અને ઇજિપ્તનાં લશ્કરી વિમાનોએ તેને અંજામ આપ્યો છે. જોકે, હુમલાની જવાબદારી સ્વતંત્ર રીતે સ્થાપિત થઈ નથી. ઇજિપ્તે આ તાજેતરના હુમલા અંગે હજી સુધી કોઈ જવાબ આપ્યો નથી.

અત્રે નોંધનીય છે કે, આ વિસ્તાર સુદાન અને ઇજિપ્ત વચ્ચેના વિવાદિત સરહદી ક્ષેત્રની નજીક આવેલો છે. અહીં સોનાની ખાણકામ ઉપરાંત ગેરકાયદે વેપાર અને દાણચોરીની સમસ્યાઓ પણ છે. ઇજિપ્તે અગાઉ પોતાની સરહદમાં ગેરકાયદે સોનાની ખાણકામ સામે કાર્યવાહી કરવાની વાત કરી હતી. સુદાનમાં એપ્રિલ 2023થી સુદાનની સેનાનો અર્ધલશ્કરી સંગઠન રેપિડ સપોર્ટ ફોર્સિસ (RSF) સાથે સંઘર્ષ ચાલુ છે. સોનાની ખાણો અને તેના વેપાર પર નિયંત્રણ મેળવવાની હરીફાઈએ સંઘર્ષગ્રસ્ત વિસ્તારોમાં ખાણકામ કરનાર નાગરિકો માટે જોખમ વધાર્યું છે.